નકલી ડોક્યુમેન્ટથી LICની પોલિસી ઉપાડી લેતી ફ્રોડ ટોળકી ભાવનગરથી ઝડપાઈ, પોલીસે વેશપલટો કરીને આરોપીને ઝડપ્યા
LICમાંથી પરિપક્વ પોલિસીને ખોટા ડોક્યુમેન્ટના આધારે ઉપાડી લેવાના આંતરરાજ્ય ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Published : September 1, 2026 at 10:50 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસ દ્વારા LICમાંથી પરિપક્વ પોલિસીને ખોટા ડોક્યુમેન્ટના આધારે ઉપાડી લેવાના આંતરરાજ્ય ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા ભાવનગરથી ફ્રોડ કરનાર ટોળકીના 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.
આ કેસમાં વર્ષ 1993માં વીમાધારક દિવ્યાંગ જનાર્દન ઉપાધ્યાયના નામે એલ.આઇ.સીની બે જીવન વીમા પોલિસી કઢાવવામાં આવી હતી. 2018 ના વર્ષે પોલિસી પરિપક્વ થઈ હતી અને બંને પોલિસીની કુલ મળવાપાત્ર રકમ 4.91 લાખ રૂપિયા જેવી હતી. પરંતુ આ રકમ મેળવવા માટે લાંબા સમય સુધી દાવો ન કરાતા આ રકમ એલઆઇસીના અનક્લેમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. જોકે અનક્લેમ બેલેન્સના નાણા મેળવવા વીમાધારકના નામનું ખોટું આધારકાર્ડ ઇન્શ્યોરન્સ એડવાઈઝર વિપુલભાઈ રસિકભાઈ રાઠોડ દ્વારા જ બેંકમાં રજૂ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બેંકમાં ખાતું પણ ખોલાવવામાં આવ્યું હતું અને તેના એફિડેવિટ અને અન્ય ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી અને ખોટી ઓળખ ધારણ કરી અને એલઆઇસીને ખોટી રજૂઆત દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હતા. આ ખોટા દસ્તાવેજોને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી અને એલ.આઈ.સી બ્રાન્ચને વિશ્વાસમાં લઈ વીમાધારક દિવ્યાંગ જનાર્દન ઉપાધ્યાય સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચી એક બીજાની મદદગારી કરીને બંને આરોપીઓ દ્વારા એલ.આઈ.સીમાં પડેલી રકમ ઉપાડી લેવા મુદ્દે તપાસનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો હતો અને આ અંગે સુરેન્દ્રનગર બ્રાંચના એલ.આઇ.સીના મેનેજર જીતેન્દ્રકુમાર કૌશલ કિશોર શ્રીવાસ્તવને બોલાવીને બી ડિવિઝન પોલીસે ફરિયાદ લીધી હતી.
ફરિયાદ દાખલ થયા બાદ તપાસ કરવામાં આવતા બંને ઇસમો ભાવનગર રહેતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બી ડિવિઝન પોલીસની ટીમ કુરિયર ડિલિવરી બોયનો વેશ ધારણ કરી અને આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી અને ભાવનગરમાં રહેતા નિલેશભાઈ ભોથાભાઈ ચુડાસમા તેમજ ઇન્સ્યોરન્સ એડવાઈઝર વિપુલભાઈ રસિકભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવતા અનેક પ્રકારના ધડાકાઓ થયેલા છે.
બંને ઝડપાયેલા આરોપીઓ દ્વારા રાજસ્થાનના જયપુર તથા ભાવનગર અને અન્ય અલગ અલગ રાજ્યોમાં પણ આ ગુનાહિત પ્રવૃત્તિ કરેલી છે અને સાથે અલગ અલગ વીમા પોલિસી વીમા ધારકના નામે ઉપાડી લીધી છે. બંનેને હાલ કસ્ટડી મેળવી અને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઇરફાન નામના ઇસમની પણ પોલીસે આજે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે.
ડીવાયએસપી પાર્થ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત જયપુર, ઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લામાં આ ટોળકી દ્વારા પોલીસીના નામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને પોલીસી ધારકના રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ આખી ટોળકી છે. સુરેન્દ્રનગરમાં ગુનો દાખલ થયા બાદ વેશ પલટો કરીને બી ડિવિઝન પોલીસે ભાવનગરથી આ તમામ લોકોને ઝડપી પાડ્યા છે. ખોટા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ ઊભા કરીને પોલીસી ધારકના નામના ખાતાઓ ખોલાવી અને ગુનો આચારવા મામલે ત્રણ ઈસમની અટકાયત કરવામાં આવી છે. બોગસ આધારકાર્ડ અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર ઇરફાન નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ ચાલી રહી છે. જે કોઈ આ ટોળકીનો ભોગ બન્યા હોય અથવા આખા ભારતમાં એલઆઇસી બ્રાન્ચનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને આ પ્રકારની ઘટના બની હોય તો આ આરોપીઓ સંડોવણી થયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:

