ETV Bharat / state

પૂર્વ કોગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે? સી.આર. પાટીલ સાથે મુલાકાત બાદ ચર્ચાઓ તેજ

કુંભાણીને ભાજપમાં જોડાવા અંગે કહ્યું કે, "અત્યારે કોઈ વિચારણા નથી, ભવિષ્યમાં નિર્ણય લેવાશે તો જણાવીશું."

નિલેશ કુંભાણી - પૂર્વ કોગ્રેસ નેતા
નિલેશ કુંભાણી - પૂર્વ કોગ્રેસ નેતા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 6:52 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: તાજેતરમાં રાજુલામાં આયોજિત ‘જળ સંમેલન’ બાદ ગુજરાત ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો કાફલો સીધો જ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં કુંભાણી અત્યંત આત્મવિશ્વાસ સાથે પાટીલનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. તેમની બોડી લેન્ગવેજ કોઈ વિરોધી પક્ષના નેતા જેવી નહીં, પણ ભાજપ પરિવારના જ સભ્ય હોય તેવી ભાસી રહી છે.

આ મુલાકાત અંગે સ્ફોટક ખુલાસો કરતા નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, "મેં પાટીલ સાહેબને ફેક્ટરીએ ચા-પાણી માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે મોટું મન રાખીને મારું આમંત્રણ સ્વીકાર્યું." પરંતુ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે શું પ્રદેશ પ્રમુખ કક્ષાના નેતા માત્ર 'ચા-પાણી' પીવા કોઈ સસ્પેન્ડેડ નેતાની ફેક્ટરીએ જાય ખરા? આ મુલાકાત વખતે પાટીલની સાથે દિલીપ સંઘાણી, હીરાભાઈ સોલંકી અને અમરીશ ડેર જેવા દિગ્ગજોની હાજરી આ મુલાકાતને રાજકીય રીતે 'વજનદાર' બનાવે છે.

નિલેશ કુંભાણી - પૂર્વ કોગ્રેસ નેતા (ETV Bharat Gujarat)

સૌથી ચોંકાવનારો ખુલાસો કુંભાણીએ સુરત બેઠક પર થયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અંગે કર્યો છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, "2017માં કોંગ્રેસે મારી ટિકિટ કાપીને જે અન્યાય કર્યો હતો, આ તેનો બદલો છે." કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે હવે ગુજરાતમાં વિપક્ષ જેવું કંઈ રહ્યું જ નથી, કોંગ્રેસ સાઈડ પર ધકેલાઈ ગઈ છે અને મેદાનમાં માત્ર ભાજપ અને 'આપ' જ છે.

જ્યારે કુંભાણીને ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે વચલો રસ્તો કાઢતા કહ્યું કે, "અત્યારે કોઈ વિચારણા નથી, ભવિષ્યમાં નિર્ણય લેવાશે તો જણાવીશું." જોકે, તેમની ફેક્ટરી પર જમેલો ભાજપના નેતાઓનો મેળાવડો અને પાટીલ સાથેની નિકટતા સૂચવે છે કે કુંભાણીના ભાજપ પ્રવેશની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે, બસ હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ વાર છે.

આ પણ વાંચો:

ભાજપે રાજ્યસભાના 9 ઉમેદવારોની જાહેરાત કરી, નીતિન નવીનનું નામ પણ સામેલ

'ડોનાલ્ડ ટ્રમ્પના ઇશારા પર નાચી રહ્યા છે પીએમ મોદી': જિગ્નેશ મેવાણીએ ભારતની વિદેશ નીતિની ટીકા કરી