અમરેલી – સોમનાથ નેશનલ હાઈવે પર વનવિભાગ એલર્ટ, બે સિંહો બચાવાયા
હાઈવે પર અચાનક બે સિંહો આવી જતા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ વનવિભાગની સમયસર અને સચોટ કાર્યવાહીથી ગંભીર અકસ્માત ટળી ગયો.

Published : February 24, 2026 at 2:49 PM IST
અમરેલી: અમરેલી – ભાવનગર – સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર વન્યજીવોના અવરજવરથી જોખમ સર્જાયું હતું. હાઈવે પર અચાનક બે સિંહો આવી જતા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ વનવિભાગની સમયસર અને સચોટ કાર્યવાહીથી ગંભીર અકસ્માત ટળી ગયો.
પ્રાપ્ત વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક સિંહો વારંવાર નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તેમાંના એક સિંહને અગાઉથી જ વનવિભાગ દ્વારા રેડિયો કોલર પહેરાવવામાં આવેલ હોવાથી તેની હલચલ અને લોકેશન સતત ટ્રેક થઈ રહ્યું હતું. રેડિયો કોલર પરથી મળતી માહિતીના આધારે વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.
વનવિભાગની ટીમે સ્થાનિક પોલીસ અને હાઈવે સ્ટાફની મદદથી નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી દીધો હતો. તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી બંને સિંહોને કોઈ ઇજા ન થાય તે રીતે શાંતિપૂર્વક રોડ ક્રોસ કરાવવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં પણ ચેતનતા જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ માર્ગ પર વાહન અડફેટે 2 સિંહ અને 1 દીપડાનું મોત થયું હોવાની ઘટના નોંધાઈ ચૂકી છે. જેના કારણે વનવિભાગ સતત એલર્ટ પર છે. આ વખતની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી માનવજીવન તેમજ વન્યજીવો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ, અને મોટી જાનહાનિ ટળી.
વનવિભાગ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે નેશનલ હાઈવે પરથી પસાર થતા સમયે ખાસ કરીને રાત્રિના સમયે ધીમી ગતિ રાખવી, સાવચેત રહેવું અને વન્યજીવો દેખાય તો તરત જ સંબંધિત વિભાગને જાણ કરવી.
આ પણ વાંચો:

