ETV Bharat / state

વડિયા પંથકમાં વન વિભાગની કાર્યવાહી: હનુમાન ખીજડીયા ગામેથી 7 જીવંત તેતર બચ્ચાં કબજે

વન વિભાગે તમામ તેતર બચ્ચાંને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડિયા પંથકમાં વન વિભાગની કાર્યવાહી: હનુમાન ખીજડીયા ગામેથી 7 જીવંત તેતર બચ્ચાં કબજે
વડિયા પંથકમાં વન વિભાગની કાર્યવાહી: હનુમાન ખીજડીયા ગામેથી 7 જીવંત તેતર બચ્ચાં કબજે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2026 at 3:38 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમરેલી: અમરેલી જિલ્લાના વડિયા પંથકના હનુમાન ખીજડીયા ગામે વન વિભાગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી એક ઘરમાં ગેરકાયદેસર રીતે પાળવામાં આવેલા 7 જીવંત તેતર બચ્ચાં કબજે કર્યા હતા. વન વિભાગની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ વન વિભાગને બાતમી મળી હતી કે હનુમાન ખીજડીયા ગામે દેવીપૂજક જોરૂભાઈના રહેણાંક મકાનમાં વન્યપ્રાણી તરીકે ગણાતા તેતર પક્ષીના બચ્ચાં પીંજરામાં રાખી પાળવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન ઘરમાંથી પીંજરામાં રાખેલા 7 જીવંત તેતર બચ્ચાં મળી આવ્યા હતા.

વન વિભાગે તમામ તેતર બચ્ચાંને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આરોપી સામે અંદાજે રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ વન્યજીવ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનાહિત કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વનરક્ષક એચ.ડી. રાખોલિયા, વનપાલ એસ.પી. તેરૈયા તથા ટ્રેકર મનીષભાઈ સહિતની ટીમ હાજર રહી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

આ મામલે વન વિભાગ ના વનરક્ષક એચ.ડી. રાખોલિયાએ જણાવ્યું હતું કે, “અમોને બાતમી મળી હતી કે અહીં એક ઘરમાં તેતર જેવા વન્યપ્રાણી સાચવી રાખવામાં આવ્યા છે, જે કાયદેસર ગુનો બને છે. જેથી અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન તમામ જીવંત તેતર બચ્ચાં કબજે લેવામાં આવ્યા હતા. આરોપી સામે દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈપણ વન્યજીવ અથવા પક્ષીઓને ગેરકાયદેસર રીતે પાળવા, ખરીદવા કે વેચાણ કરવા કાયદેસર ગુનો છે. આવી પ્રવૃત્તિ અંગે જાણ થાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે.