વાપીમાં ચાર વર્ષથી ફ્લાય ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ, કોંગ્રેસ સમિતિએ લીંબુ-મરચા સાથે નજર ઉતારી
વાપીમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલ્વે ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાર વર્ષથી ચાલુ રહેતા લોકો પરેશાન

Published : January 1, 2026 at 8:56 PM IST
વાપી: વાપીમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલ્વે ફ્લાય ઓવરબ્રિજને દોઢ વર્ષમાં બનાવીને લોકાર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ વાતને ચાર વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે અને છતાં હજુ સુધી આ બ્રિજ બનવાના કોઇ ઠેકાણા નથી. આ રેલ્વે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પણ મંદ ગતિએ ચાલી રહી છે. વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા નજર ઉતારો પનોતી ભગાવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તા લીંબુ મરચા અને નજર ઉતારનારી ડોલને બ્રિજના કોન્ક્રીટના પીલર સાથે બાંધી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી હતી.
વાપી ઓવરબ્રિજનું કામ ચાર વર્ષથી ચાલુ
વાપીના પૂર્વ અને પશ્ચિમને જોડતો રેલવે ફ્લાય ઓવરબ્રિજ 21 ડિસેમ્બર 2022ના રોજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેને તોડી પાડવાની શરૂઆત થઇ હતી. આ બ્રિજ તોડવાનું મુખ્ય કારણ તેની ઊંચાઈ રેલવેના ફેટ કોરિડોર પ્રોજેક્ટમાં આવતી હતી. આ બ્રિજને ફરી નિર્માણ કરવા માટે 20 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો એટલે કે જૂન 2024 સુધી કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ કેટલાક કારણોસર આ કામગીરી હજુ પણ અધૂરી જ છે.
144 કરોડની આસપાસ ઓવરબ્રિજનો પ્રોજેક્ટ
વાપીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજને બનાવવાનો પ્રોજેક્ટ અંદાજિત 140થી 144 કરોડ રૂપિયાની આસપાસનો છે. 20 મહિનાના સમયગાળાની અંદર એટલે કે જૂન 2024 સુધી આ બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ કોઇ કારણોસર કામગીરી અધુરૂ રહેતા તેને ફરીથી છ મહિના સુધી લંબાવવામાં આવી હતી. આ કામગીરી છેલ્લે 31 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાની હતી. જોકે, ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો છતા આ બ્રિજ હજુ સુધી બનીને તૈયાર થયો નથી ત્યારે કોંગ્રેસે નજર ઉતારો પનોતી ભગાવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કોંગ્રેસ દ્વારા નજર ઉતારો પનોતી ભગાવો કાર્યક્રમનું આયોજન
કોંગ્રેસના યુદ્ધ શહેર કોંગ્રેસ પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં તેમજ વિપક્ષના નેતાના નેતૃત્વમાં વાપીના ઝંડા ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રિજની નજર ઉતારો પનોતી ભગાવોના બેનર સાથે રેલી નીકળી હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ બ્રિજના પીલર પાસે બેસી બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વિશેષ પૂજન કરાવ્યું હતું તેમજ લીંબુ મરચા અને કાળો કટકો બાંધીને અંધવિશ્વાસી કટાક્ષ સાથે અનોખો વિરોધ નોંધાયો હતો
આ પણ વાંચો:

