જેતપુરમાં નરાધમની શરમનાક કરતૂત, પાંચ વર્ષની બાળકીને નાસ્તાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
જેતપુરમાં શખ્સે બાળકીને નાસ્તો આપવાની અને રમવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા.

Published : February 24, 2026 at 11:11 AM IST
જેતપુર: રાજકોટના જેતપુરમાં રહેતા એક શખ્સે પાંચ વર્ષની બાળકીને રમવા તેમજ નાસ્તાની લાલચ આપી બોલાવી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પાંચ વર્ષની બાળકી અવાર-નવાર એક શખ્સને ત્યા રમવા માટે જતી હતી. આ દરમિયાન જીતુ ભોજાણી નામનો શખ્સ બાળકીને નાસ્તો આપવાની અને રમવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો હતો. ઘટનાના દિવસે આ શખ્સની માતા કામ અર્થે બહાર ગઈ હોવાથી તે ઘરે એકલો હતો. આ એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું.
આ શરમનાક કૃત્ય બાદ જ્યારે બાળકી પોતાના ઘરે પરત ફરી, ત્યારે તેણે પોતાની કાલીઘેલી ભાષામાં માતાને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીની માતાએ તાત્કાલિક ધોરણે ઉદ્યોગનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ઉદ્યોગનગર પોલીસે નરાધમ શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સ મજૂરી કામ કરે છે અને અગાઉ પણ તે બાળકીને લાલચ આપી બોલાવતો હતો.

ધરપકડ કરાયેલા આ શખ્સને પોલીસ દ્વારા સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના પાછળના અન્ય તથ્યો અને પુરાવા એકત્ર કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખતા માનનીય કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:

