ઉનાના નવાબંદરના દરિયામાં માછીમારી કરતી બોટની જળસમાધિ, 5 ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ શ્વાસ થંભાવી દેતો વીડિયો
મધદરિયે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ; બોટ માલિકને આશરે રૂપિયા 20 લાખનું નુકસાન

Published : September 1, 2026 at 8:49 AM IST
ગીર સોમનાથ: જિલ્લાના ઉનાના નવાબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયામાં માછીમારી દરમિયાન એક બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. બોટ ડૂબવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં માછીમાર સમાજમાં ચકચાર મચી છે. સદનસીબે બોટમાં સવાર પાંચેય ખલાસીઓનો અન્ય બોટના માછીમારો દ્વારા સમયસર બચાવ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, નવાબંદરના દરિયામાં માછીમારી કરી રહેલી બોટ કોઈ કારણસર ધીમે ધીમે દરિયામાં ગરકાવ થવા લાગી હતી. બોટમાં પાંચ માછીમારો સવાર હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. બોટ ડૂબવા લાગતા આસપાસ માછીમારી કરી રહેલી અન્ય બોટના માછીમારોને જાણ થતાં તેઓ તાત્કાલિક મદદ માટે પહોંચ્યા હતા. અન્ય બોટમાં રહેલા માછીમારોએ દોરડા વડે પાંચેય ખલાસીઓને ડૂબતી બોટમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તમામને સુરક્ષિત રીતે અન્ય બોટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર મદદ મળી રહેતા પાંચેય માછીમારોનો આબાદ બચાવ થયો હતો.
દરમિયાન ડૂબતી બોટનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મધદરિયામાં બોટ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળે છે. આ ઘટનામાં નવાબંદરના બોટ માલિકને આશરે રૂ.20 લાખનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. મધદરિયામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર દરિયામાં માછીમારી કરતા ખલાસીઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. જોકે આસપાસ અન્ય બોટો હાજર હોવાના કારણે તાત્કાલિક મદદ મળી શકી અને પાંચેય માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
આ પણ વાંચો:

