બારડોલી રેલવે સ્ટેશને કોલસા ભરેલી માલગાડીમાં લાગી આગ: ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિ પર મેળવ્યો કાબુ
સોનગઢથી કોલસો ભરીને દાહણુ રોડ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનની બોગી નંબર 15403માં અચાનક કોલસામાં આગ લાગી હતી

Published : May 29, 2026 at 7:05 PM IST
બારડોલી: બારડોલી રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. સોનગઢથી દાહણુ રોડ તરફ જઈ રહેલી એક કોલસા ભરેલી ગુડ્સ (માલગાડી) ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. જો કે, સમય સૂચકતા વાપરી બારડોલી ફાયર વિભાગને જાણ કરાતા મોટી જાનહાની કે નુકસાની અટકી હતી.
મળતી માહિતી અનુસાર, સોનગઢથી કોલસો ભરીને દાહણુ રોડ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનની બોગી નંબર 15403માં અચાનક કોલસામાં આગ લાગવાને કારણે ધુમાડો નીકળતો હોવાનું રેલવે કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું. આ માલગાડી જ્યારે બારડોલીના મઢી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં ધુમાડો વધુ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.
આ અંગેની જાણ તુરંત જ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વોટર ટેન્ડર સાથે બારડોલી રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ટ્રેન જેવી બારડોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવીને ઉભી રહી, કે તરત જ ફાયરના જવાનોએ સલામતીના ભાગરૂપે સળગતા કોલસા પર પાણીનો ભારે છંટકાવ શરૂ કરી દીધો હતો. ફાયર ફાઇટરોની ત્વરિત કામગીરીને પગલે ધુમાડા અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના અંગે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અક્ષયભાઈ એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમને મઢી રેલવે સ્ટેશન તરફથી એક કોલસા ભરેલી ટ્રેનમાં સ્મોક (ધુમાડો) દેખાયો હોવાનો કોલ મળ્યો હતો. જેથી અમે તાત્કાલિક બારડોલી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચતા જ સલામતીના ભાગરૂપે ત્યાં પાણીનો છંટકાવ કરી સ્મોક પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધો છે."
આ પણ વાંચો:

