દમણના ડાભેલમાં પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ: બે કંપનીઓ આગની લપેટમાં આવી
પ્લાસ્ટિક અને કાર્ટનનો કાચો માલ મોટા પ્રમાણમાં પડેલો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Published : January 5, 2026 at 4:31 PM IST
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ અને તેની બાજુમાં આવેલી એસ.સી.ઈ. પેકેજિંગ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લાસ્ટિક અને કાર્ટનનો કાચો માલ મોટા પ્રમાણમાં પડેલો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુંઆધાર ધુમાડાના ગોટા આકાશમાં ઊંચે ઊડતા દૂર દૂર સુધી દેખાતા હતા
ઇચિંગ મશીનમાંથી તણખા ઉડતા આગ લાગી હોવાનું અનુમાન
આજે સવારે ટોટલ પેકેજિંગ કંપનીમાં એચિંગ મશીન ચાલુ હતું ત્યારે તેમાંથી તણખા ઉડ્યા હતા. આ તણખા નજીકમાં રાખેલા પ્લાસ્ટિકના દાણા પર પડતાં જ ત્યાં આગ ભભૂકી ઉઠી હોવાનું કામદારોએ જણાવ્યું હતું. જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી. વધુમાં કંપનીમાં કેમિકલથી ભરેલા બેરલ પડેલા હોવાથી આગ લાગતાં જ તેમાં બ્લાસ્ટ થયા અને આગ વધુ પ્રચંડ બની. આ આગની જ્વાળાઓ બાજુમાં આવેલી એસ.સી.ઈ. પેકેજિંગ કંપનીમાં પણ ફેલાઈ જતાં બંને કંપનીઓ આગની લપેટમાં આવી ગઈ.
આગ લગતા કામદારો બહાર આવી ગયા હતા
આગ લાગતાં જ કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ. કંપની સંચાલકો અને સ્ટાફે તાત્કાલિક કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ કામદારો હેમખેમ બહાર આવી ગયા હતા. જોકે, આગની તીવ્રતા એટલી હતી કે આસપાસના વિસ્તારના લોકો પણ ગભરાઈ ગયા અને ધુમાડા છેક આકાસ માં ઊચે સુધી દેખાતા જોવા મળ્યા.

વાપી દમણના ફાયર વિભાગની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી
ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરંતુ આગ વિકરાળ હોવાથી તેને કાબૂમાં લેવા મુશ્કેલી પડી. તેથી વાપી ટાઉન, વાપી સરીગામ સહિત અન્ય વિસ્તારોમાંથી વધારાની ફાયર ગાડીઓ બોલાવવામાં આવી. કુલ મળીને દમણ અને વાપીની બે મુખ્ય ફાયર ટીમો સહિત અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા અને આખરે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મેળવી.

કેમિકલ બેરલો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની
આગનું મુખ્ય કારણ એચિંગ મશીનમાંથી ઉડેલા તણખા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ ત્યાં પડેલા પ્લાસ્ટિકના દાણા તેમજ કાર્ટનનો માલ હોવાનું મનાય છે. વધુમાં કેમિકલ બેરલમાં થયેલા બ્લાસ્ટથી આગ વધુ ફેલાઈ હતી. ડાભેલ વિસ્તારમાં પ્લાસ્ટિક અને પેકેજિંગની અનેક કંપનીઓ આવેલી છે અને આવા કાચા માલને કારણે આગના બનાવ વારંવાર બનતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સેફ્ટીના મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા છે.

કંપનીને કરોડોનું નુકશાનનું અનુમાન
આગને કારણે બંને કંપનીઓમાં મોટું નુકસાન થયું છે. કંપનીમાં પડેલો કાચો માલ, મશીનરી અને અન્ય સાધનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. નુકસાનનો આંકડો કરોડોમાં હોવાનું અનુમાન છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગના ચોક્કસ કારણોની શોધખોળ ચાલુ છે.
આવી ઘટનાઓથી બચવા માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધુ સખત સેફ્ટી નિયમો અમલમાં મૂકવા અને ફાયર સેફ્ટીના સાધનો વધારવાની માંગ ઉઠી છે. સ્થાનિક લોકો અને કંપની સંચાલકોમાં આ ઘટનાથી ચિંતા વ્યાપી છે.
આ પણ વાંચો:

