જામનગરમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ: કાયદાકીય ગૂંચવણ વચ્ચે લોકો માટે 5 કરોડનો વીમો અને કડક સુરક્ષા વ્યવસ્થા
આ વર્ષે પણ મેળો કેટલીક કાયદાકીય ગૂંચવણો વચ્ચે યોજાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા અપાઈ છે

Published : August 29, 2026 at 10:33 PM IST
જામનગર: જામનગરના ઐતિહાસિક પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પારંપરિક શ્રાવણી લોકમેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રંગીલા જામનગરવાસીઓના મનોરંજન અને આસ્થાના પ્રતીક સમાન આ મેળાના આયોજન માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. જોકે, દર વખતની જેમ આ વર્ષે પણ મેળો કેટલીક કાયદાકીય ગૂંચવણો વચ્ચે યોજાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ
મેયર મોનિકાબેન વ્યાસ સહિત મનપાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પ્રદર્શન ગ્રાઉન્ડની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મેળામાં આવતા મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
સુરક્ષા અને સુવિધાઓનું નક્કર આયોજન
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં વરસાદી પાણી કે કાદવ-કીચડની સમસ્યા ન સર્જાય તે માટે સમગ્ર પરિસરમાં મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે નીચે મુજબની પાયાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે:
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મેળા પરિસરમાં પૂરતો પોલીસ કાફલો તહેનાત રહેશે.
ફાયર અને ઇમરજન્સી: અગ્નિશામક વાહનો અને ફાયર સેફ્ટીના સાધનો સજ્જ રખાયા છે.
પાવર બેકઅપ: વીજ પુરવઠો ખોરવાય તો પણ અંધારપટ ન છવાય તે માટે હાઈ-કેપેસિટી જનરેટરની વ્યવસ્થા કરાઈ છે.
પીવાનું શુદ્ધ પાણી: મુલાકાતીઓ માટે પીવાના શુદ્ધ પાણીના પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.
રાઇડ્સની સુરક્ષા અને વીમા કવચ
મેળામાં આ વર્ષે નાની-મોટી મળીને અંદાજે 21 જેટલી યાંત્રિક રાઇડ્સ મુકવામાં આવશે. દુર્ઘટના નિવારવા માટે તમામ રાઇડ્સના સોઇલ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવશે. કાયદેસરનું 'પરફોર્મન્સ લાયસન્સ' મેળવનાર રાઇડ્સ સંચાલકોને જ મંજૂરી અપાશે. વધુમાં, મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અર્થે ₹૫ કરોડની પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવી છે, જ્યારે રાઇડ માલિકોએ પણ વ્યક્તિગત વીમા પોલિસી મેળવી લીધી છે.
આ મુદ્દે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ જણાવ્યું કે, "જામનગર મહાનગરપાલિકા માટે નગરજનોની સલામતી સર્વોપરી છે. કાયદાકીય પ્રક્રિયાઓની સાથે અમે નિયમોના પાલન પર ખાસ ભાર મૂક્યો છે. રાઇડ્સની ફિટનેસ, સોઇલ ટેસ્ટ અને ₹૫ કરોડના વીમા કવચ સહિત તમામ સલામતી ધોરણો પૂરા કરાયા છે, જેથી શહેરીજનો નિર્ભયતાથી મેળાનો આનંદ માણી શકે.'
આ પણ વાંચો:

