ETV Bharat / state

ઉમરપાડાના આમલીડાબડા ગામે આતંક મચાવનારો ખુંખાર દીપડો આખરે પાંજરે પુરાયો: ગ્રામજનો અને વનવિભાગે લીધો હાશકારો

પ્રાપ્ત વિગતો મુજબ, થોડા દિવસો પહેલાં આમલીડાબડા ગામે એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હિંસક હુમલો કરી તેનું મારણ કર્યું હતું.

ઉમરપાડાના આમલીડાબડા ગામે આતંક મચાવનારો ખુંખાર દીપડો આખરે પાંજરે પુરાયો: ગ્રામજનો અને વનવિભાગે લીધો હાશકારો
ઉમરપાડાના આમલીડાબડા ગામે આતંક મચાવનારો ખુંખાર દીપડો આખરે પાંજરે પુરાયો: ગ્રામજનો અને વનવિભાગે લીધો હાશકારો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2026 at 1:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દહેશતનો પર્યાય બનેલો ખુંખાર દીપડો આખરે વનવિભાગના પાંજરે પુરાઈ ગયો છે. લોહી ચાખી ગયેલો આ દીપડો ફરી શિકારની શોધમાં આવતા જ વનવિભાગની જાળમાં ફસાઈ ગયો હતો. દીપડો પકડાતા જ સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, થોડા દિવસો પહેલાં આમલીડાબડા ગામે એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હિંસક હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વસ્તીની વચોવચ થયેલા આ હુમલાને પગલે સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને વનવિભાગ તાત્કાલિક એલર્ટ બન્યું હતું અને આ માનવભક્ષી બનેલા દીપડાને ઝબ્બે કરવા માટે ગાયના મારણ વાળા સ્થળ નજીક જ વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

એકવાર શિકાર કર્યા બાદ લોહી ચાખી ગયેલો દીપડો ફરીથી તે જ વિસ્તારમાં અન્ય શિકારની શોધમાં લપકાતો-છુપાતો આવ્યો હતો. જોકે, વનવિભાગની ગોઠવેલી અદ્યતન ટ્રેપ અને પાંજરાની લાલચમાં દીપડો આવી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરામાં કેદ થતાં જ વનવિભાગની ટીમે હાશકારો અનુભવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમલીડાબડા ગામમાં દીપડાનો આતંક નવો નથી. ભૂતકાળમાં આ જ ગામમાં દીપડાએ એક સ્થાનિક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને પકડવા ગયેલી વનવિભાગની રેસ્ક્યુ ટીમ પર પણ દીપડાએ હિંસક હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ ઈતિહાસને કારણે ગામલોકો રાત્રે ખેતરે જતાં કે ઘરમાંથી બહાર નીકળતા પણ ડરતા હતા.

દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા જ લોકો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. વનવિભાગે હવે આ ખુંખાર દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપડાના આતંકમાંથી મુક્તિ મળતા ગામલોકોએ વનવિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો.

ઉમરપાડા તાલુકાના RFO ઍ જણાવ્યું હતું કે ઉપરોક્ત બનાવને પગલે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શિકારની લાલચે દીપડો પાંજરે પુરાયો છે.

આ પણ વાંચો: