ઉત્તરમાં અછત, ખેડૂતો પરેશાન: ઉભા પાકને જોખમ, પશુપાલનને પણ અસર
ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા સાબરકાંઠા-અરવલ્લી સહિતના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે.

Published : September 1, 2026 at 4:38 PM IST
|Updated : September 1, 2026 at 8:27 PM IST
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા સાબરકાંઠા-અરવલ્લી સહિતના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. વરસાદ ના વરસતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ છે. આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો સિંચાઇ, પશુપાલન અને પીવાની ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે.
સાબરકાંઠામાં પણ પાકને નુકસાનની ભીતિ
સાબરકાંઠામાં મેઘરાજાની અછતથી ખેડૂતોની ચિંતા વધી છે. ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના સહિત રાજસ્થાન સરહદી વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થતાં બોર-કૂવાના જળસ્તર નીચે જઇ રહ્યા છે અને ઉભા પાકને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ધરોઈ જળાશયમાં પણ પાણીનો જથ્થો આશરે 50 ટકા આસપાસ રહેતા આગામી દિવસોમાં સિંચાઈ, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ખેડૂતોને ભીતિ છે.
ચેકડેમ, તળાવો અને સ્થાનિક સિંચાઈ સ્ત્રોતોમાં પૂરતું પાણી ન હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરવો પડી રહ્યો છે. ગરમી અને બફારાના કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શિયાળુ પાક ઉપરાંત ઉનાળુ ખેતી, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની શકે છે.
ખેડૂતોનું કહેવું છે કે માત્ર વરસાદના ભરોસે ખેતી કરવી હવે મુશ્કેલ બની રહી છે. સાબરકાંઠામાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદ ખૂટે ત્યારે ખેડૂતોની મુશ્કેલી અનેકગણી વધી જાય છે. ખેડૂતોની માંગ છે કે નર્મદાનું પાણી કેનાલ મારફતે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે અને જરાસાઈ સહિતની સિંચાઈ યોજનાઓ, તળાવો, ચેકડેમ અને સ્થાનિક જળાશયોને પાણીથી ભરવામાં આવે. જો નર્મદાનું વધારાનું પાણી યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો સાબરકાંઠાની ખેતીને મોટો આધાર મળી શકે છે અને જિલ્લો ફરી હરિયાળો બની શકે છે.
આ વર્ષે ખેડબ્રહ્મા પોશીના વિજયનગર ઈડર હિંમતનગર સહિત ગત વર્ષની સરખામણીમાં 40% કરતાં ઓછો વરસાદ હોવાથી પાણીના જળસ્તર નીચે ગયા છે. આવનાર દિવસોમાં હવે વરસાદ નહીં આવે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે ઓછા વરસાદ હવે વરસાદના એંધાણ ન દેખાતા દિવસે દિવસે પાણી ઘટવાના કારણે આવનાર સમયમાં સિંચાઈ પીવાના પાણી અને પશુઓ માટે પાણીનો મુદ્દો મોટો બની શકે તેમ છે.
હાલ વરસાદની અછતને કારણે સાબરકાંઠાના ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. પાણીના સ્ત્રોતો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે અને ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
અરવલ્લીમાં 40 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 40 ટકા જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં દોઢ લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ચોમાસું અને ઉનાળુ સિઝનમાં પાણીની અછતના એંધાણ જોવા મળી રહ્યા છે. ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેશ્વો, વાત્રક, લાંક, વૈડી ડેમમાં નવી કોઇ પણ આવક જોવા મળતી નથી. બીજી તરફ કુવા-બોરના સ્તર નીચા છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી માસમાં વરસાદ વરસશે અને જો વરસાદ નહીં આવે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે અને આવનારી સીઝનમાં પણ વાવેતર કરવું મુશ્કેલ બનશે.
પશુપાલકોને પણ અસર
દુષ્કાળ જેવા માહોલની અસર માત્ર ખેતી પર જ નહીં, પરંતુ પશુપાલન પર પણ ગંભીર રીતે પડી છે. પાણીના અભાવે બોર, કુવા અને સ્થાનિક ડેમના તળિયા ઝાટક થઇ ગયા છે. બીજી તરફ વરસાદ ન થતાં લીલા ઘાસચારાની ભારે અછત સર્જાઇ છે અને સુકો ઘાસચારો પણ આસમાને પહોંચેલા ભાવને કારણે અત્યંત મોંઘો બન્યો છે. આગામી સમયમાં જો વરસાદ નહીં આવેતો ખેડૂતો અને પશુપાલકો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લામાં અત્યાર સુધી માત્ર 40 ટકા જેટલો વરસાદ નોંધાતા મગફળી, મકાઈ સહિતના ખરીફ પાકો સુકાવાની ભીતિ ઊભી થઈ છે. નદી-નાળા અને જળાશયો પણ સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે.
ખેડૂત કાન્તિભાઈના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ચાલુ ચોમાસુ પાક સાથે આગામી શિયાળુ સિઝન પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ વચ્ચે હવે મેઘરાજાની વહેલી કૃપાની આશા છે.
25 વીઘા જમીનમાં વાવેતર કરનાર ખેડૂત ડામોર કેશાભાઈ રૂપાભાઈએ પાક અને ઘાસચારાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેશાભાઈના જણાવ્યા મુજબ, વરસાદના અભાવે 25 વીઘા જમીનમાં વાવેલા પાકમાંથી પૂરતું ઉત્પાદન થવાની આશા નથી. પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી ગયો છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતી તથા પશુપાલન બંને પર ગંભીર અસર થવાની ભીતિ છે.
મહેસાણામાં વરસાદની સ્થિતિ
ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે અસમાનતા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 19.37 ઈંચ વરસાદની જરૂરિયાત સામે 15.91 ઈંચ જ વરસાદ નોંધાયો છે. એટલે કે હજુ 3.46 ઈંચ સાથે 18% વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં માત્ર પાટણ એક એવો જિલ્લો છે જ્યાં જરૂરિયાત કરતા 1.43% વધુ વરસાદ થયો છે.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં હજુ 8.15% વરસાદની ઘટ જોવા મળી રહી છે. મહેસાણામાં સરેરાશ 19.65 ઈંચ વરસાદની જરૂરિયાત સામે 18.05 ઈંચ વરસાદ જ પડ્યો છે. વરસાદમાં અસમાનતા એટલી હદે છે કે જિલ્લાના કડીમાં સૌથી વધુ 39.57 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે ઊંઝામાં માત્ર 9.96 ઈંચ જ વરસાદ નોંધાયો છે. આ બંને તાલુકાઓ વચ્ચે વરસાદમાં 29.61 ઈંચનો મોટો તફાવત છે.
સપ્ટેમ્બરમાં સ્થિતિ સુધરે તેવી આશા
પાણીની જીવાદોરી સમાન ધરોઈ ડેમ હાલમાં 51.91% ભરાયો છે. ભચાઉ KVKના સહ સંશોધક ડૉ. રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, હાલ વાદળોમાં પાણીનું પ્રમાણ ઓછું છે અને હવાનું જરૂરી દબાણ ઊભું થતું નથી, જેના કારણે માત્ર છૂટાછવાયા ઝાપટાં પડે છે. 30 ઓગસ્ટ સુધી આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે, જોકે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સારા વરસાદની આશા છે.
ખેતીવાડી અધિકારીનું નિવેદન
મહેસાણાના જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવતા જણાવ્યું છે કે, મહેસાણામાં સામાન્ય રીતે 737 મીલીમીટર (એવરેજ) વરસાદ થતો હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 458 મીલીમીટર એટલે કે 62% જેટલો જ વરસાદ થયો છે. જિલ્લામાં હજુ પણ 38% વરસાદની ઘટ છે. મહેસાણામાં મુખ્યત્વે દિવેલા, બીટી કપાસ, મગફળી અને કઠોળનું વાવેતર થાય છે. સરેરાશ 2,81,000 હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 2,08,000 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે, જ્યારે દિવેલાનું વાવેતર હજુ ચાલુ છે. વરસાદ ખેંચાતા મગફળી અને કપાસના પાકને બચાવવા માટે ખેડૂતો ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ અને ટ્યુબવેલ મારફતે પિયત આપી રહ્યા છે. એકંદરે, અત્યારે જિલ્લામાં વરસાદની સખત જરૂરિયાત વર્તાઈ રહી છે.
ખેડૂતોની વ્યથા અને મુશ્કેલીઓ
મરેડા ગામના ખેડૂત ડાહ્યાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વરસાદ ખેંચાવાને કારણે કઠોળ, કપાસ, અને એરંડાના પાકમાં તાત્કાલિક પાણી વાળવું પડી રહ્યું છે. પશુઓના ઘાસચારા માટે વાવેલા બાજરી, જુવાર અને રજકા જેવા પાકોમાં પણ પિયત કરવું પડે છે. ખેડૂતોનો ખેતી પાછળનો ખર્ચ બમણો થઈ ગયો છે. જો આગામી 15 થી 20 દિવસમાં વરસાદ નહિ આવે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. અન્ય એક ખેડૂત હમીરજી ઠાકોરે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બપોરના સમયે તાપમાન ખૂબ ઊંચું જતું હોવાથી કઠોળ, બાજરી અને જુવાર જેવા પાકો કરમાઈ જાય છે. પૂરતા પાણીના અભાવે છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી પડી ગઈ છે. છોડનો વિકાસ રૂંધાઈ ગયો છે, જેનાથી ભવિષ્યમાં પાકની ઉત્પાદન ક્ષમતા મોટા પ્રમાણમાં ઘટી શકે છે.
બનાસકાંઠામાં પણ ખેડૂતોની દયનીય હાલત
બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની આર્થિક કમર ભાંગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠામાં સરેરાશ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચોમાસું સારૂં રહેશે તેવી આશાએ પાક વાવી સારા ઉત્પાદનની ખેડૂતો આશા રાખી રહ્યા હતા પરંતુ હવે વરસાદે હાથ તાળી આપી છે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
બનાસકાંઠામાં ચોમાસુ અડધું વિત્યું છે પરંતુ પાલનપુર, વડગામ, અમીરગઢ, દાતા પંથકમાં નહીંવત વરસાદને કારણે હવે ખેડૂતો મગફળી, બાજરી, પપૈયા અને એરંડાના વાવેલા પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો કહેવું છે કે, જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. એક તરફ પાણીના તળ નીચે જતા પાણી સિંચાઈ માટે આપી શકાય તેવી પરિસ્થિતિ નથી અને બીજી તરફ વરસાદે હાથ તાળી આપી છે.
ખેડૂતોએ કહ્યું બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે ત્યારે સરકારે સર્વે કરીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. ખેડૂતોનું કહેવું કે હાલ તો પરિસ્થિતિ એવી છે કે પાક તો બહાર આવ્યો જ નથી પરંતુ પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે.

બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું કે, 3 લાખ 80 હજાર હેક્ટરમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરી, મગફળી, કઠોળ જેવા ખરીફ પાકોનું વાવેતર થયું છે. હાલમાં ખેડૂતોએ વાવેલા પાકને બોર અને ફૂવારા પદ્ધતિથી પાણી આપી રહ્યા છીએ. જો વરસાદ વધુ ખેંચાશે તો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:

