અમરેલી જિલ્લાના APMCમાં મગફળીના ભાવ ઊંચકાતા ખેડૂતો ખુશીનો માહોલ, જાણો શું છે ભાવ
એપીએમસી માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.

Published : December 31, 2025 at 3:12 PM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના સાવરકુંડલા, અમરેલી અને બાબરા – આ ત્રણ મહત્વના એપીએમસી માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.
સાવરકુંડલા એપીએમસીમાં મગફળીના ભાવ સરેરાશ રૂ. 1400થી વધુ મળતા ખેડૂતોને લાભ થયો છે. સાવરકુંડલા તાલુકા ઉપરાંત રાજુલા, ખાંભા સહિત આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની મગફળી લઈને વેચવા આવી રહ્યા છે. ખાસ કરીને પીઠવડી અને ઢસડી ગામના ખેડૂતોને પણ અહીં ઉત્તમ ભાવ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસીના સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “સાવરકુંડલા એપીએમસીમાં હાલ મગફળીની સારી આવક થઈ રહી છે અને ખેડૂતોને પ્રતિ મણ રૂ. 1400 જેટલો સરેરાશ ભાવ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.”
આંકડાકીય માહિતી મુજબ,
- અમરેલી એપીએમસીમાં અંદાજે 8000 મણ મગફળીની આવક નોંધાઈ છે.
- સાવરકુંડલા એપીએમસીમાં આશરે 5000 મણ આવક નોંધાઈ છે.
- જ્યારે બાબરા માર્કેટિંગ યાર્ડમાં 5000થી 6000 મણ મગફળીની આવક થઈ છે.
ત્રણેય એપીએમસીમાં કુલ મળીને આશરે 15,000 મણ મગફળીની આવક નોંધાઈ રહી છે. બીજી તરફ કપાસની આવક ઓછી જણાઈ રહી હોવાથી ખેડૂતો મગફળી વેચવા વધુ પ્રમાણમાં માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે.
ભાવમાં વધારો થતાં ખેડૂતો પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે અને ખુલ્લા બજારમાં જિલ્લાના મહત્વના એપીએમસીમાં મગફળી લાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા મગફળી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો:

