અમદાવાદના વિવિધ મેડિકલ સ્ટોરમાં BPની નકલી દવા સપ્લાય કરાઇ, મોટા કૌભાંડનો પર્દાફાશ; 3 આરોપી ઝડપાયાં
લખનઉથી અમદાવાદ આવેલી નકલી દવાની 3,600 સ્ટ્રીપમાંથી આશરે 2,700 સ્ટ્રીપ અમદાવાદની વિવિધ મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરવામાં આવી હતી.

Published : August 27, 2026 at 7:59 PM IST
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશર કાબૂમાં રાખવા માટે વપરાતી નકલી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે લખનઉથી અમદાવાદ આવેલી નકલી દવાની 3,600 સ્ટ્રીપમાંથી આશરે 2,700 સ્ટ્રીપ અમદાવાદની વિવિધ મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરવામાં આવી હતી. એક સ્ટ્રીપમાં 10 ગોળી હોવાથી કુલ 36 હજાર નકલી ગોળીઓ બજારમાં પહોંચાડવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદમાં નકલી દવાના કૌભાંડનો પર્દાફાશ
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રોજિંદી બ્લડ પ્રેશરની દવા લેતા એક વ્યક્તિને દવાની સ્ટ્રીપમાં કંઈક અજુગતું જણાયું હતું. વ્યક્તિએ દવા ખરીદેલી દુકાનના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ દવા અંગે જે.બી. કેમિકલ્સને મેઈલ કરીને જાણ કરવામાં આવી હતી. જે.બી. કેમિકલ્સ દ્વારા ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ બેચની દવાઓની તપાસ હાથ ધરી હતી. આ બેચની દવા નિયમિત રીતે ઉપલબ્ધ ન હોવાનું ધ્યાનમાં આવતા અમદાવાદની વિવિધ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી. સેટેલાઈટની અરિહંત મેડિકલ અને લીલાવતી મેડિકલ સહિતની દુકાનોમાં તપાસ દરમિયાન દવાનો જથ્થો પાશ્વ મેડિકલ એજન્સી મારફતે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પાશ્વ મેડિકલ એજન્સીના સંચાલક દર્શિલ ઉમંગભાઈ સંઘવીની ધરપકડ કરવામાં આવતા પૂછપરછમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2026માં લખનઉથી પાશ્વ મેડિકલ એજન્સીને નકલી દવાની 3,600 સ્ટ્રીપ સપ્લાય કરવામાં આવી હતી અને તેમાંથી દર્શિલ સંઘવીએ આશરે 2,700 સ્ટ્રીપ અમદાવાદની અલગ-અલગ મેડિકલ દુકાનોમાં પહોંચાડી હતી. અમદાવાદમાં અંદાજે 27 હજાર નકલી ગોળીઓ સપ્લાય થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આશરે 12 હજાર ગોળીઓ રિકવર કરી છે. આ ઉપરાંત અમદાવાદ ઉપરાંત નડિયાદ અને ભાવનગરમાં પણ આ દવા સપ્લાય થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ આ જ બેચની દવા ગઈ હોવાની આશંકા છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
નકલી દવાની કિંમત અને ડિસ્કાઉન્ટના ખેલે પણ સમગ્ર કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 10 ગોળીની એક સ્ટ્રીપ રૂ.112.96માં વેચાતી હતી. મૂળ દવામાં દર્શિલ સંઘવીને 10 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું, જ્યારે નકલી દવામાં 18 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. એટલે માત્ર 8 ટકા વધારાના ડિસ્કાઉન્ટના લાલચમાં લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. નકલી દવા એવી રીતે પેક કરવામાં આવી હતી કે તે જોવામાં મૂળ દવા જેવી જ લાગે. જોકે, દવાની છાપકામની બારીક તપાસ કરતાં તફાવત જોવા મળ્યો હતો. ખાસ કરીને બેચ નંબરના લખાણમાં ફરક હતો. મૂળ દવામાં બેચ નંબરનું લખાણ ત્રણ લાઈનમાં હતું, જ્યારે નકલી દવામાં તે માત્ર બે લાઈનમાં છપાયેલું હતું. આ કેસમાં દર્શિલ સંઘવી ઉપરાંત લખનઉના બે આરોપી દેવેન્દ્ર યાદવ અને ઉમંગની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ અગાઉ પુણે, મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી નકલી દવાનો જથ્થો ક્યાંથી તૈયાર થયો, અન્ય કેટલા રાજ્યોમાં પહોંચ્યો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાઇસન્સિંગ અને કંટ્રોલિંગ ઓફિસર રૂપમ પટેલે જણાવ્યું હતું કે, દવા અંગે શંકા ઊભી થયા બાદ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સંબંધિત બેચની દવાઓના નમૂના તથા જથ્થાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દવા નકલી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ જે સ્થળોએ દવાનો જથ્થો પહોંચ્યો છે ત્યાંથી તેને શોધી કાઢીને પરત મેળવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, લખનઉથી આવેલી 3,600 સ્ટ્રીપમાંથી મોટી સંખ્યામાં દવા અમદાવાદની મેડિકલ દુકાનોમાં સપ્લાય થઈ હતી. આરોપીની પૂછપરછમાં નકલી દવાના સપ્લાયનું નેટવર્ક સામે આવ્યું છે. મેડિકલ સ્ટોર સંચાલકોને પણ શરૂઆતમાં દવા નકલી હોવાની જાણ ન હતી. હવે તપાસનો વ્યાપ વધારીને અન્ય રાજ્યો સુધી આ દવા પહોંચી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. નકલી દવા ઓળખવા માટે દવાની અસર ન થવી, દવાની કિંમતમાં અસામાન્ય ઘટાડો, પેકિંગ અથવા સ્પેલિંગમાં ભૂલ જેવા સંકેતો પર ધ્યાન આપવું જરૂરી છે.
જોકે, માત્ર આ આધારે દવા નકલી છે કે નહીં તે નક્કી કરી શકાય નહીં. દવાની પેકિંગ, બેચ નંબર અને અન્ય વિગતોમાં કોઈ શંકાસ્પદ ફેરફાર જણાય તો દવા લેતા પહેલા તબીબ અથવા સંબંધિત સત્તાવાર વિભાગનો સંપર્ક કરવો જરૂરી છે. આ સમગ્ર કૌભાંડમાં સૌથી ગંભીર બાબત એ છે કે બ્લડ પ્રેશર જેવી રોજિંદી અને મહત્વની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા નકલી બનાવીને બજારમાં પહોંચાડવામાં આવી હતી. હવે ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ નકલી દવાના નેટવર્કના મૂળ સુધી પહોંચીને કેટલા લોકો સુધી દવા પહોંચી અને તેના કારણે કોઈને નુકસાન થયું છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.
આ પણ વાંચો:

