સિંહો માટે રેલવે ટ્રેક પર ‘નો-એક્સિડન્ટ ઝોન’ બનાવવાની કવાયત! હાઇકોર્ટમાં સરકારનો એક્શન પ્લાન, છેલ્લા બે વર્ષમાં એક પણ સિંહનું અપમૃત્યુ નહીં
2018માં સિંહોના અપમૃત્યુ અંગેના મીડિયા અહેવાલોના આધારે હાઇકોર્ટે સુઓ મોટો પિટિશન હાથ ધરી હતી

Published : August 22, 2026 at 6:28 PM IST
અમદાવાદ: ગુજરાતમાં એશિયાટિક સિંહોના આકસ્મિક મૃત્યુ અને ખાસ કરીને રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુ અંગેના મીડિયા અહેવાલોના આધારે હાઇકોર્ટે સુઓ મોટો પિટિશન હાથ ધરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી થઈ હતી.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે સિંહોના રક્ષણ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે કોર્ટને વિગતવાર માહિતી આપી હતી. કોર્ટને જણાવાયું હતું કે, 19 જૂન 2024ના રોજ ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના રક્ષણ તથા રેલવે અકસ્માત નિવારણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP તૈયાર કરવામાં આવી હતી.
જૂન 2024થી જુલાઈ 2026 દરમિયાન આ મામલે 8 ઉચ્ચસ્તરીય બેઠકો ઉપરાંત સર્કલ, ડિવિઝનલ અને રેન્જ સ્તરે પણ બેઠકો યોજાઈ છે. 29 જુલાઈ 2026ના રોજ યોજાયેલી આઠમી હાઇ લેવલ કમિટીની બેઠકમાં પણ રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષા માટે હાથ ધરાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.
70 ટ્રેકર સિંહોની મૂવમેન્ટ પર નજર રાખશે
રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર પર નજર રાખવા માટે આશરે 70 રેલવે ટ્રેકર્સ તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેક પર સિંહ અથવા અન્ય વન્યજીવ જોવા મળે ત્યારે ટ્રેકર્સ દ્વારા તેમને સુરક્ષિત રીતે ટ્રેકથી દૂર ડાયવર્ટ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ લાઇટ સિગ્નલ દ્વારા ટ્રેનના ચાલકને પણ સાવચેત કરવાનો પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો છે.
100 જેટલા મૂવમેન્ટ હોટસ્પોટ ઓળખાયા
સિંહોની અવરજવરવાળા વિસ્તારોને ઓળખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 9 કાયમી અને આશરે 100 અન્ય સિંહ મૂવમેન્ટ હૉટસ્પૉટ્સ ઓળખવામાં આવ્યા છે. ખાસ કરીને વળાંકવાળા વિસ્તારો અને હૉટસ્પૉટ્સ પર લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
AIથી CCTV સુધી ટેકનોલૉજીનો સહારો
હવે સિંહોની સુરક્ષામાં આધુનિક ટેકનોલૉજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સિંહોની હાજરી વહેલી તકે શોધી શકાય તે માટે AI આધારિત મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ, CCTV કેમેરા અને ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ અને ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે. AI આધારિત કેમેરા દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહની હાજરી ઓળખીને તેની જાણકારી ઝડપથી ટ્રેનના ચાલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ દ્વારા ટ્રેક પર વન્યજીવોની હિલચાલ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
33.4 કિલોમીટર વિસ્તારમાંથી ઝાડીઓ દૂર
સિંહો અને અન્ય વન્યજીવો ટ્રેક પર આવતા હોય ત્યારે તેઓ દૂરથી દેખાઈ શકે તે માટે રેલવે ટ્રેકની આસપાસની 33.4 કિલોમીટર જગ્યામાંથી વનસ્પતિ અને ઝાડીઓ દૂર કરવામાં આવી છે. આ કામગીરીથી ટ્રેકર્સ અને ટ્રેનના ચાલકોને ટ્રેક નજીક રહેલા વન્યજીવોને વહેલા ઓળખવામાં મદદ મળે છે.
5,909 કોશન ઓર્ડર જાહેર
સિંહોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સલામતી માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. એપ્રિલ 2026થી જુલાઈ 2026 દરમિયાન 1,356 કોશન ઓર્ડર, જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,909 કોશન ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું.
ટ્રેનના ચાલકો અને સહાયક ચાલકોને પણ સિંહોની મૂવમેન્ટ અંગે વિશેષ તાલીમ અને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. જુલાઈ 2026 સુધીમાં 159થી વધુ લોકો પાઇલટ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે.
અંડરપાસ બન્યા સિંહો માટે ‘સેફ પેસેજ’
સિંહોને રેલવે ટ્રેકથી દૂર રાખવામાં અંડરપાસ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલ મુજબ 62 અંડરપાસ સારી સ્થિતિમાં છે, જ્યારે 14 અંડરપાસમાં રેટ્રોફિટિંગનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 13 નવા અંડરપાસનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
સિંહો ટ્રેક સુધી ન પહોંચે તે માટે 1,660.85 મીટર ફેન્સિંગ પણ કરવામાં આવી છે. અંડરપાસની ઉપયોગિતા વધારવા અને બાકી રહેલા રેટ્રોફિટિંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં એક પણ સિંહનું રેલવે અકસ્માતમાં મોત નહીં
સિંહોના રક્ષણ માટે હાથ ધરાયેલા આ તમામ પ્રયાસો વચ્ચે એક મહત્વની બાબત સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં રેલવે અકસ્માતમાં એક પણ સિંહનું મોત નોંધાયું નથી, જેને સિંહ સંરક્ષણ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
જોકે, ગીરની બહાર પણ સિંહોની કુદરતી અવરજવર વધી રહી છે. બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને હવે માત્ર ગીર વિસ્તાર પૂરતી નહીં, પરંતુ વિસ્તરતા સિંહ લેન્ડસ્કેપને ધ્યાનમાં રાખીને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાની જરૂરિયાત છે.
11 સપ્ટેમ્બરે ફરી હાઇકોર્ટમાં સુનાવણી
હાઇકોર્ટે હવે આગામી સુનાવણીમાં બાકી રહેલા અંડરપાસના રેટ્રોફિટિંગની સ્થિતિ, નવા અંડરપાસના નિર્માણની પ્રગતિ, ટ્વિન LED હેડલાઇટ્સ, ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમની અસરકારકતા અને AI આધારિત મોનિટરિંગની સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
આ તમામ વિગતો જૂનાગઢના વન સંરક્ષકના સોગંદનામા સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે. મામલે વધુ સુનાવણી 11 સપ્ટેમ્બર 2026ના રોજ હાથ ધરાશે. ગીરના સિંહોને રેલવે અકસ્માતથી બચાવવા હવે ટ્રેકર્સથી લઈને અંડરપાસ, ફેન્સિંગથી લઈને CCTV અને AI મોનિટરિંગ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટની નજર હવે માત્ર આ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં તેના પર નહીં, પરંતુ આ તમામ સુરક્ષા પગલાં સિંહોના જીવ બચાવવામાં કેટલા અસરકારક સાબિત થઈ રહ્યા છે તેના પર પણ રહેશે.
આ પણ વાંચો:

