ગીર-સોમનાથ: રક્ષાબંધને ઉનાના વૃદ્ધાશ્રમમાં છલકાઈ લાગણીઓ, વડીલોએ એકબીજાને બાંધી રાખડી
ઉનાના ગુપ્ત પ્રયાગ ખાતે દસ વર્ષથી કાર્યરત વૃદ્ધાશ્રમમાં 85 વડીલો રહે છે, જ્યાં રક્ષાબંધન પર્વે પરિવારથી દૂર રહેતા વડીલોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

Published : August 28, 2026 at 7:49 PM IST
ગીર-સોમનાથ: સગા ભાઈ-બહેનથી દૂર વડીલોએ એકબીજાને બાંધી રાખડી, પોલીસની બહેનોએ પણ વડીલો સાથે ઉજવ્યો રક્ષાબંધન. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધનના પર્વે ઉનાના ગુપ્ત પ્રયાગ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.
પરિવારથી દૂર જીવન પસાર કરી રહેલા વડીલો માટે રક્ષાબંધનનો દિવસ ખુશીની સાથે પોતાના ભાઈ-બહેન અને પરિવારની જૂની યાદો પણ લઈને આવ્યો હતો.
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગુપ્ત પ્રયાગ ખાતે આવેલો આ વૃદ્ધાશ્રમ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં હાલમાં આશરે 85 જેટલા વૃદ્ધ ભાઈ-બહેનો રહે છે. અહીં વડીલો માટે રહેવા સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તહેવારો દરમિયાન પણ તેમની વચ્ચે પરિવાર જેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વૃદ્ધાશ્રમમાં રહેતી અનેક વૃદ્ધ બહેનો માટે પોતાના સગા ભાઈના કાંડે રાખડી બાંધવી શક્ય નથી, તો બીજી તરફ વૃદ્ધ ભાઈઓને પણ પોતાની બહેનના હાથે રાખડી બંધાવવાની ખોટ વર્તાય છે. રક્ષાબંધનના પર્વે આ ખાલીપો વધુ અનુભવાયો હતો અને પોતાના પરિવારની યાદો વચ્ચે અનેક વડીલો ભાવુક બન્યા હતા.

એકબીજામાં શોધ્યો ભાઈ-બહેનનો સંબંધ
આ લાગણીસભર વાતાવરણ વચ્ચે વૃદ્ધાશ્રમમાં રહેતા ભાઈ-બહેનોએ એકબીજાને પોતાના પરિવારના સભ્ય સમાન માની રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વૃદ્ધ બહેનોએ વૃદ્ધ ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી, જ્યારે ભાઈઓએ પણ બહેનો પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો હતો.
રાખડી બાંધવાની આ ક્ષણોમાં વડીલોના ચહેરા પર ખુશીની સાથે લાગણીના ભાવ પણ જોવા મળ્યા હતા. પરિવારથી દૂર હોવા છતાં એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતા આ વડીલોએ રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવ્યો હતો.

ઉના પોલીસ અને નવાબંદર મરીન પોલીસની બહેનોએ બાંધી રાખડી
રક્ષાબંધનના આ પર્વને વધુ યાદગાર બનાવવામાં ઉના પોલીસ સ્ટાફ અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી અને ત્યાં રહેતા વૃદ્ધ ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

પોલીસ સ્ટાફની બહેનોએ વૃદ્ધ ભાઈઓને રાખડી બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ વૃદ્ધાશ્રમમાં રહેતી બહેનો સાથે પણ સ્નેહપૂર્વક વાતચીત કરી તહેવારની ખુશી વહેંચી હતી. પોલીસની બહેનોને પોતાની વચ્ચે જોઈ વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
થોડા સમય માટે સર્જાયું પરિવાર જેવું વાતાવરણ
ઉના પોલીસ અને નવાબંદર મરીન પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી વૃદ્ધાશ્રમમાં થોડા સમય માટે જાણે પરિવાર જેવું વાતાવરણ સર્જાયું હતું. સગા ભાઈ-બહેનથી દૂર રહેલા વડીલોને પોલીસ સ્ટાફની બહેનોએ રાખડી બાંધી અને મોં મીઠું કરાવતા અનેક વડીલો ભાવુક બની ગયા હતા.
રક્ષાબંધનના આ પ્રસંગે એક તરફ વૃદ્ધ ભાઈ-બહેનોએ એકબીજાને રાખડી બાંધી હતી, તો બીજી તરફ પોલીસની બહેનોએ પણ વડીલોને રાખડી બાંધી સ્નેહ અને માનવતાનો સંદેશ આપ્યો હતો.
દસ વર્ષથી કાર્યરત આ વૃદ્ધાશ્રમમાં રહેતા આશરે 85 જેટલા વડીલો માટે આવા તહેવારો માત્ર ઉજવણી પૂરતા નથી રહેતા, પરંતુ પરિવારની લાગણી અને હૂંફ મેળવવાનો અવસર પણ બને છે. રક્ષાબંધનની આ ઉજવણી એ સુંદર સંદેશ આપી ગઈ કે સંબંધો માત્ર લોહીના નથી હોતા, લાગણી અને માનવતાથી પણ બંધાતા હોય છે. પોલીસ સ્ટાફની બહેનોએ વડીલો સાથે તહેવારની ખુશી વહેંચીને તેમના જીવનમાં રક્ષાબંધનના દિવસે સ્નેહની એક નવી લાગણી ઉમેરી હતી.
આ પમ વાંચો...

