ETV Bharat / state

મિડલ ઇસ્ટમાં ઇમરજન્સી: દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓ માટે રાજ્યસભા સાંસદે શરૂ કરી હેલ્પલાઇન

મહેસાણાના અલ્પેશકુમાર પટેલ, યોગેશકુમાર પટેલ અને પાર્થકુમાર પટેલ ગત 25 ફેબ્રુઆરીના રોજ વ્યાપારના કામ અર્થે દુબઈ ગયા હતા.

મિડલ ઇસ્ટમાં ઇમરજન્સી: દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓ માટે રાજ્યસભા સાંસદે શરૂ કરી હેલ્પલાઇન
મિડલ ઇસ્ટમાં ઇમરજન્સી: દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓ માટે રાજ્યસભા સાંસદે શરૂ કરી હેલ્પલાઇન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 3:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા: હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ અને તંગદિલીની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીમાં મોટી કટોકટી સર્જાઈ છે. ફ્લાઇટ્સ રદ થવાના કારણે અનેક ભારતીયો ગલ્ફ દેશોમાં અટવાયા છે. આ વૈશ્વિક કટોકટીની સીધી અસર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ પર પડી છે. દુબઈમાં વ્યાપાર અર્થે ગયેલા મહેસાણાના ત્રણ વેપારીઓ પણ ફ્લાઈટ સેવાઓ બંધ થતા ત્યાં ફસાઈ ગયા છે, ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયક તેમની મદદે આવ્યા છે અને સુરક્ષિત વતન વાપસી માટેના પ્રયાસો તેજ કર્યા છે.

મહેસાણાના ત્રણ વેપારીઓ દુબઈમાં અટવાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના અલ્પેશકુમાર પટેલ, યોગેશકુમાર પટેલ અને પાર્થકુમાર પટેલ ગત 25 ફેબ્રુઆરીના રોજ વ્યાપારના કામ અર્થે દુબઈ ગયા હતા. જોકે, અચાનક બદલાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને એરસ્પેસ બંધ થવાના કારણે તેમની પરત ફરવાની ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. હાલ આ ત્રણેય વેપારીઓ બર દુબઈ (Bur Dubai) વિસ્તારમાં રોકાયેલા છે. વિમાની સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ થતા વેપારીઓ અને તેમના પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો, જેના પગલે તેમણે ભારત સરકાર અને સ્થાનિક પ્રશાસનને વતન વાપસી માટે અપીલ કરી હતી.

મિડલ ઇસ્ટમાં ઇમરજન્સી: દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓ માટે રાજ્યસભા સાંસદે શરૂ કરી હેલ્પલાઇન (ETV Bharat Gujarat)

સાંસદ મયંક નાયકે વીડિયો કોલથી આપી સાંત્વના

આ ઘટનાની જાણ થતાં જ રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તાત્કાલિક ધોરણે દુબઈમાં ફસાયેલા અલ્પેશભાઈ અને અન્ય વેપારીઓ સાથે વોટ્સએપ વીડિયો કોલના માધ્યમથી સંપર્ક સાધ્યો હતો. સાંસદે વેપારીઓને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય આ બાબતે સંપૂર્ણપણે સક્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરના માર્ગદર્શન હેઠળ વિદેશમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સરકાર કટિબદ્ધ છે.

સામા પક્ષે, દુબઈથી અલ્પેશ પટેલે પણ સાંસદનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે બર દુબઈમાં એકદમ સુરક્ષિત છીએ. ભારત સરકાર અને સ્થાનિક દૂતાવાસનો અમને પૂરો સહયોગ મળી રહ્યો છે. મિસાઈલ ઇન્ટરસેપ્ટ થવાના કારણે સામાન્ય કાટમાળ પડવાની ઘટનાઓ બની છે, પરંતુ જાનમાલનું કોઈ મોટું નુકસાન નથી. અહીં ડરવા જેવો કોઈ માહોલ નથી."

અફવાઓથી દૂર રહેવા વેપારીની અપીલ

અલ્પેશ પટેલે એક વીડિયો સંદેશ મારફતે ભારતમાં રહેતા તેમના પરિવારજનો અને અન્ય નાગરિકોને અપીલ કરી છે કે ભારતીય ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર ચાલતા ભયજનક સમાચારો કે અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે ખાસ અનુરોધ કર્યો છે કે ખોટા અને ડરામણા સમાચારો ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ, જેથી લોકોમાં બિનજરૂરી ગભરાહટ ન ફેલાય.

243 થી વધુ લોકોનો સંપર્ક, 'સેવાલય' ની હેલ્પલાઇન શરૂ

સાંસદ મયંક નાયકે જણાવ્યું છે કે દુબઈ, અબુધાબી, ઓમાન, જેદ્દાહ અને કુવૈત જેવા દેશોમાં ફસાયેલા લોકોની મદદ માટે તેમના કાર્યાલય "સેવાલય" દ્વારા એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૪૩ થી વધુ લોકોના સંપર્ક અને માહિતી મેળવીને તેને કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે.

કોઈ પણ પ્રવાસી કે તેમના પરિવારજનને સહાયની જરૂર હોય, તો તેઓ નીચે મુજબની વિગતો સાંસદ કાર્યાલયના હેલ્પ લાઇન નંબર: 9824633244 પર વોટ્સએપ કરી શકે છે:

  • પ્રવાસીનું નામ:
  • હાલ જે દેશમાં અટવાયા હોય તે દેશ:
  • ફ્લાઇટ ડીટેલ:
  • પાસપોર્ટ નંબર:
  • કુલ પ્રવાસીઓની સંખ્યા:
  • ગુજરાત રહેતા સંબંધીનું નામ:
  • સંબંધીનો મોબાઈલ નંબર:
  • ગુજરાતનું સરનામું:

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી તમામ ફસાયેલા નાગરિકોને જલ્દીથી તેમના વતન પરત લાવવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: