ETV Bharat / state

સૌરાષ્ટ્રના ઉપલેટા, ધોરાજી, જેતપુર પંથકમાં રાત્રે અને વહેલી સવારે આવ્યા ભૂકંપના આંચકા

આજે વહેલી સવારે પણ 3 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સાંકેતિક ફોટો
સાંકેતિક ફોટો (FILE)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 9, 2026 at 9:32 AM IST

|

Updated : January 9, 2026 at 2:24 PM IST

1 Min Read
Choose ETV Bharat

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી તેમજ જેતપુર પંથકના અમુક વિસ્તારોમાં મોડી રાત્રે 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. સૌરાષ્ટ્રમાં રાત્રે ફરી એકવાર કુદરતી આફતનો અહેસાસ થયો છે. આજે વહેલી સવારે પણ 3 જેટલા ભૂકંપના આંચકા અનુભવાય હતા.

રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં અમુક પંથકમાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી અચાનક ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રાત્રિના શાંત વાતાવરણમાં અચાનક ધરતી ધ્રૂજવા લાગતા લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપનો આંચકો રાત્રે 8:43 કલાકે નોંધાયો હતો. જોકે, ધોરાજી પંથકના કેટલાક વિસ્તારોમાં 8:45 વાગ્યાની આસપાસ પણ ધ્રુજારી અનુભવાયાના અહેવાલો મળ્યા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી છે. જે સામાન્ય રીતે હળવા કંપનમાં ગણાય છે. પરંતુ રાત્રિના સમયે તેની અસર વધુ ભયજનક લાગી હતી.

ભૂકંપનું એપીસેન્ટર (કેન્દ્રબિંદુ) ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હોવાની માહિતી પ્રાપ્ત છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી હતી. મકાનોની બારીઓ અને વાસણો ખખડવાનો અવાજ આવતા લોકો તરત જ સતર્ક થઈ ગયા હતા. ખાસ કરીને ઉપલેટા અને ધોરાજી તેમજ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાની અસર વધુ જોવા મળી હતી.

રાત્રિનો સમય હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હતા. અચાનક પગ નીચેથી જમીન સરકી રહી હોય તેવો અહેસાસ થતા લોકોએ "ભૂકંપ... ભૂકંપ..." ની બૂમો પાડતા શેરીઓમાં દોટ મૂકી હતી. સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો સાવચેતીના ભાગરૂપે નીચે ખુલ્લી જગ્યામાં એકઠા થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર નથી. જોકે, તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો:

Last Updated : January 9, 2026 at 2:24 PM IST