ETV Bharat / state

પશુપાલન અને વેપારના ઓથા હેઠળ ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: કાળા રંગની સ્કોર્પિયોમાંથી ૩ શખ્સો ઝડપાયા

પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૬.૧૮ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પશુપાલન અને વેપારના ઓથા હેઠળ ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: કાળા રંગની સ્કોર્પિયોમાંથી ૩ શખ્સો ઝડપાયા
પશુપાલન અને વેપારના ઓથા હેઠળ ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: કાળા રંગની સ્કોર્પિયોમાંથી ૩ શખ્સો ઝડપાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2026 at 9:07 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા સાંપડી છે. પોલીસે પશુપાલન અને વેપાર જેવા પ્રતિષ્ઠિત ધંધાના ઓથા હેઠળ ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કઠોરગામ વિસ્તારમાંથી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૬.૧૮ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન પો.સ.ઈ. આર.ડી.ધાધલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ તથા જાલાભાઇને ખાનગી અને વિશ્વાસુ બાતમીદારે ચોક્કસ બાતમી આપી હતી કે, કઠોરગામ બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી (GJ-18-BJ-5799)માં ત્રણ શખસો નશાકારક એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરવા માટે ફરી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે ઉત્રાણ પોલીસે સરકારી પંચોને સાથે રાખી તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી કઠોરગામ ખાતે વોચ ગોઠવીને સફળ રેઇડ કરી હતી.

પોલીસે બાતમી વાળી સ્કોર્પિયો કારને ઘેરીને અંદર તપાસ કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો મળી આવ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે:

આરોપીઓના નામ

  • ચેતનભાઇ ગગુભાઇ ભોકળવા (ભરવાડ) ૨૯ વર્ષ પશુપાલન કિમ, તા. ઓલપાડ, જી. સુરત મૂળ વતન ધોલેરા, અમદાવાદ
  • મોહમંદ તોસીફ સલીમ શેખ ૩૨ વર્ષ મજૂરી મદિની રેસીડન્સી, કઠોર જકાતનાકા, સુરત
  • યાકીબ જુનેદ શેખ ૩૩ વર્ષ વેપાર સોનીવાડ, કઠોરગામ, સુરત

પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની જડતી લેતા અને સ્કોર્પિયો કારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ ૮.૭૪ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. ૮૭,૪૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી રૂ. ૫ લાખની સ્કોર્પિયો ગાડી, રૂ. ૨૫,૦૦૦ની કિંમતના ૪ નંગ મોબાઈલ ફોન, રૂ. ૫,૭૯૦ની રોકડી રકમ તેમજ ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની પુશલોક વાળી ખાલી થેલીઓ કબ્જે કરી છે. પોલીસે કુલ રૂ. ૬,૧૮,૧૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉતરાણ પોલીસ મથકના PI એ જણાવ્યું કે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ

આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ નશાનો કાળો કારોબાર ક્યાંથી શરૂ થતો હતો, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં તેઓ કોને-કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાના હતા, તે દિશામાં ઉત્રાણ પોલીસની ટીમે આગળના ચક્રો ગતિમાન કર્યા છે.