ભારતમાં ક્યાં ગ્રુપનું રક્ત ધરાવતા વધુ લોકો છે, અને ક્યાં સુધી રક્ત સારું રહે છે, જાણો બધુ જ...
રક્તદાન બાદ રક્તને કઈ રીતે સાચવવામાં આવે છે ? રક્તદાતા કોણ બની શકે ? તમામ મુદ્દાઓ વિશે જણાવી રહ્યાં છે, ભાવનગરના બ્લડ બેન્કના ડૉ.દિનેશભાઈ ગોહિલ...

Published : June 22, 2026 at 2:17 PM IST
ભાવનગર: ઈટીવી ભારત દ્વારા રક્તને પગલે ખાસ માહિતી મેળવી છે. રક્તદાન શબ્દ સાંભળ્યો હોય છે, પરંતુ રક્ત વિશે વધુ જાણવા બલ્ડ બેંકના જાણકાર સાથે વાતચીત કરી હતી. જેમાં એક વ્યક્તિના શરીરમાં કેટલું રક્ત હોય, રકતદાન બાદ રક્તને કેમ સચવાય અને ક્યાં સુધી સારું રહે તેના વિશે જાણીશું વિસ્તારથી...
મનુષ્યના શરીરમાં દોડતા રક્તની કિંમત આજના સમયમાં અમૂલ્ય છે. વાત કરવી છે રક્ત વિશે કારણ કે રક્તદાન તો કરવામાં આવે છે, પરંતુ આ રક્તને કઈ રીતે સાચવવામાં આવે છે, અને રક્તદાતા કોણ બની શકે છે. તમામ મુદ્દાઓને લઈને ઈટીવી ભારત સાથે માહિતી સભર વાત કરી હતી, ભાવનગરની રેડ ક્રોસ સોસાયટીની બ્લડ બેન્કના ડોક્ટર દિનેશભાઈ ગોહિલ...
ડોક્ટર દિનેશભાઈ ગોહિલ વર્ષોથી રેડક્રોસની બ્લડ બેન્કમાં કામ કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, આપણે સામાન્ય રીતે જેને એડલ્ટ કહીએ છીએ, તેવા વ્યક્તિમાં 5 થી 6 લીટર રક્ત આવેલું હોય છે. જેમાં 45 ટકા ભાગ સેલ્સ એટલે કોષનો હોય છે, બાકીના 55 ટકા જે હોય છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે, તેને આપણે પ્લાઝમા કહીએ છીએ. સેલ્સ ત્રણ પ્રકારના હોય છે તેને આપણે વાઈટ સેલ્સ, રેડ સેલ્સ અથવા WBC કહીએ છીએ, ત્રીજા એજપ્લેટ સેલ્સ કહીએ છીએ.

રક્તના પ્રકાર બે જેમાં નેગેટીવને પોઝીટીવ
ડોક્ટર દિનેશ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આપણે રક્તના પ્રકારની વાત કરીએ તો બે પ્રકારમાં વહેંચવામાં આવેલા છે. જેમાં નેગેટિવ અને પોઝિટિવ, એટલે કે A ટાઈપ હોય, B ટાઈપ હોય, AB ટાઈપ હોય કે O ટાઈપ હોય તેમાં A પોઝિટિવ હોય તો A નેગેટિવ હોય, B પોઝીટીવ હોય તો B નેગેટિવ હોય, એમ AB પોઝિટિવ હોય તો AB નેગેટિવ હોય અને O પોઝિટિવ હોય તો O નેગેટીવ પણ હોય છે. ઘણા સબ ટાઈપ રક્ત જોવા મળે છે જેમ કે A નું સબ ટાઈપ જોવા મળે તો એને અમે A1 કહીએ છીએ. તેનું વર્ગીકરણ થાય છે લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેના શિરા એડ કરીએ એટલે પ્રકાર જોવા મળે છે.

આપણા દેશમાં સૌથી વધુ ક્યા પ્રકારનું રક્ત ?
ડોક્ટર દિનેશ ગોહીલે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પોઝિટિવ બ્લડ ગ્રુપ છે A પોઝિટિવ, B પોઝિટિવ, AB પોઝિટિવ અને O પોઝિટિવ મોટાભાગે 95 ટકા લોકોમાં જોવા મળે છે. જ્યારે બાકી નેગેટિવ પ્રકારના ગ્રુપ પાંચ ટકા લોકોમાં છે. મોટાભાગે જ્યારે રક્તની અછત ઊભી થાય ત્યારે નેગેટિવ રક્તની અછત વધારે ઊભી થતી હોય છે. એક સર્વે થયા પ્રમાણે આપણા સમાજમાં B પોઝીટીવના લોકો આપણા દેશ કે સમાજમાં સૌથી વધારે જોવા મળે છે.

રક્તદાન કોણ કરી શકે અને કોણ નહીં ?
ડોક્ટર દિનેશ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, રક્તદાન કરવા માટે ક્રાઈટેરિયા જોવામાં આવે છે. જેમાં 18 વર્ષ ઉપરના રક્તદાન કરી શકે અને ઓછામાં ઓછા 60 વર્ષથી નીચેના લોકો રક્તદાન કરી શકે, પણ જો 60 વર્ષ સુધી એક પણ વખત રક્તદાન ન કર્યું હોય તો 60 થી 65 વચ્ચેના લોકોને પહેલીવાર રક્ત દાન કરતા હોય તો તે રક્ત લેવામાં આવતું નથી. ક્રાઈટેરિયા મુજબ હૃદય રોગ હોય, ટાઈપ ટુ ડાયાબિટીસ હોય, HIV જેવા રોગ હોય, 6 માસમાં ટેટૂ માર્ક ના કરાવ્યું હોય, છેલ્લા છ મહિનામાં સર્જરીમાંથી બહાર આવ્યા હોય તેનું બ્લડ લેવાતું નથી. મહિલામાં સગર્ભા મહિલાનું અને જ્યારે માસિક સ્ત્રાવમાં હોય ત્યારે બ્લડ લેવામાં આવતું નથી.

બ્લડ બેંકમાં રક્તમાંથી બીજું શું અલગ પડે ?
ડોક્ટર દિનેશ ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે, બ્લડ લેવામાં આવે ત્યારે 350 ml અને 450 ml બેગમાં લેવામાં આવે છે. જેમાં 350 ml મહિલાઓ માટે અને 450 ml પુરુષો માટે લેવાય છે. બ્લડ લીધા પછી અમે પ્લાઝમા સેપરેટ કરીએ એને અમે કમ્પોનન્ટ કહીએ છીએ. તેમાંથી ઘણા બધા કમ્પોનન્ટ છૂટા પાડી શકાય છે. પ્લેટલેટ છુટા પાડી શકાય, પ્લાઝમા છૂટા પાડી શકાય, રેડ સેલ્સ છુટા પાડી શકાય છે. પાંડુરંગથી જે પીડાતા હોય તેને RCC અપાય છે. ઘણા બર્ન્સના કે ગંભીર રોગમાં પ્લાઝમા અપાય છે. એક સમયે પ્લાઝમા આપવાનો ટ્રેન્ડ હતો.

રક્ત લીધા બાદ આ પદાર્થથી રક્તની આયુ વધે
ડોક્ટર દિનેશ ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે રક્ત કલેક્ટ કર્યા પછી તેમાં સેગમ નામનો પદાર્થ ઉમેરાય છે. સામાન્ય સંજોગોમાં રક્તની આવરદા 35 દિવસ હોય તેની સીધી 42 દિવસની થઈ જાય છે. અમારે તેનો ઉપયોગ 42 દિવસની અંદર કરવાનો રહે છે. એક વખત રક્તદાન કર્યા બાદ ત્રણ મહિના પછી વ્યક્તિ બીજી વખત રક્તદાન કરી શકે છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકોમાં જાગૃતિ હોવાને પગલે સ્વૈચ્છિક રક્તદાન થતા હોય છે, જેમાં રક્ત કલેક્ટ થાય છે. અમારે જોઈએ તો વર્ષમાં 10,000 યુનિટ પ્રાપ્ત થતું હોય છે.
રક્તદાનને મહાદાન સમજતા લોકો
ભાવનગર શહેરના રહેવાસી મિલનભાઈ દવેએ જણાવ્યું હતું કે, રક્તદાન એટલે રક્તદાતા. મેં જ્યારે પહેલીવાર રક્તદાન કર્યું ત્યારે મારા મનમાં ડર હતો કે શું થશે અને શું નહીં પણ રક્તદાન કર્યા પછી એવી અનુભૂતિ થઈ કે તેનો આનંદ જ અલગ છે અને રક્તદાન એ સર્વશ્રેષ્ઠ માનું છું. એક આનંદ અલગ રહે છે કે મારા લોહીથી કોઈ અજાણી વ્યક્તિનો જીવ બચ્યો તેનો સંતોષ થાય છે.

142 વાર રક્તદાન કરનાર હનુમતસિંહની રકતદાનની શરૂઆત
ભાવનગર શહેરના રેકોર્ડ બ્રેક કરેલા રક્તદાતા હનુમંતસિંહ ચુડાસમા સાથે ખાસ વાતચીત કરી હતી. હનુમંતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું ભાવનગરનો વતની છું, અને મે 1985માં 16 જાન્યુઆરીથી રક્ત આપવાની શરૂઆત કરી હતી, તે વખતે મોટી એક દુર્ઘટના બની હતી. તેમાં એક બાળકને બ્લડની જરૂર હતી એટલે મારી પાસે માહિતી કે અનુભવ નહોતો એટલે મેડિકલમાં જઈને બ્લડ માંગ્યું. ત્યારે મેડિકલ વાળાએ હસીને કહ્યું કે, બ્લડ બેન્કમાં જાવ ત્યાંથી બ્લડ મળશે.

બાળકને બચાવવા ચા ખારી ખાય પહેલી વાર રક્ત આપ્યું
હનુમંતસિંહેએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર બ્લડ બેન્ક માંથી મે બ્લડ ક્લેક્ટ કરવાનું કીધું ત્યારે તેમને મારી ઉંમર પુછી હતી, ત્યારે મારે 18 વર્ષ અને 2 મહિના થતા હતા. ત્યારે મેં કીધું આ વ્યક્તિને મારે બચાવવો છે, એટલે એમને કીધું તે નાસ્તો કર્યો છે કે નહીં ? ત્યારે મારા ખીસ્સામાં પાંચ રૂપિયા હતા પછી મેં ચાને ખારી ખાઈને રક્ત આપ્યું. ત્યારે મને સમજાયું કે રક્ત ક્યાંય દુકાનમાં મળતું નથી રક્તથી રક્તને બચાવી શકાય છે.
રક્તની અછત થતા રસ્તા પર ભીખ માંગી
હનુમંતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મે મારા 42 વર્ષમાં ગમે ત્યારે કોઈને પણ રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન કર્યું છે અને કરાવ્યું છે. આપણે અત્યારે થેલેસેમિયાના લોકો માટે રક્ત એકઠું કરું છું. ગયા માર્ચ મહિનામાં જ્યારે ચારેય બ્લડ બેંકમાં બ્લડની ક્રાઇસીસ થઈ હતી. ત્યારે ભાવનગરમાં જાહેર રોડ ઉપર મારી જોળી ફેલાવીને રક્તદાતા પાસે 21 માર્ચના ભીખ માંગી હતી તે દિવસે મને 370 બેગ રક્ત મળ્યું હતું. ઈશ્વરે આપણને અવતાર આપ્યો છે, તો બીજાને બચાવવા જોઈએ.

