ETV Bharat / state

અમદાવાદની દિલ્હી દરવાજા ફટાકડા બજારનો કેવો છે માહોલ ?,  શું છે ભાવ ?, વેપારી અને ગ્રાહકોનો શું છે પ્રતિભાવ ?

દિલ્હી દરવાજાનું ફટાકડા બજાર વર્ષોથી અમદાવાદીઓ માટે ખરીદીનું જાણીતું સ્થળ રહ્યું છે. અહીં દાયકાઓ જૂની દુકાનોમાં પરંપરાગત ફટાકડાની સાથે નવી આધુનિક વેરાયટી પણ ઉપલબ્ધ છે.

દિવાળીના પર્વે દિલ્હી દરવાજા ફટાકડા બજારમાં રોનક
દિવાળીના પર્વે દિલ્હી દરવાજા ફટાકડા બજારમાં રોનક (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : November 4, 2026 at 8:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે આવેલા પ્રખ્યાત ફટાકડા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. બજારમાં આ વર્ષે ફટાકડાની અનેક નવી વેરાયટી આકર્ષણનું કેન્દ્ર બની છે. જોકે, કાચા માલના ભાવમાં વધારો અને વરસાદની અસરને કારણે ફટાકડાની કિંમતમાં ગત વર્ષની સરખામણીએ 20થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

તેમ છતાં દિવાળીની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો પરિવાર સાથે બજારમાં આવીને પોતાની પસંદગીના ફટાકડા ખરીદી રહ્યા છે.

દિલ્હી દરવાજાનું ફટાકડા બજાર વર્ષોથી અમદાવાદીઓ માટે ખરીદીનું જાણીતું સ્થળ રહ્યું છે. અહીં દાયકાઓ જૂની દુકાનોમાં પરંપરાગત ફટાકડાની સાથે નવી આધુનિક વેરાયટી પણ ઉપલબ્ધ છે. આ વર્ષે લાયન કિંગ, સ્કાય શોટ, કોઠી, તલવાર, બંદૂક, રમકડાં, રોકેટ બોમ્બ અને લૂમ સહિતની વિવિધ આઈટમો ગ્રાહકોને આકર્ષી રહી છે. ફટાકડાની કિંમત ₹10થી શરૂ થઈને હજારો રૂપિયા સુધી પહોંચે છે. 500 શોટનો સ્કાય શોટ આશરે ₹7,500માં વેચાઈ રહ્યો છે.

ફટાકડા માટે જાણીતું છે દિલ્હી દરવાજા
ફટાકડા માટે જાણીતું છે દિલ્હી દરવાજા (Etv Bharat Gujarat)

ફટાકડાના ભાવમાં 25 ટકા સુધીનો વધારો

ફટાકડાના વેપારી કાલુભાઈના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે બજારમાં ફટાકડાની ઘણી નવી આઈટમો આવી છે. જોકે, કાચા માલની કિંમતમાં વધારો અને વરસાદના કારણે ફટાકડાના ભાવમાં 20થી 25 ટકા જેટલો વધારો થયો છે. તેમ છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફટાકડાની કિંમત ₹10થી શરૂ થઈને હજારો રૂપિયા સુધી પહોંચે છે.
ફટાકડાની કિંમત ₹10થી શરૂ થઈને હજારો રૂપિયા સુધી પહોંચે છે. (Etv Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હી દરવાજામાં વર્ષ 1971થી તેમની ફટાકડાની દુકાનો કાર્યરત છે. અહીં કુલ 23 દુકાનો છે અને તમામ દુકાનો લાઇસન્સ તથા ફાયર NOC સાથે વર્ષોથી વ્યવસાય કરી રહી છે. શિવાકાશીથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફટાકડાનો સપ્લાય થાય છે. ત્યાં ઘરગથ્થુ ઉદ્યોગના માધ્યમથી ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે અને હજારો પરિવારોને રોજગારી મળે છે.

બજારમાં આવ્યા અવનવા ફટાકડા
બજારમાં આવ્યા અવનવા ફટાકડા (Etv Bharat Gujarat)

વેપારીઓનું વલણ

વેપારી વિશાલ પટણીના જણાવ્યા પ્રમાણે, દિલ્હી દરવાજાની ફટાકડાની દુકાનો 70 વર્ષથી પણ જૂની છે. આ વર્ષે મોંઘવારીને કારણે ફટાકડાના ભાવમાં 25થી 30 ટકા સુધીનો વધારો થયો છે. જોકે, હાલ બજારમાં ઘરાકી થોડી મંદ જોવા મળી રહી છે. લાયન કિંગ, સ્કાય શોટ, કોઠી, તલવાર, બંદૂક, રમકડાં, રોકેટ બોમ્બ અને લૂમ જેવી નવી વેરાયટી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

આ ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડી રહી છે. તેમ છતાં વર્ષોથી ચાલી આવતી દિવાળીની પરંપરા જાળવવા લોકો ખરીદી કરી રહ્યા છે.

નવી વેરાયટીની બોલબાલા વચ્ચે ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો
નવી વેરાયટીની બોલબાલા વચ્ચે ફટાકડાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો (Etv Bharat Gujarat)

ગ્રાહક રીટાબેને જણાવ્યું કે, દિવાળી ભગવાન શ્રીરામના વનવાસમાંથી અયોધ્યા પરત ફરવાના પ્રસંગની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષોથી આપણે આ પરંપરા નિભાવીએ છીએ અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરીએ છીએ. હું ડ્રાઇવ-ઇન રોડ વિસ્તારમાં રહું છું, ત્યાં પણ ફટાકડાની ઘણી દુકાનો છે, પરંતુ વર્ષોથી દિલ્હી દરવાજા આવીને જ ફટાકડાની ખરીદી કરું છું.

અન્ય એક ગ્રાહકે મોંઘવારી વચ્ચે પણ દિવાળીની ઉજવણીમાં કોઈ કમી ન રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ફટાકડા મોંઘા થયા હોવા છતાં અમને કોઈ ફરક પડતો નથી. અમે દિવાળી ધૂમધામથી ઉજવીશું. ખાસ વાત એ છે કે અમે જેટલા ફટાકડા ખરીદીશું તેમાંથી 10 ટકા ફટાકડા એવા નિરાધાર લોકોને આપીશું, જેઓ પોતાની રીતે ફટાકડા ખરીદી શકતા નથી, જેથી તેઓ પણ આનંદથી દિવાળી ઉજવી શકે.

ફટાકડાના ભાવમાં વધારો છતાં ગ્રાહકોમાં ઉત્સાહ
ફટાકડાના ભાવમાં વધારો છતાં ગ્રાહકોમાં ઉત્સાહ (Etv Bharat Gujarat)

બાળકોમાં દિવાળીની ખરીદીનો ભારે ઉત્સાહ

દિલ્હી દરવાજા બજારમાં બાળકોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. બાળકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આખું વર્ષ દિવાળીની રાહ જોતા હોય છે અને એક મહિના અગાઉથી જ ફટાકડાની ખરીદી શરૂ કરી દે છે. બજારમાં આવીને કોઠી, બંદૂક સહિતના વિવિધ ફટાકડા ખરીદવાનો આનંદ જ અલગ છે. આ વર્ષે પણ મનપસંદ ફટાકડા ખરીદીને ધૂમધામથી દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે.

આમ, એક તરફ મોંઘવારીના કારણે ફટાકડાના ભાવમાં વધારો થયો છે અને વેપારીઓ ઘરાકીની મંદીની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદીઓમાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહ યથાવત્ છે. દિલ્હી દરવાજાનું દાયકાઓ જૂનું ફટાકડા બજાર આજે પણ દિવાળીની ખરીદીનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો

  1. અમદાવાદ: ખાડિયામાં ફટાકડાની દુકાનો સામે સ્થાનિકોનો વિરોધ, મોટી હોનારતનો ભય; રહેણાંક વિસ્તારમાંથી દુકાનો હટાવવાની માંગ
  2. અમદાવાદમાં ફટાકડાના ઉત્પાદન પર સંપૂર્ણ રોક, 6માંથી 4 લાઇસન્સ રદ, 2 મોકૂફ, રામોલ બ્લાસ્ટ બાદ પોલીસનો કડક નિર્ણય