રજાઓ છે, તો ક્યાં જવું ? ચાલો અમદાવાદથી ઉપડીએ સૌથી સુંદર અને સસ્તા સ્થળોએ ફરવા
દિવાળીની રજાઓમાં અમે આપને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે તમારો પ્રવાસ ખુબ ઓછા બજેટમાં પ્લાન કરી શકો છો. જાણો વિસ્તારથી...

Published : October 15, 2025 at 8:45 PM IST
અમદાવાદ: સામાન્ય રીતે રજાઓ પડે એટલે ઘરમાં એક જ વાત આવે કે ક્યાંક ફરવા જઈએ ! પણ સૌથી મોટો પ્રશ્ન એ કે જવું ક્યાં ? હવે કયાં જવું તે નક્કી કરીએ એટલે ત્રીજો મહત્વનો પ્રશ્ન જે દરેક ગુજરાતીના મનમાં થાય તે છે કે ' ખર્ચો કેટલો થાય?' ને ક્યારેક તો આ બધું નક્કી કરવામાં રજાઓ ક્યાં પૂરી થઈ જાય, તેનો તો ખ્યાલ જ નથી રહેતો.
ત્યારે અમદાવાદના લોકો તેમની રજાઓમાં ક્યાં ફરવા જઈ શકે જે જગ્યા પણ સુંદર હોય અને ખર્ચામાં પણ ઓછી, તો વાત કરીએ એવી જગ્યાઓ વિશેની જ્યાં તમે તમારો પ્રવાસ ઓછા બજેટમાં પ્લાન કરી શકો છો.
2 દિવસનો પ્રવાસ, માઉન્ટ આબુ, ઉદયપુર રાજસ્થાન
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનેક જોવા લાયક સ્થળો આવેલા છે. જોકે, તેમાંથી સૌથી નજીક માઉન્ટ આબુ અને ઉદયપુર છે જે ગુજરાતીઓનું માનીતું પ્રવાસન સ્થળ છે. કુદરતી સૌંદર્યથી ભરપુર માઉન્ટ આબુ અને ઉદયપુરમાં આમ તો બારેમાસ પ્રવાસીઓની ભીડ હોય છે પરંતુ તહેવારોના માહોલ અને વેકેશનમાં અહીં સહેલાણીઓની સંખ્યા અનેક ગણી વધી જાય છે.

માઉન્ટ આબુ, ઉદયપુરમાં જોવા લાયક સ્થળો
માઉન્ટ આબુમાં અસંખ્ય જોવા લાયક સ્થળો આવેલા છે, જેમ કે, નક્કી લેક, ગુરુ શિખર, ટોડ રોક વ્યૂ પોઇન્ટ, દેલવાડાના દેરા-જૈન મંદિર, લાલ મંદિર, ટ્રેવર્સ ટેન્ક, અચલેશ્વર મહાદેવ મંદિર, અચલગઢ કિલ્લો, સનસેટ પોઇન્ટ, ગૌમુખ મંદિર વગેરે પ્રમુખ સ્થળો છે. ઓફ સીઝનમાં અહીં 1000 થી 1500 રૂપિયા સુધીમાં રૂમ મળી જાય છે.
વાત કરીએ સરોવરની નગરી ઉદયપુરની તો અહીં ઘણા ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો અને પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાંથી ફતેહ સાગર લેક ફતેહ સાગર તળાવ ઉદયપુર શહેરના આકર્ષણોમાં મુખ્ય છે. આ ઉપરાંત જગદીશ મંદિર, ઉદયપુર સિટી પેલેસ, લેક પિચોલા, જગ મંદિર, સજ્જનગઢ પેલેસ, અથવા મોનસૂન પેલેસ તેમજ દૂધ તલાઈ મ્યૂઝિકલ ગાર્ડન મુખ્ય જોવા જેવા સ્થળો છે.

અમદાવાદથી માઉન્ટ આબુ, ઉદયપુર
અમદાવાદથી માઉન્ટ આબુનું અંતર આશરે 229 કિલોમીટર જેટલું થાય છે. અમદાવાદ રેલવે માર્ગે આબુ જવા માટે અસંખ્ય ટ્રેનોની સેવા મળે છે. માઉન્ટ આબુનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ છે. અમદાવાદથી આબુ રોડની જનરલ ટિકિટ 110 રૂપિયા છે, જ્યારે સેકેન્ડ ક્લાસ સ્લિપરની ટિકિટ 150 થી 180ની આસપાસ મળશે. જ્યારે એસટી બસની ટિકિટ 180 રૂપિયા છે. અમદાવાદથી ઉદયપુરનું અંતર આશરે 348 કિલોમીટર છે, અમદાવાદથી ઉદયપુર માટે પણ ઘણી ટ્રેનની ફ્રિકવન્સી છે, અમદાવાદથી ઉદયપુરનું સેકેન્ડ સ્લિપર ક્લાસનું ટિકિટ ભાડું 210થી 240 રૂપિયા છે, જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં 250થી શરૂ થાય છે.

જયપુર, રાજસ્થાન: ગુલાબી નગરીનો શાહી ઝગમગાટ
રાજસ્થાનની રાજધાની જયપુર દિવાળી દરમિયાન તેની શાહી પરંપરાને જીવંત કરે છે. આખું શહેર, ખાસ કરીને તેના ઐતિહાસિક બજારો, દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. અહીંના બજારોમાં શ્રેષ્ઠ ડેકોરેશન માટે સ્પર્ધા યોજાય છે, જેના કારણે જોહરી બજાર અને બાપુ બજાર જેવી જગ્યાઓ લાઈટોના દરિયામાં ફેરવાઈ જાય છે. આ રોશની વચ્ચે શોપિંગ અને સ્ટ્રીટ ફૂડનો આનંદ લેવો એ એક અલગ જ અનુભવ છે.
જયપુરમાં જોવા લાયક સ્થળો
લાઈટિંગમાં નહાતા આમેર કિલ્લાનો સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ભવ્ય સિટી પેલેસ અને પવનની મહેલ તરીકે ઓળખાતો હવા મહેલ.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન): જયપુરનું રેલ્વે સ્ટેશન (JP) સારું કનેક્ટેડ છે જ્યાં માત્ર ₹380 માં તમે અમદાવાદથી જયપુર જઈ શકો છો આ મુસાફરીમાં તમને 8 કલાક જેટલો સમય લાગી શકે છે. જો તમે પરિવાર કે મિત્રો સાથે જવાનું વિચારી રહ્યા હોવ તો આ એક યાદગાર ટ્રીપ બની શકે છે.
ઉદયપુર, રાજસ્થાન: લેક સિટીનું જાદુઈ પ્રતિબિંબ
રાજસ્થાનનું સૌથી રોમેન્ટિક શહેર ઉદયપુર દિવાળી દરમિયાન રોશનીથી સજ્જ થાય છે. અહીંના રાજવી મહેલો અને હવેલીઓ રંગબેરંગી લાઇટોથી શણગારાય છે, અને તેનો જાદુઈ પ્રકાશ પિછોલા તળાવના પાણીમાં પ્રતિબિંબિત થાય છે, જે આખા શહેરને એક પરીકથા જેવો દેખાવ આપે છે. દિવાળીની સાંજે તળાવ કિનારે ફટાકડાની આતશબાજી આ નજારાને વધુ શાનદાર બનાવે છે.
અન્ય જોવાલાયક સ્થળો: પિછોલા તળાવમાં આવેલું લેક પેલેસ, તળાવ કિનારે આવેલો ભવ્ય સિટી પેલેસ, અને સાંજે શાંતિ માટે ફતેહ સાગર તળાવ.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (બસ): ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાંથી ઉદયપુરની મુસાફરી સસ્તા અને નિયમિત બસ દ્વારા સરળ છે. જ્યાં માત્ર ₹350 થી ₹450માં તમે લક્ઝરી બસમાં 4 થી 6 કલાકમાં ઉદયપુર પહોંચી શકો છો.

પુષ્કર, રાજસ્થાન: પવિત્ર સરોવર અને ધાર્મિક આસ્થા
પુષ્કર એ ભારતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બ્રહ્માજીનું મુખ્ય મંદિર આવેલું છે. દિવાળીનો ઉત્સવ અહીં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે. જો તમારી મુલાકાત દિવાળીની આસપાસના કાર્તિક મહિનામાં હોય, તો પુષ્કર સરોવરના 52 ઘાટ પર સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતું દીપદાન (દીવા પ્રગટાવવાની વિધિ) જોવા જેવું હોય છે, જે મનને શાંતિ આપે છે.
અન્ય જોવાલાયક સ્થળો: સરોવરમાં પવિત્ર સ્નાન, પુષ્કર મેળો (જો તારીખો મેળ ખાતી હોય તો), અને ગુરુદ્વારાની મુલાકાત.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન/લોકલ ટ્રાવેલ): પુષ્કરનું નજીકનું રેલ્વે સ્ટેશન અજમેર જંકશન (AII) છે, જે ત્યાંથી માત્ર 15 કિ.મી. દૂર છે. માત્ર ₹330 ના દરે તમે ટ્રેન મારફતે અજમેર પહોંચી શકો છો. અહી પહોંચવામાં તમને 7 થી 8 કલાક જેટલો સમય લાગી શકે છે. તમે રાતની મુસાફરી પણ પસંદ કરી શકો છો જેથી પ્રવાસ દરમિયાન તમને થાક ઓછો લાગે. અજમેરથી પુષ્કર જવા માટે સસ્તી લોકલ બસ કે શેરિંગ ટેક્સી સરળતાથી મળી રહે છે.

3-દિવસનો પ્રવાસ, અમૃતસર, પંજાબ: સુવર્ણ મંદિરની અલૌકિક રોશની
અમૃતસર માત્ર પંજાબનું આદ્યાત્મિક કેન્દ્ર નથી, પરંતુ શીખ ધર્મનું પવિત્ર હૃદય પણ છે. દિવાળી અહીં શીખોના 'બંદી છોડ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સુવર્ણ મંદિરની ભવ્યતા અનેકગણી વધી જાય છે. આખો પરિસર લાખો દીવાઓ, મીણબત્તીઓ અને રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠે છે. પવિત્ર સરોવરના શાંત પાણીમાં આ રોશનીનું પ્રતિબિંબ એક સુંદર દ્રશ્ય સર્જે છે. ફટાકડાની ભવ્ય આતશબાજી આ ઉત્સવને ચાર ચાંદ લગાવે છે.
અન્ય જોવાલાયક સ્થળો: દેશભક્તિની ભાવના જગાવતો વાઘા બોર્ડરનો 'બીટિંગ રીટ્રીટ' સમારોહ અને રાષ્ટ્રીય ઇતિહાસનો ભાગ જલિયાવાલા બાગ.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન/બસ): દેશના મોટા શહેરોમાંથી અમૃતસર જંકશન (ASR) સુધીની સ્લીપર ક્લાસની ટ્રેન બુક કરવી સૌથી સસ્તું છે. તેનું ભાડું અમદાવાદથી અમૃતસર માત્ર ₹620 છે. જે તમને બે દિવસમાં અમૃતસર પહોંચાડી દેશે.

વારાણસી (કાશી), ઉત્તર પ્રદેશ: ગંગા ઘાટ પર દિવ્ય દીપમાળા
દિવાળી દરમિયાન અહી ગંગા કિનારે આવેલા 80થી વધુ ઘાટ પર હજારો માટીના દીવા પ્રગટાવવામાં આવે છે, જે ગંગા નદીના શાંત પ્રવાહ પર તરતા પ્રકાશિત દીવાઓ સાથે એક ભવ્ય અને દિવ્ય દ્રશ્ય રચે છે. આ સમયનો ઉત્સવ અહીંની સંસ્કૃતિ અને આસ્થાની ઝાંખી કરાવે છે.
અન્ય જોવાલાયક સ્થળો: દરરોજ સાંજે થતી દશાશ્વમેધ ઘાટની ભવ્ય ગંગા આરતી (જે દિવાળીમાં વધુ દિવ્ય બની જાય છે), અને નવા બનેલા કોરિડોર સાથેનું કાશી વિશ્વનાથ મંદિર.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન): વારાણસી જંકશન (BSB) ભારતીય રેલવે દ્વારા ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના મોટાભાગના શહેરો સાથે ઉત્તમ રીતે જોડાયેલું છે. લાંબા અંતરની સ્લીપર ક્લાસની ટ્રેન સૌથી વધુ બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ છે. જો તમે એક્સપ્રેસ ટ્રેન મારફતે પ્રવાસ કરો છો તો ₹650 થી ₹750 માં તમે ત્યાં જઈ શકો છો.

7-દિવસનો લાંબો પ્રવાસ
ગોવા: નરકાસુર વધનો ઉત્સાહ અને બીચ પાર્ટી
ગોવા ભારતના અન્ય ભાગો કરતાં અલગ રીતે દિવાળી ઉજવે છે. અહીંનું મુખ્ય આકર્ષણ દિવાળીના એક દિવસ પહેલા, નરક ચતુર્દશીના રોજ, ભગવાન કૃષ્ણ દ્વારા રાક્ષસ નરકાસુરના વધનું પ્રતીક છે. યુવાનો નરકાસુરના મોટા અને કદાવર પૂતળાઓ બનાવીને બાળે છે, જે આખી રાત ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ બનાવે છે. દિવાળીના દિવસે બીચ પર પણ ખાસ રોશની અને ફટાકડા જોવા મળે છે.

અન્ય જોવાલાયક સ્થળો: ઉત્તર ગોવાના પ્રખ્યાત કેલંગુટ અને બાગા બીચ, દક્ષિણ ગોવાના શાંત પલોલેમ બીચ, અને પોર્ટુગીઝ યુગના ચર્ચ ઓફ બોમ જીસસ.

આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન): મહારાષ્ટ્ર અને કર્ણાટકના શહેરોમાંથી ગોવા માટે નિયમિત ટ્રેનો ચાલે છે. અમદાવાદથી મડગાંવ (MAO) સ્ટેશન સુધીની ટ્રેન, માત્ર ₹550માં અને 18 કલાકમાં ગોવા ઉતારી દેશે. ખાસ કરીને સેકન્ડ સીટિંગ (2S) કે સ્લીપર ક્લાસનું બુકિંગ સૌથી સસ્તું હોય છે, જોકે રજાઓમાં બુકિંગ વહેલું કરાવવું જરૂરી છે.

કેરળ (મુન્નાર/કોચીન): પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ દિવાળી
જો તમને પ્રકૃતિના ખોળામાં શાંતિપૂર્ણ અને રિફ્રેશિંગ દિવાળી વેકેશન જોઈતું હોય, તો કેરળની મુલાકાત લો. દિવાળીની ધાર્મિક ઉજવણી અહીં દક્ષિણ ભારતીય શૈલીમાં અલગ હોય છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે મુન્નારના લીલાછમ ચાના બગીચાઓમાં આરામ, જ્યાં દિવાળીના ઠંડા હવામાનમાં ફરવાનો અને ગરમાગરમ ચાની ચુસ્કી લેવાનો આનંદ લેવાનો એક અદ્ભુત અનુભવ બની રહેશે.

અન્ય જોવાલાયક સ્થળો: કોચીનના બેકવોટર્સમાં હાઉસબોટમાં રાત્રિ રોકાણ, ફોર્ટ કોચીનમાં ચાઇનીઝ ફિશિંગ નેટ અને મસાલા બજારો.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (ટ્રેન): ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાંથી એર્નાકુલમ (કોચીન - ERS) સુધીની લાંબા અંતરની સ્લીપર ક્લાસ ટ્રેન. દક્ષિણ ભારતના પ્રવાસીઓ માટે ચેન્નાઈ કે બેંગ્લોરથી ટ્રેન સૌથી સસ્તો વિકલ્પ છે. તેના ટિકિટના દર પ્રતિ વ્યક્તિ ₹790 છે. અને અહી પહોંચવામાં તમને 34 થી 36 કલાક જેટલો સમય લાગી શકે છે.

ઋષિકેશ/હરિદ્વાર, ઉત્તરાખંડ: સાહસ અને આધ્યાત્મિક જ્ઞાન
ઉત્તરાખંડના આ જોડીયા ધાર્મિક સ્થળ આધ્યાત્મિક યાત્રા અને સાહસિક પ્રવૃત્તિઓનું મિશ્રણ પૂરું પાડે છે. દિવાળીની સાંજે હર કી પૌડી (હરિદ્વાર) અને પરમાર્થ નિકેતન (ઋષિકેશ)ના ઘાટ પર યોજાતી ભવ્ય ગંગા આરતી જોવી એ આધ્યાત્મિક શાંતિનો અનુભવ છે. આસપાસના પર્વતોના શાંત વાતાવરણમાં દીવાઓની રોશની મનમોહક હોય છે.

અન્ય જોવાલાયક સ્થળો: લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા, અને ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ અને કેમ્પિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (બસ/ટ્રેન): અમદાવાદથી હરિદ્વાર (HW) કે યોગ નગરી ઋષિકેશ (YNRK) સુધી ટ્રેનની કનેક્ટિવિટી ઉત્તમ છે. ટ્રેનની ટિકિટ ₹550 થી શરૂ થાય છે અને તે સૌથી સસ્તો અને ઝડપી (રોડ માર્ગે) વિકલ્પ છે. જે 24 કલાક ની મુસાફરીનો છે.

કચ્છનું રણ, ગુજરાત: રણ ઉત્સવ 23 ઓક્ટોબરથી 4 માર્ચ
સ્થળનું મહત્વ અને આકર્ષણ: કચ્છનો રણ ઉત્સવ ગુજરાતના સૌથી મોટા અને આકર્ષક સાંસ્કૃતિક ઉત્સવોમાંનો એક છે. આ ઉત્સવ દર વર્ષે શિયાળાની શરૂઆતથી વસંત ઋતુ સુધી યોજાય છે. આ ઉત્સવ કચ્છના ધોરડો ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાય છે. આ સમય દરમિયાન અહીં એક વિશાળ અને વૈભવી "ટેન્ટ સિટી" ઊભું કરવામાં આવે છે, જે પ્રવાસીઓને રહેવા માટે આકર્ષક વ્યવસ્થા પૂરી પાડે છે. તેના માટે https://rannutsav.net પરથી રજિસ્ટ્રેશન કરવી શકાય છે.
અન્ય જોવાલાયક સ્થળો: રણ ઉત્સવનું મુખ્ય આકર્ષણ સફેદ રણ (White Rann) છે, જે ખાસ કરીને પૂનમની રાત્રે ચાંદનીમાં ચાંદી જેવું ચમકતું દેખાય છે, જે એક અલૌકિક અનુભવ કરાવે છે. અહીં કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન થાય છે, જેમાં સ્થાનિક લોક સંગીત, નૃત્ય (જેમ કે ગરબા) અને કળાના જીવંત પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ અહીં હસ્તકલા બજારમાંથી કચ્છની પ્રખ્યાત ભરતકામવાળી વસ્તુઓ, બાંધણી અને ચામડાની ચીજવસ્તુઓ ખરીદી શકે છે. આ ઉપરાંત, ઊંટ સવારી, ATV રાઇડ્સ, પેરામોટરિંગ જેવાં સાહસિક કાર્યક્રમો અને નજીકના કાળો ડુંગર, ધોળાવીરા તેમજ ભુજ જેવા સ્થળોની મુલાકાત પણ મુખ્ય આકર્ષણો છે.
આવવા-જવાનો સૌથી સસ્તો વિકલ્પ (બસ): જો તમે સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ જેવી ટ્રેનો દ્વારા જાઓ છો તો 7 કલાકની મુસાફરી બાદ તમે માત્ર ₹265 થી ₹ 300 માં ભુજ પહોંચી શકો છો.ભુજ પહોંચ્યા પછી, ધોરડો (રણ ઉત્સવ સ્થળ) જવા માટે શેરિંગ ટેક્સીઓ સસ્તામાં મળી શકે છે.
આ મુસાફરી માટે તમારી ટિકિટ બુક કરાવવા માટેની વેબસાઇટ:
બસ માટે: www.gsrtc.in
ટ્રેન માટે: www.irctc.co.in

