ETV Bharat / state

જૂનાગઢના આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, વર્ષ 2031 સુધી આ વિસ્તારમાં મિલ્કત ખરીદી-વેચાણ માટે મંજૂરી જરૂરી

જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શહેરના ખામધ્રોળ અને જોશીપરના વિસ્તારમાં 17 ફેબ્રુઆરી 2031 સુધી અશાંત ધારો અમલી બનાવ્યો છે.

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, જુનાગઢ
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, જુનાગઢ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 20, 2026 at 7:22 AM IST

|

Updated : February 20, 2026 at 7:37 AM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: પાછલા ઘણા વર્ષથી જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના કેટલાક રહેણાંક અને વ્યાપારિક સંકુલોમાં અન્ય ધર્મના લોકો દ્વારા સ્થાવર મિલકત ખરીદવામાં આવી રહી હોવાની અનેક રજૂઆતો જિલ્લા કલેકટર મારફતે રાજ્યની સરકારને કરવામાં આવી હતી. ત્યારબાદ આ ચોક્કસ વિસ્તારમાં અશાંતધારાની અમલવારી થાય તે માટેની રજૂઆત પણ થઈ હતી. હિન્દુ સંગઠનો દ્વારા પણ આ મામલાને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સનાતન ધર્મના અગ્રણીઓ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પણ આ મામલે મોટી રેલી કરીને કલેક્ટરને અશાંત ધારાની અમલવારી થાય તે માટેની માંગ કરી હતી. જે બાદ જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શહેરના ખામધ્રોળ અને જોશીપરના વિસ્તારમાં 17 ફેબ્રુઆરી 2031 સુધી અશાંત ધારો અમલી બનાવ્યો છે.

જુનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો:

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખામધ્રોળ અને જોષીપરા વિસ્તારના કેટલાક રહેણાંક સોસાયટીઓમાં 18મી ફેબ્રુઆરી 2026 થી લઈને 17મી ફેબ્રુઆરી 2031 એમ પાંચ વર્ષના સમયગાળા માટે અશાંત ધારાની અમલવારી શરૂ કરી છે. હવે પછી અશાંત ધારા અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈપણ મિલકતની ખરીદી કે તેનું વેચાણ કરતા પૂર્વે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી પડશે. અન્યથા કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ખરીદ કે વેચાણમાં સામેલ જોવા મળશે તો તેવી તમામ ખરીદી અને વેચાણ થયેલા દસ્તાવેજો અમાન્ય ઠરશે. આ પ્રકારનું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે

કેટલા વિસ્તારોમાં અમલવારી

મંગળવારથી અમલમાં આવે તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખામધ્રોળ અને જોષીપરા વિસ્તારની હેમવન, રાજમોતી, પ્રેરણા ધામ, કલાપી નગર, પૂનમ પાર્ક, ક્રિષ્ના પાર્ક, ગોકુલધામ, નંદનવન અને આદિત્ય નગર સહિત 20 જેટલી રહેણાંક સોસાયટીઓમાં 17મી ફેબ્રુઆરી 2031 સુધી અમલમાં રહે તે રીતે અશાંત ધારો લાગુ કર્યો છે. હવેથી આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ મિલકતની ખરીદી કે તેનું વેચાણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વગર કરી શકશે નહીં.

હિન્દુ આગેવાનોએ કરી હતી રજૂઆત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે અશાંતધારાની અમલવારનું જાહેરનામું બહાર પાડ્યું છે તે આવકારદાયી છે. પરંતુ અમારી માંગણી આ બે વિસ્તાર સિવાય જૂનાગઢના અન્ય વિસ્તારો માટે પણ હતી. જે રીતે બે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે તેવી જ રીતે જૂનાગઢના અન્ય વિસ્તારોમાં પણ સરકાર આ જ પ્રકારે અશાંત ધારો લાગુ કરશે તેઓ આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:

Last Updated : February 20, 2026 at 7:37 AM IST