ETV Bharat / state

ઉના: મોટા ડેસરમાં સગાઇમાં DJ વગાડવા જેવી સામાન્ય બાબતે વિવાદ, 11 લોકો સામે નોંધાઇ ફરિયાદ

ઉનાના મોટા ડેસરમાં સગાઇ પ્રસંગમાં DJ વગાડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થતા વિવાદ થયો હતો.

મોટા ડેસરમાં સગાઇમાં DJ વગાડવા જેવી સામાન્ય બાબતે વિવાદ
મોટા ડેસરમાં સગાઇમાં DJ વગાડવા જેવી સામાન્ય બાબતે વિવાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 1, 2026 at 10:25 AM IST

2 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ઉનાના મોટા ડેસર ગામમાં સગાઇ પ્રસંગ દરમિયાન ડીજે (DJ) વગાડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં બન્ને પક્ષો વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે લોહિયાળ હુમલો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બન્ને તરફથી સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મોટા ડેસરમાં સગાઇ પ્રસંગે બબાલ

ઉનાના મોટા ડેસર ગામમાં સગાઇ પ્રસંગે ડીજેમાં થયેલી સામાન્ય બોલાચાલી બાદ વિવાદ થયો હતો. આ ઘટનામાં બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદ મુજબ, હાર્દિક મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે સગાઇના ડીજે દરમિયાન આશિષ બાંભણિયા સાથે થયેલી બોલાચાલીના મનદુ:ખને લઇને ભરત ભાલીયા, દીપક પરમાર, આદિત્યભાઇ બાકીયા, આશિષ બાંભણિયા, જયરાજ પરમાર અને સંદીપભાઇએ લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્દિકભાઇના માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જ્યારે તેમના મિત્ર અક્ષય પામકના ડાબા હાથના અંગુઠા પાસે છરીનો ઘા લાગ્યો હતો.

બીજી તરફ દીપકભાઈ કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જયરાજભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ હાર્દિકભાઈ મકવાણા, પરેશ ભીમાભાઈ પામક, રવિભાઈ વિજાભાઈ પામક, અક્ષયભાઈ કાનાભાઈ પામક અને સાગરભાઈ બાંભણિયાએ લાકડીઓ અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપકભાઈના માથામાં છરી વાગી હતી, જ્યારે જયરાજભાઈ અને હાર્દિકભાઈ રામભાઈ પરમારને પણ ઇજાઓ પહોંચી હતી.

બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ કેટલાકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી નાના વિવાદો પણ જીવલેણ હુમલામાં ફેરવાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર ઘટનામાં પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ ઉના પોલીસે બંને ફરિયાદોના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુના નોંધી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, ઘટનાના સીસીટીવી, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: