રાજ્યમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડૂબી જવાની ઘટનાઓમાં 30થી વધુ મોત
ધુળેટીનો તહેવાર દરિમયાન મહીસાગર, સુરત, અમદાવાદ, અરવલ્લી અને અમરેલી જિલ્લામાં ડૂબી જવાથી 30થી વધુ લોકોના મોત થયા છે.

Published : March 4, 2026 at 6:37 PM IST
|Updated : March 5, 2026 at 12:47 PM IST
અમદાવાદ: રાજ્યમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. ધુળેટીના તહેવાર દરમિયાન નદી, કેનાલ અને તળાવમાં ડૂબી જવાથી યુવકો અને બાળકોના મોત થયા છે, જેમાં સુરત જિલ્લાની 2 અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7, અમદાવાદ શહેર અને જિલ્લાની 2 અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7, મહીસાગર જિલ્લામાં 4, નર્મદા જિલ્લામાં 3, મહેસાણા જિલ્લાની 2 અલગ-અલગ ઘટનાઓમાં કુલ 3, અરવલ્લી જિલ્લાની 2 અલગ-અલગ ઘટનાઓમાં કુલ 4, અમરેલી જિલ્લામાં 1, દ્વારકા જિલ્લામાં 1 મોત સાથે કુલ 32 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પરંતુ સત્તાવાર 30 લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત આ મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે, જો કે, કેટલાંક કિસ્સામાં પાણી ડૂબી જવાની ઘટનામાં સત્તાવાર મૃતદેહો મળ્યા ન હોવાનું પણ જણાઈ રહ્યું છે.
સુરત: માંગરોળ પાનસરાની કીમ નદીમાં નહાવા પડેલા 3 યુવાનોના મોત
સુરત જિલ્લામાં ધુળેટીના પર્વની ઉજવણી વચ્ચે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક વહેતી કીમ નદીમાં નહાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. પાનસરા ગામ નજીક આવેલી એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી જ ઉત્સાહપૂર્વક ધુળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ, શરીર સાફ કરવા અને નહાવા માટે આ યુવાનો નજીકમાં આવેલી કીમ નદીએ ગયા હતા. નદીમાં નહાતી વખતે ત્રણ યુવાનો એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતિય અને એક ગુજરાતી યુવાનનો સમાવેશ થાય છે.
સુરત: ઈસરોલી ગામે મીંઢોળા નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી મોત
સુરત જિલ્લામાં ધુળેટીના પર્વે કરુણાંતિકા સર્જાઈ છે. ઈસરોલી ગામે મીંઢોળા નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. બારડોલીના ઈસરોલી ગામ નજીક પસાર થતી મીંઢોળા નદીના પટમાં ધુળેટીની ઉજવણી બાદ ન્હાવા પડેલા છ મિત્રો પૈકી ચાર યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
અમદાવાદ: રિવરફ્રન્ટમાં 4 યુવકો ડૂબી જતા મોત
અમદાવાદ શહેરમાં ધુળેટીના તહેવારની ઉજવણી દરમિયાન કુબેરનગર વિસ્તારના 4 યુવકો કોતરપુર નંદીગ્રામ તરફના રિવરફ્રન્ટમાં નહાવા પડ્યા હતા. જેમાં ડૂબી જતા 3 યુવકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જયારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદાનીના મોત થયા છે.
અમદાવાદ: સીતાપુર ગામના 3 બાળકો ઝોલાસર તળાવમાં ડૂબી જતા મોત
અમદાવાદ જિલ્લાના માંડલ સ્થિત સીતાપુર ગામના ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢયા હતા. દુઃખદ ઘટનાને પગલે પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહીસાગર: એક જ ગામના 4 યુવાનોના મોત
મહીસાગર જિલ્લામાં ઘૂળેટીનો તહેવાર કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે. કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામના તળાવમાં ધૂળેટી રમીને નહાવા પડેલા 4 યુવાનોના એકસાથે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક જ ગામના 4 આશાસ્પદ યુવાનોની અર્થી એકસાથે ઉઠતા આખા પંથકમાં ભારે અરેરાટી અને ગમગીની છવાઈ ગઈ છે.
નર્મદા: સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં 3 યુવાનોના મોત
નર્મદા જિલ્લાના સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. એક યુવકને બચાવવા જતા અન્ય બે યુવકો પણ પાણીમાં ગરકાવ થતા ત્રણેના મોત થયા હતા. કારવણમાં ત્રણ લોકો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરે કરવા આવ્યા હતા. ગરમીને કારણે નર્મદા નદીમાં ન્હાવા ગયા અને ડૂબી ગયા હતા.
મહેસાણા: કેનાલમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત
મહેસાણા જિલ્લાના મોટીદાઉ અને કડીમાં કેનાલમાં નહાવા પડેલા યુવકો કાળનો કોળિયો બન્યા હતો. મોટીદાઉ પાસે સુજલામ સુફલામ કેનાલમાં ભાંન્ડુના 2 યુવકો ડૂબ્યા હતા. 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજય ઠાકોરનું ડૂબી જવાથી મોત થયું છે. મહેસાણા ફાયર વિભાગે બંનેના મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
મહેસાણા: કડીમાં થોળ રોડ પર માઇનોર કેનાલમાં 1 યુવકનું મોત
કડી પંથકમાં પણ આવી જ એક ગોઝારી ઘટના સામે આવી છે. કડીના થોળ રોડ ઉપર આવેલા સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલને અડીને આવેલી માઇનોર કેનાલમાં એક યુવક ડૂબી ગયો હતો. મળતી માહિતી મુજબ, આ યુવક ધુળેટી રમીને રંગેલો હોવાથી કેનાલમાં નહાવા માટે પડ્યો હતો. જોકે, પાણીના પ્રવાહ અને ઊંડાણનો તાગ ન મળતા તે અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવક ડૂબ્યો હોવાની બૂમરાણ મચતા કેનાલની આજુબાજુ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કેનાલમાં કૂદીને ભારે જહેમત ઉઠાવી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
અરવલ્લી: જાલમપુર નજીક માઝુમ નદીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત
અરવલ્લીમાં બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. ધનસુરા તાલુકાના બે યુવાનો જાલમપુર નજીક માઝુમ નદીમાં નાહવા ગયા હતા. ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ના બે યુવાનો ખાંટ આનંદભાઈ લાલાભાઈ (રહે. ગુલાબપુરા) અને ડાભી રણજીતસિંહ જયંતિસિંહ (રહે. બુટાલ) ના મોત નિપજ્યા છે. સ્થાનિક લોકો દ્વારા મૃતદેહને બાર કાઢવામાં આવ્યા હતા.
અરવલ્લી: માલપુરમાં 2 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત
અરવલ્લીના માલપુરમાં નવામાં બે માસૂમ બાળકો ડૂબી જવાથી મોત થયું. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા છે. મૂળ નવા જાંબુ ફળીના બંન્ને તરૂણો ધોરણ 5અને 6 માં અભ્યાસ કરતા હતા. રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે બાળકોના મોતની ઘટનાની જાણ થતા જ આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું. મોડાસા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા હતા. તહેવારના દિવસે જ વ્હાલસોયા સંતાનો ગુમાવતા અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દ્વારકા: તળાવમાં ન્હાવા પડેલ 1 યુવક ડૂબી જતા મોત
દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. ધુળેટીના રંગોથી રમ્યા બાદ તળાવમાં ન્હાવા પડેલ યુવક ડૂબી જતા મોત નીપજ્યું છે. ધુળેટીના રંગોથી રમ્યા બાદ મયંક મુનાભાઈ કરમુર નામનો યુવક તળાવમાં ન્હાવા ગયો હતો. દરમિયાન ઉંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજયું હતું. તહેવાર દિવસે દિકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમરેલી: શેત્રુંજી નદીમાં 1 યુવક ડૂબી જતા મોત
અમરેલીના ખંભાળિયાથી વિઠ્ઠલપુર નજીક આવેલ શેત્રુજી નદીમાં એક યુવક ડૂબી ગયો હતો. ધૂળેટીનો તહેવાર હોઈ શેત્રુજી નદીમાં નાહવા જતા યુવક ડૂબી ગયો હતો. અમરેલી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને બહાર કાઢી હતી. મૃતક યુવક અમરેલીના બહારપરા વિસ્તારનો છે. મૃતકનું નામ સમીર મહેશભાઈ સોલંકી (ઉંમર - 20) છે.
રાજકોટ: બેલા ગામમાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત
જામકંડોરણા પંથકના બેલા ગામમાં તહેવારના દિવસે જ સર્જાઈ મોટી કરુણાંતિકા, રંગોત્સવ મનાવ્યા બાદ બેલા ગામની સ્થાનિક નદીમાં ન્હાવા પડેલા બે માસૂમ સગીરોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયાં છે. મહાવિરસિંહ લાલુભા જાદવ (ઉંમર 13 વર્ષ) અને આયુષ મુરજીભાઈ શિયાળ (ઉંમર 13 વર્ષ) નામના બંને તરુણોના મોતથી બંને પરિવારોમાં ભારે આક્રંદ છવાયો છે. બંને સગીરોને ડૂબતા બહાર કાઢીને સવારે તાત્કાલિક ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, હજી પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ આધિકારીક રીતે જોઈએ તો 32 લોકોના ડૂબવાથી મૃત્યું થયા હોવાનું જણાઈ છે.
આ પણ વાંચો:

