ધોળીધજા ડેમના તળિયા દેખાયા: નર્મદા કેનાલમાં રીપેરિંગા પગલે સુરેન્દ્રનગર-સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઇને કેનાલો બંધ કરી દેવામાં આવી છે.

Published : May 22, 2026 at 11:00 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારું ગણવામાં આવે છે. સૌની યોજના અંતર્ગત આ ડેમમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં તથા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અને આ પાંચ જિલ્લાઓના ગામડાઓમાં પાઇપલાઇનનું નેટવર્ક ફેલાવી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ હાલના તબક્કામાં ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઇને કેનાલો બંધ કરી દેવામાં આવી છે તેની અસર હવે જોવા મળી રહી છે. જેના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.
30 મે સુધી રીપેરીંગ કામ ચાલવાનું હોવાના કારણે ઢાકી પંપિંગ સ્ટેશનથી ડેમમાં પાણી ઠાલવતી કેનાલ જ બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને ડેમના પણ તળિયા દેખાવા લાગ્યા છે અને સૌરાષ્ટ્ર ભરમાં સપ્લાય કરવામાં આવતા પીવાના પાણી ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં હાલ 60% પાણીની સપાટી બચેલી છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ પીવાનું પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં જોરાવર નગર, રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં પણ આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં પાંચ દિવસે પાણી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં જે સમયે નર્મદાની કેનાલ મારફતે પાણી ઠાલવવામાં આવતું હતું, તે સમયે ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું અને હવે તેમાં કાપ મૂકી અને પાંચ દિવસે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને લઇને શહેરીજનોને પણ પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલના તબક્કામાં ધોળી ધજા ડેમ માત્ર 60% પાણીની સપાટીએથી ભરેલો છે. ત્યારે તેની અસર સૌરાષ્ટ્ર ભરમાં દેખાઈ રહી છે અને મોરબી કેનાલ માળીયા બ્રાન્ચની કેનાલ, વલ્લભીપુર બ્રાન્ચની કેનાલ બંધ કરી નાખવામાં આવી છે. જેને લઈને ખેડૂતો પણ સિંચાઈ માટે પાણી લઈ શકતા નથી. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં ભળેલા પાંચ ગામો અત્યાર સુધી નર્મદાની કેનાલમાંથી પાણી લેતા હતા. પરંતુ કેનાલ જ બંધ કરી દેવામાં આવી હોવાના કારણે પાંચ ગામોમાં છેલ્લા 30 દિવસથી પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરી શકી નથી. કારણ કે ત્યાં પાણીનું નેટવર્ક જ નથી અને પાણી પહોંચાડવાની પાઇપલાઇનની પણ હાલ કોઈ સુવિધા ન હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પાણીનું નેટવર્ક ઓછું કર્યા બાદ આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે.
છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી, બોરના પાણીથી રોગચાળો પણ ફાટી નીકળ્યો: મુકેશ સોની
સુરેન્દ્રનગર મહાનગર બન્યું ત્યારે ખેરાડી ગામને પણ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું. આ ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કોઈ પણ પ્રકારનું નેટવર્ક નથી અને નર્મદાની કેનાલમાંથી આ ગામના લોકો પાણી મેળવી રહ્યા છે. ત્યારે હાલમાં કેનાલ બંધ કરવામાં આવતા આ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.
ખેરાળી ગામના રહીશ મુકેશભાઈ સોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 30 દિવસથી બોરનું પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ જેને લઈને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે મહાનગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ છતાં પણ પીવાનું પાણી મળતું નથી. અગામી દિવસોમાં તાત્કાલિક પીવાના પાણીના ટેન્કરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ છે. ખેરાળીમાં 250થી વધુ ઘર આવેલા છે ત્યારે નિયમીત પાણી મળે તેવી માંગ છે.
નવી પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ તમામ ગામોને નિયમિત પાણી મળશે - એન્જીનિયર
આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયર કલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલા નવા ગામમાં પાણીની પાઇપલાઇનનું નેટવર્ક લંબાવવામાં આવશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને પાંચ ગામોમાં 60 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે. જેને લઈને નર્મદાની કેનાલ ઉપર હવે આધાર રાખવો પડશે નહીં. ચાલુ વર્ષે તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, પરંતુ આવતા વર્ષોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી છે.
આ પણ વાંચો:
- 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર મહિલાઓ! વલસાડમાં ભરઉનાળે તરસ છિપાવવા જીવ સટોસટનો ખેલ
- પ્રી મોન્સૂન કામગીરી માટે ભાવનગર મનપાએ 70 લાખ ખર્ચ્યા, આ વિસ્તારમાં પાણી નહીં ભરાવવાનો કર્યો દાવો
- સુરતના અરેઠ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા નહેરના પાણીની ચોરીનો મોટો મામલો સામે આવ્યો
- ગ્રાઉન્ડ રિપોર્ટ: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર, સ્થાનિકોમાં ભારે રોષ

