ETV Bharat / state

આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ માટે ભોગમાં શું હશે?

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે. ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.

આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે
આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 3:29 PM IST

|

Updated : December 15, 2025 at 5:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

ખેડા: આજથી ધનુર્માસનો પ્રારંભ થયો છે, જે સાથે જ ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના સમયમાં ફેરફાર થયો છે. ધનુર્માસ દરમ્યાન તા.15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી સવારે 6:15 વાગે મંગળા આરતી થશે અને સાંજે 7:00 વાગે ભગવાન રણછોડરાયજી પોઢી જશે. આ માસ દરમ્યાન આ મુજબ નિત્યક્રમ રહેશે.અન્ય સમય રાબેતા મુજબ રહેશે.

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે. ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.

આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે (ETV Bharat Gujarat)

ધનુર્માસમાં રાજાધિરાજ રોજ આરોગે છે ખિચડી

આ ખીચડીને ધનુર્માસની ખીચડી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ 15 ડિસેમ્બરથી લઈ 14 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં હોઈ આ માસને ધનુર્માસ કહેવાય છે. ધનુર્માસ દરમ્યાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય પણ બદલી સવારે 6.15 કરવામાં આવે છે અને 8 વાગ્યાના અરસામાં ખીચડી ધરાવવામાં આવે છે. વર્ષમાં આ એક જ મહિનો એવો છે જેમાં ભગવાન ખીચડી આરોગતા હોય છે. ત્યારે ભાવિકો પણ હોંશે હોંશે આ સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીરૂપે આરોગે છે. એવુ માનવામાં આવે છે કે આ પ્રસાદ લેવાથી સૂર્યનું બળ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સિદ્ધિ મળે છે.

કેવી રીતે બને છે ધનુર્માસની ખીચડી?

આ ખીચડી કાજુ,બદામ,પિસ્તા,દ્રાક્ષ,ખારેક જેવા સૂકામેવા તેમજ ગરમ મસાલાથી ભરપૂર હોય છે.ખીચડી તુવેરની દાળ અને જેટલા ચોખા એટલા જ ધી માં બનાવવામાં આવે છે. ખીચડીની સાથે ભરેલા રવૈયા ( રીંગણ )નું શાક અને કઢી ધરાવવામાં આવે છે. રાજાધિરાજને સૂકામેવા અને મસાલાથી ભરપૂર ખીચડી ધરાવાય છે.ભગવાનને ખીચડીનો ભોગ આરોગાવી ઠંડી સામે રક્ષણ મેળવવાનો ભાવ કરાય છે.

દિવસ દરમિયાન રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીને બાલભોગ, શણગાર ભોગ, ગ્વાલભોગ રાજભોગ, શયન ભોગ, સુખડી ભોગ જેવા વિવિધ ભોગ ધરાવાય છે. તેમજ ઋતુકાળ મુજબના વિશેષ ભોગ પણ ધરાવાય છે.

યાત્રાધામ ડાકોર ખાતે બનતી આ ખીચડીનું સ્વાદ રસિકોમાં અનેરું મહત્વ રહેલું છે અને તે દેશભરમાં વખણાય છે. ધનુર્માસ દરમ્યાન રાજાધિરાજના દર્શને આવતા લાખો ભાવિકો પ્રસાદરૂપે આ ખિચડી ભાવથી આરોગે છે.

મંદિરમાં ધનુર્માસના ભોગનું વિશેષ મહત્વ: પૂજારી

આ બાબતે મંદિરના પૂજારી સંજયભાઈ સેવકે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એક માસ મંદિરમાં ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. માગશર વદ એકાદશી આજથી ધનુર્માસ પ્રારંભ થયો છે. મંદીરમાં નિત્ય આઠ ભોગ લાગે છે પણ આજના દિવસે વિશેષ આજથી એક નવો ભોગ શરૂ થાય છે.જેને ધનુર્માસ કહેવામાં આવે છે. ભગવાનને પ્રાત:કાલ મંગળા આરતી બાદ ભગવાનને ધનુર્માસનો ખીચડો ધરાવવામાં આવે છે. જે ડાકોર મંદિરનો બહુ જ પ્રચલિત છે અને એનો પ્રસાદ વિશેષ હોય છે. તે ડ્રાયફ્રૂટ, તેજાના, મરી મસાલાથી ભરપૂર ધનુર્માસનો ખીચડો ભગવાનને ખીચડી, કઢી અને રવૈયા સાથે ધરાવાય છે.

શાસ્ત્ર મુજબ એવું કહેવાયું છે કે, ભગવાનને જ્યારે ધનનો સૂર્ય થાય તો ભગવાનને ધાન ધરાવવું જોઈએ અને આ માસમાં ભગવાનને ધાન ધરાવાય છે. જ્યારે મકરનો સૂર્ય થાય ત્યારે મકરસંક્રાંતિએ ત્યારે દાન કરવામાં આવે છે. ભક્તો ડાકોર મંદિરમાં આ પવિત્ર માસમાં વિષ્ણુ ભગવાનની રાજાધિરાજ રણછોડરાયના નામે ભક્તિ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ વિશેષ ભોગ ધરાવીને આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો:

Last Updated : December 15, 2025 at 5:30 PM IST