હોળી પછીના બીજા દિવસે રા' બનવાની વિશેષ પરંપરા, ધંધુસરમાં મહેર સમાજની અનોખી આસ્થા
હોળી પછીના બીજા દિવસે, જે ઘરમાં વર્ષ દરમિયાન નવજાત બાળકનો જન્મ થયો હોય તે ઘરના પુરુષ સભ્યો ‘રા’ બનીને ગદર્ભ પર બેસીને સવારી કાઢે છે.

Published : March 3, 2026 at 5:43 PM IST
|Updated : March 3, 2026 at 8:47 PM IST
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલા ધંધુસર ગામમાં એક અનોખી અને સદીઓ જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળી પછીના બીજા દિવસે, જે ઘરમાં વર્ષ દરમિયાન નવજાત બાળકનો જન્મ થયો હોય તે ઘરના પુરુષ સભ્યની ‘રા’ બનીને ગદર્ભ (ગધેડા) પર બેસાડીને સવારી કાઢવામાં આવે છે. આ પરંપરા માત્ર આ ગામમાં જ જોવા મળે છે અને તે મહેર સમાજ સાથે ખાસ જોડાયેલી છે.
આ રા સવારી ઘરના આંગણેથી શરૂ થાય છે. પુરુષને રા બનાવવા માટે શરીર પર અલગ રંગથી નિશાની કરવામાં આવે છે અને વિશેષ વેશભૂષા પહેરાવવામાં આવે છે. તે ગદર્ભ પર બેસીને ગામના ચોરા પાસે આવેલા રામજી મંદિર સુધી જાય છે. રસ્તામાં ગામની મહિલાઓ રા બનેલા વ્યક્તિનું સ્વાગત કરે છે, તેના પોખણા કરે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. મહિલાઓ તેને તેની ઇચ્છા મુજબ ભેટ પણ આપે છે. આ બધી ભેટો ગામના વિકાસ અને સારા કાર્યો માટે વાપરવામાં આવે છે.
રા બનેલા વ્યક્તિઓ રામજી મંદિર પહોંચ્યા પછી ગદર્ભને છોડી દે છે અને પગપાળા આખા ગામમાં ફરે છે. આ દરમિયાન ગામની દરેક મહિલા તેમનું સ્વાગત કરે છે, પોખણા કરે છે અને આશીર્વાદ આપે છે. આ પરંપરા આદિ અનાદિ કાળથી ચાલી આવે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહી છે.
આજે આ પરંપરામાં ભાગ લેનાર વિશાભાઈ મુળાશીયાએ જણાવ્યું કે, “જે ઘરમાં નવજાત બાળકનો જન્મ થયો હોય તે ઘરના પુરુષ રા બનીને ગદર્ભ પર સવારી કરે છે. આખા ગામમાં તેમનું સ્વાગત થાય છે અને લોકો ખુશી વ્યક્ત કરે છે.”

બીજા રા બનેલા ભગત ભાઈએ કહ્યું કે, “આ પરંપરા માત્ર ધંધુસર ગામમાં જ છે અને તે હોળી પછીના બીજા દિવસે જ થાય છે. આપણે આને ગર્વથી નિભાવીએ છીએ.”
બચુભાઈ સિંધલે પણ જણાવ્યું કે, “સદીઓથી આ પરંપરા જળવાઈ છે. આખું ગામ એકજૂટ થઈને તેને ઉજવે છે.”

આ પરંપરા માત્ર ઉત્સવ નથી, પણ ગામની એકતા, ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યાં નવજાત બાળકના જન્મની ખુશી આખા ગામમાં વહેંચાય છે. મહિલાઓના આશીર્વાદ અને ભેટથી નવા જીવનને સારું ભવિષ્ય મળે તેવી શુભેચ્છા વ્યક્ત થાય છે. આજે પણ આ અનોખી રા પરંપરા ધંધુસર ગામને અલગ ઓળખ આપે છે અને લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આ પરંપરા જોવા માટે આજુબાજુના પંથકના લોકો પણ આવે છે.
આ પણ વાંચો:

