ચોમાસું વિલંબમાં છતાં જૂનાગઢમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં, બે મહિના સુધી પૂરતો સંગ્રહ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ એકાંતરે 45 મિનિટ સુધી શહેરના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડે છે.

Published : June 29, 2026 at 3:34 PM IST
જૂનાગઢ: ચોમાસું આ વર્ષે લગભગ એક મહિના જેટલું વિલંબમાં ચાલી રહ્યું છે. ખેડૂતો અને નાગરિકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદાજિત ચાર લાખની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવા માટે નગરપાલિકા તંત્રે વ્યવસ્થિત આયોજન કર્યું છે.
આણંદપુર, હસનાપુર અને ઉપરકોટમાં આવેલા પીવાના પાણીના તળાવોમાં હાલ પૂરતું પાણી સંગ્રહાયેલું છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે આગામી બે મહિના સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે પાણી કાપ વગર નિયમિત પાણીનું વિતરણ કરવા માટે મ્યુનિસિપલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
એકાંતરે 45 મિનિટ પાણી વિતરણ ચાલુ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ એકાંતરે 45 મિનિટ સુધી શહેરના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડે છે. નવાબી કાળના ઉપરકોટ તળાવો, હસનાપુર અને આણંદપુર ડેમમાંથી પાણી લેવામાં આવે છે.

હસનાપુર ડેમ હાલ 50% આસપાસ ભરેલો છે, જ્યારે આણંદપુર ડેમ 70 થી 80% સુધી ભરેલો છે. આ સ્થિતિને કારણે આગામી બે મહિના સુધી પીવાના પાણીની કોઈ અછત ઊભી નહીં થાય તેમ અધિક્ષક ઇજનેર અલ્પેશ ચાવડાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સ્થાનિક મહિલાઓનો અભિપ્રાય
જૂનાગઢની કેટલીક મહિલાઓએ પણ ETV ભારત સાથે વાત કરી હતી. વોર્ડ નં. 9માં રહેતા અનિલાબેન બથિયાએ કહ્યું, “હાલ તો પાણીની કોઈ તંગી નથી. એકાંતરે પાણી આવે છે અને જરૂરિયાત પૂરી થાય છે. પરંતુ વરસાદ હજુ ઘણા દિવસો સુધી ન પડે તો સમસ્યા ઊભી થઈ શકે છે. 15 દિવસ પછી શું થશે તે કહેવું મુશ્કેલ છે.”

અન્ય મહિલા ચંદ્રિકાબેને જણાવ્યું, “હાલ પાણીની કોઈ સમસ્યા નથી, પરંતુ ચોમાસું હજુ આવ્યું નથી તેથી વરસાદની ચિંતા છે. 30 થી 40 મિનિટ સુધી પાણી આવે છે જે હાલની જરૂરિયાત પૂરી કરે છે. જો વરસાદ વધુ વિલંબે તો ચિંતાનો વિષય બની શકે છે.”
આ પણ વાંચો:

