ETV Bharat / state

ગુજરાતમાં AI અને ડીપફેક સામે કડક કાયદાની માંગ, હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો

ચીન જેવા દેશોએ AI અને ડીપફેકના દુરુપયોગ સામે કડક કાયદા અમલમાં મૂક્યા છે ગુજરાતમાં પણ કાયદો બનાવવા માંગ

ગુજરાતમાં AI અને ડીપફેક સામે કડક કાયદાની માંગ,
ગુજરાતમાં AI અને ડીપફેક સામે કડક કાયદાની માંગ, (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 11:44 AM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: AI જનરેટેડ ફોટા અને ડીપફેક વીડિયો દ્વારા બંધારણીય હોદ્દેદારો સહિત વ્યક્તિઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અમદાવાદના અરજદાર વિકાસ વી. નાયરે એડવોકેટ અમિત પંચાલ મારફતે અરજી કરી છે, જેમાં AI અને ડીપફેક ટેક્નોલોજીના વધતા દુરુપયોગ સામે નિયમનાત્મક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી કે મોટા પાયે AI જનરેટેડ અને ડીપફેક વીડિયો તથા ફોટા બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોના વિશ્વાસ પર અસર પડે છે. અરજદારે દલીલ કરી કે IT એક્ટ અંતર્ગત રાજ્ય સરકાર સત્તાવાર ગેઝેટ અને નોટિફિકેશન દ્વારા નિયમો બનાવી શકે છે.

રાજ્ય તરફથી હાજર એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, AI જનરેટેડ ખોટા વીડિયોને દૂર કરવા માટે સત્તાવાળાઓએ પહેલા પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવી પડે છે. જો ખોટી ઓળખ (ફેક ID) દ્વારા કન્ટેન્ટ અપલોડ કરવામાં આવ્યું હોય તો તેને ઓળખવું મુશ્કેલ બને છે. IT એક્ટની કલમ 69A જાહેર ઍક્સેસ બ્લોક કરવા માટે સત્તા આપે છે, ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને જાહેર શાંતિ જેવા મુદ્દાઓ પર.

કોર્ટ સમક્ષ એ પણ રજૂઆત થઈ કે ચીન જેવા દેશોએ AI અને ડીપફેકના દુરુપયોગ સામે કડક કાયદા અમલમાં મૂક્યા છે. પ્લેટફોર્મ પ્રોવાઇડર સામે ફરિયાદ કરવામાં આવે તો ઘણી વખત તેઓ સમયસર જવાબ આપતા નથી. કોર્ટએ નોંધ્યું કે વિવાદાસ્પદ પોસ્ટને વધુ લાઈક્સ મળતા હોવાથી તેને પ્લેટફોર્મ પરથી હટાવવામાં વિલંબ થતો હોય છે.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે નકલી ફોટા અને વીડિયો દ્વારા વ્યક્તિને ખરાબ રીતે રજૂ કરવામાં આવે છે, બાળકો અને માનવતા વિરુદ્ધ કન્ટેન્ટ પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થાય છે, ઓળખ ચોરી અને ગોપનીયતાનો ભંગ થાય છે. અશ્લીલ અને સેક્સ્યુઅલ કન્ટેન્ટને દૂર કરવા માટે સૂચના આપ્યા પછી પણ પ્લેટફોર્મ 36 કલાકનો સમય લે છે, જે દરમિયાન નુકસાન વધી શકે છે.

અરજદારે કોર્ટ સમક્ષ એક ઉદાહરણ મૂક્યું કે AI દ્વારા બનાવવામાં આવેલ ટ્રાયલ કોર્ટનું નકલી જજમેન્ટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જે હકીકતમાં અસ્તિત્વ જ ધરાવતું નહોતું. કોર્ટએ આ મુદ્દાની ગંભીરતા નોંધતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે અને વધુ સુનાવણી 20 માર્ચે રાખી છે. સરકારના જવાબ બાદ પ્લેટફોર્મ પ્રોવાઇડર્સનો અભિપ્રાય પણ માંગવામાં આવી શકે છે.

આ કેસ હવે એ દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે કે હાલનું કાનૂની માળખું AI અને ડીપફેકના દુરુપયોગને રોકવા માટે પૂરતું છે કે નહીં, અથવા સમયની માંગ પ્રમાણે વધુ કડક અને સ્પષ્ટ નિયમોની જરૂર છે.

આ પણ વાંચો: