30 દેશોનું ડેલિગેશન બન્યું સંસ્કારી નગરીનું મહેમાન, વડોદરાનો વૈભવ અને મહેમાનગતિ માણીને થયા અભિભૂત
વડોદરા શહેરના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને નજીકથી જાણવા માટે 30 દેશોના ડેલિગેશને મુલાકાત લીધી હતી.

Published : October 11, 2026 at 12:56 PM IST
વડોદરાઃ સંસ્કારી નગરી અને ગાયકવાડી શહેર તરીકે ઓળખાતા વડોદરાના વૈભવ અને સંસ્કૃતિને જાણવા માટે વિશ્વના 30 દેશોનું ડેલિગેશન શહેરની મુલાકાતે પહોંચ્યું હતું. મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ, લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરસાગર સહિતનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધા બાદ હવે વિદેશી મહેમાનો વિશ્વવિખ્યાત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રાજવી પરંપરા, ઐતિહાસિક સ્થાપત્યો અને ગરબાની સંસ્કૃતિનો અનુભવ કરીને વિદેશી પ્રતિનિધિઓ વડોદરાની આગવી ઓળખથી પરિચિત થઈ રહ્યા છે.
મુંબઈ ખાતે બ્રાઝિલના કોન્સ્યુલ જનરલ મૌરો કોઉતોએ પણ વડોદરાની મુલાકાત અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરનાં ઐતિહાસિક સ્થાપત્યો, મ્યુઝિયમ, મહેલો અને લોકોની ઉદારતાએ તેમને પ્રભાવિત કર્યા છે. તેમના મતે વડોદરાનો ઐતિહાસિક વારસો અત્યંત રસપ્રદ છે અને જે લોકોએ હજુ સુધી શહેરની મુલાકાત લીધી નથી તેમણે એકવાર અવશ્ય આવવું જોઈએ.
ટ્રાવેલ ક્રિએટર એગ્નેશકા હડાવાએ ગુજરાતના લોકોની મહેમાનગતિ અને વડોદરાના ઐતિહાસિક વારસાની ભારે પ્રશંસા કરી હતી. મહારાણીને મળીને શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કરવામાં આવેલા કાર્યો વિશે જાણવાનો અનુભવ તેમણે પ્રેરણાદાયક ગણાવ્યો હતો. સ્થાનિક લોકો પ્રત્યે સ્નેહ વ્યક્ત કરતાં તેમણે ગુજરાતીમાં ‘કેમ છો વડોદરા’ કહીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મ્યુઝિયમની મુલાકાત બાદ વિદેશી ડેલિગેશનનું સુરસાગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહેમાનો મ્યુઝિયમ જોતા રહ્યા અને પદાધિકારીઓ રાહ જોતા રહ્યા
વડોદરામાં AKIYAM કાર્યક્રમ અંતર્ગત વિદેશી મહેમાનોના સ્વાગત માટે સુરસાગર ખાતે પહોંચેલા પદાધિકારીઓને રાહ જોવાનો વારો આવ્યો હતો. પાલિકા દ્વારા જણાવવામાં આવેલા સમય મુજબ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને વિધાનસભાના મુખ્ય દંડક સહિતના પદાધિકારીઓ સુરસાગર ગેટ નંબર-4 પર હાજર રહ્યા હતા. જોકે, વિદેશી ડેલિગેશન સમયસર ન પહોંચતાં આ પદાધિકારીઓને રાહ જોવાની ફરજ પડી હતી. બાલકૃષ્ણ શુક્લાએ એમ પણ જણાવ્યું કે, નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરવાને બદલે સ્થળની મુલાકાત દરમિયાન લાગેલા વધારાના સમયને કારણે સુરસાગર ખાતે મહેમાનોના આગમનમાં વિલંબ થયો હતો.
રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં આશરે 30 દેશોના ડિપ્લોમેટ્સ અને એમ્બેસેડર્સ મુલાકાતે આવ્યા છે. વિદેશી મહેમાનો વડોદરાના ઐતિહાસિક સ્થાપત્યો અને મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રકારનું આયોજન શહેર અને ગુજરાત માટે ગૌરવની બાબત હોવાનું જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ ઘટનામાં એક તરફ વિદેશી મહેમાનોની મુલાકાત અને શહેરના ઐતિહાસિક વારસાને રજૂ કરવાના આયોજનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે, તો બીજી તરફ સ્વાગત માટેના સમય અને સંકલન અંગે પ્રશ્નો ઊભા થયા છે. પદાધિકારીઓની સ્પષ્ટતા મુજબ, મ્યુઝિયમની મુલાકાતમાં વધુ સમય લાગવો વિલંબનું કારણ બન્યું હતું. સ્થાપી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસે સંકલનમાં કચાશ હોવાનો ઇનકાર કરતાં સ્થળોની મુલાકાત દરમિયાન સમય વધ્યો હોવાનું જણાવ્યું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ-3ના યોગદાનથી લઈને રાજા રવિ વર્માની કલાત્મક કૃતિઓ અને ગુજરાતની મહેમાનગતિ સુધીની મુલાકાત બાદ વિદેશી મહેમાનો વડોદરાની સાંસ્કૃતિક ઓળખને નજીકથી જાણી રહ્યા છે.વડોદરાની ઐતિહાસિક ધરોહરથી પ્રભાવિત થયેલા 30 દેશોના પ્રતિનિધિઓ હવે શહેરના વિશ્વવિખ્યાત ગરબા મહોત્સવનો અનુભવ કરશે. નવરાત્રિના પ્રથમ નોરતે પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગરબા મહોત્સવમાં વિદેશી પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વડોદરાની પરંપરાને આંતરરાષ્ટ્રીય મહેમાનો સમક્ષ રજૂ કરવાની તક બનશે.
આ પણ વાંચોઃ

