ETV Bharat / state

દાંતીવાડા ડેમ હત્યા કેસ: ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યામાં ચાર આરોપીઓની ધરપકડ

કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે.

દાંતીવાડા ડેમ હત્યા કેસ: ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યામાં ચાર આરોપીઓની ધરપકડ
દાંતીવાડા ડેમ હત્યા કેસ: ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યામાં ચાર આરોપીઓની ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 15, 2025 at 9:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: અમીરગઢ પોલીસે દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્ર મકસુદની હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જૂની અદાવતને કારણે મકસુદને બોટ પરથી ધક્કો મારી ઊંડા પાણીમાં ફેંકી દીધો હતો અને બચવાનો પ્રયાસ કરતી વખતે તેને લાતો મારીને ડૂબી જવા દઈ હત્યા કરી હતી. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે.

પાલનપુરના જામપુરા વિસ્તારના મુસ્તુફાભાઈ, જેઓ દાંતીવાડા ડેમમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેમણે ગેરકાયદેસર માછીમારી રોકવાના પ્રયાસો દરમિયાન અગાઉ પણ હુમલાનો સામનો કર્યો હતો, જેની ફરિયાદ પણ નોંધાઈ હતી. ડેમમાં લાંબા સમયથી ગેરકાયદેસર માછીમારી કરતા અસામાજિક તત્ત્વોને કારણે કોન્ટ્રાક્ટર સાથે વારંવાર ઘર્ષણ અને ઝઘડાની ઘટનાઓ બનતી હતી. આ ઘટનામાં પણ મકસુદ ગેરકાયદેસર માછીમારી રોકવા ગયો હતો, ત્યારે ચાર આરોપીઓ, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે, તેમણે મકસુદને બોટ પરથી ધક્કો મારી ઊંડા પાણીમાં ફેંકી દીધો. જ્યારે તે બચવા માટે પાણીની બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેને લાતો મારીને બહાર નીકળવા દીધો નહીં, જેના કારણે તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું.

દાંતીવાડા ડેમ હત્યા કેસ: ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યામાં ચાર આરોપીઓની ધરપકડ (ETV Bharat Gujarat)

મકસુદના પિતા મુસ્તુફાભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં નરેશ ચૌહાણ, યુવરાજ ચૌહાણ (અમીરગઢના કરઝા), કરણ વાઘેલા (દાંતીવાડાના રામનગર) અને એક સગીરની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીઓને અમીરગઢ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડને મંજૂરી આપી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા અગાઉની બબાલ અને જૂની અદાવતને કારણે કરવામાં આવી હતી.

નોંધનીય છે કે દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારીને કારણે કોન્ટ્રાક્ટર અને અસામાજિક તત્ત્વો વચ્ચે વારંવાર ઘર્ષણ થતું રહ્યું છે, જેનો આ દુ:ખદ અંજામ આવ્યો. મુસ્તુફાભાઈએ લાખો રૂપિયા ખર્ચીને ફિશિંગનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો, પરંતુ તેમને ખબર નહોતી કે આ કોન્ટ્રાક્ટની કિંમત તેમના પુત્રના જીવનના બલિદાન સ્વરૂપે ચૂકવવી પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં પણ દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારી ચોરીછૂપી રીતે ચાલુ છે. કોન્ટ્રાક્ટર દ્વારા સતત પેટ્રોલિંગ હોવા છતાં, ગેરકાયદેસર માછીમારી કરનારાઓ નિર્ભયપણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ અને જવાબદાર તંત્રએ કડક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને સમર્થન આપવું જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોઈ તૈયાર નહીં થાય, જેનાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: