ડાંગમાં ભારે વરસાદથી માર્ગો બંધ: તંત્રની ત્વરિત કામગીરીથી તમામ મુખ્ય માર્ગો ફરી ખુલ્લા
વિભાગ દ્વારા કુલ ૧૭ જેટલા જેસીબી મશીનો, ૮ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકોને સતત કામગીરી માટે મેદાને ઉતારવામાં આવ્યા હતા.

Published : July 8, 2026 at 7:22 PM IST
ડાંગ: ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર જોવા મળી હતી. સતત વરસાદના કારણે અનેક સ્થળોએ માટી, પથ્થરો અને કાદવ રસ્તા પર ધસી આવ્યા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટર અને ક્રોસ ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
આવી પરિસ્થિતિમાં સામાન્ય જનજીવનને અસર ન થાય અને માર્ગ વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, આહવા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગની તાત્કાલિક કામગીરીના પરિણામે હાલ જિલ્લામાં તમામ મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી
ડાંગ જિલ્લાના કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કેતન કુકણાની દેખરેખમાં અધિકારીઓ તથા ફિલ્ડ સ્ટાફ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહ્યા હતા. ભારે વરસાદ દરમિયાન રસ્તાઓની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં અવરોધો ઉભા થયા ત્યાં તાત્કાલિક મશીનરી મોકલીને રસ્તા પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ કોઈપણ માર્ગ લાંબા સમય સુધી બંધ ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

૧૭ જેસીબી, ૮ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકો મેદાને ઉતારાયા
પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગ અને મકાન વિભાગે મોટા પાયે માનવબળ અને મશીનરી તૈનાત કરી હતી. વિભાગ દ્વારા કુલ ૧૭ જેટલા જેસીબી મશીનો, ૮ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકોને સતત કામગીરી માટે મેદાને ઉતારવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ ફિલ્ડ સ્ટાફને ૨૪ કલાક એલર્ટ રાખવામાં આવ્યો હતો.

જ્યાં રસ્તાઓ પર માટી, પથ્થરો અને કાદવ ધસી આવ્યા હતા ત્યાં જેસીબી દ્વારા સફાઈ કરવામાં આવી હતી, જ્યારે ધરાશાયી થયેલા વૃક્ષો અને ડાળીઓ દૂર કરીને માર્ગોને વાહનવ્યવહાર માટે સલામત બનાવવામાં આવ્યા હતા. વિભાગની આ કામગીરીને કારણે અનેક ગામોનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.

આહવા-સાપુતારા હાઈવે પર ભેખડ ધસી પડતા માર્ગ બંધ
આજે સવારે ભારે વરસાદ દરમિયાન આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ પર આહવાથી અંદાજે ૫૦૦ મીટરના અંતરે મોટી ભેખડ ધસી પડતાં માર્ગ પર વાહનવ્યવહાર અચાનક બંધ થઈ ગયો હતો. વરસાદના કારણે મોટી માત્રામાં માટી અને પથ્થરો રસ્તા પર આવી જતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેસીબી સહિતની મશીનરીની મદદથી કાટમાળ ઝડપથી દૂર કરવામાં આવ્યો અને થોડા જ સમયમાં માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.
વરસાદ વચ્ચે સતત મોનિટરિંગથી અકસ્માતો ટળ્યા
વિભાગ દ્વારા માત્ર રસ્તા સાફ કરવાની કામગીરી જ નહીં, પરંતુ સતત મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ દરમિયાન ભેખડ ધસી પડવાની શક્યતા ધરાવતા વિસ્તારો, પુલો, કલ્વર્ટ અને ક્રોસ ડ્રેનેજની નિયમિત તપાસ કરવામાં આવી હતી. પાણીના પ્રવાહને અવરોધતા કચરાને દૂર કરવામાં આવ્યો હતો જેથી પાણી સરળતાથી પસાર થઈ શકે. વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ મોટો અકસ્માત કે લાંબા સમય સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ નહોતી.

નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત, રાજ્ય માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની તમામ ટીમો સતત એલર્ટ મોડમાં કાર્યરત છે. વરસાદની આગાહી અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સ્થળોએ અગાઉથી જ મશીનરી અને સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યો છે.
નાગરિકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં ભેખડ ધસી પડવાની શક્યતા હોવાથી વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન હંકારી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તંત્રની સતર્કતાથી તમામ મુખ્ય માર્ગો હાલ કાર્યરત
ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ હોવા છતાં માર્ગ અને મકાન વિભાગની ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરીને કારણે હાલ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર નિયમિત રીતે ચાલુ છે. વિભાગ દ્વારા ૧૭ જેસીબી, ૮ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકોની મદદથી અસરગ્રસ્ત સ્થળોએ તાત્કાલિક કામગીરી હાથ ધરાતા લોકોને મોટી રાહત મળી છે.
ખાસ કરીને આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભેખડ ધસી પડ્યા બાદ પણ ખૂબ જ ઓછા સમયમાં માર્ગ ફરી શરૂ કરી દેવાતા મુસાફરો અને સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૪ કલાક દેખરેખ અને જરૂરી કામગીરી યથાવત્ રાખવામાં આવશે.

