ફાગણી પૂનમે ડાકોરમાં ભાવિકો જનસૈલાબ ઉમટ્યો, નાયબ મુખ્યમંત્રીએ પણ કર્યા રણછોડરાયના દર્શન
ફાગણી પૂનમને લઈને ડાકોર મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી, લાખો ભક્તોએ રણછોડજીના દર્શન કરીને હોળીની ઉજવણી કરી.

Published : March 3, 2026 at 1:57 PM IST
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમ અને ધુળેટીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ઘણા દિવસોથી પગપાળા પદયાત્રા કરીને આવેલા લાખો ભાવિકોએ રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વહેલી સવારે 2 વાગ્યે મંગળા આરતી શરૂ થતાં જ મંદિરના દ્વાર ખુલતાની સાથે હજારોના ટોળા ઉમટી પડ્યા હતા. ભક્તોની ઠાકોરજીની એક ઝલક જોવા માટે મંદિરમાં ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
મંગળા આરતી પછી 4 વાગ્યે શણગાર આરતી થઈ હતી અને ત્યારબાદ ભગવાન રણછોડરાય ફુલડોળમાં બિરાજમાન થઈને સોના-ચાંદીની પિચકારીથી ભક્તો સાથે હોળી રમ્યા હતા. આખું ડાકોર શહેર રણછોડમય બની ગયું હતું અને ચોતરફ “જય રણછોડ”, “માખણચોર”ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
પૂજારી જનક મહારાજે જણાવ્યું કે, અહીં અમલકી એકાદશીથી 5 દિવસનો રંગોત્સવ ચાલે છે. આજે તેની પૂર્ણાહુતિ થઈ. ભક્તો અબીલ-ગુલાલ ઉડાડીને દર્શન કરીને ધન્ય થાય છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફાગણી પુનમ નિમિત્તે ડાકોર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પગપાળા ડાકોર આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે. આ વખતે પદયાત્રીઓ માટે વહીવટી તંત્રે સારી વ્યવસ્થા કરી હતી, જેની તેમણે પ્રશંસા કરી હતી.
પરંપરા મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ પૂજા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી વિધી ચૌધરીએ મંદિરમાં પૂજા કરી અને ધજા ચઢાવીને જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. બંનેએ ફાગણી પુનમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

જણાવી દઈએ કે, ચંદ્રગ્રહણને લીધે બપોરે 2 વાગ્યાથી મંદિરના દ્વાર બંધ રહેશે. 5 દિવસ સુધી ચાલેલા આ રંગોત્સવમાં ભગવાને નવ રંગોથી ભક્તો સાથે હોળી રમીને આનંદ વહેંચ્યો હતો. ડાકોરની આ ભવ્ય ઉજવણીએ આખા વિસ્તારને ભક્તિ અને ઉત્સાહથી ભરી દીધો હતો.
આ પણ વાંચો:

