દાહોદમાં આદિવાસી ભીલ સમાજની હોળી પર્વની અનોખી ઉજવણી, અસ્થિની થાય છે પૂજા-અર્ચના
દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી, અસ્થિની થાય છે પૂજા અર્ચના

Published : February 27, 2026 at 9:36 PM IST
દાહોદ : હોળી ધૂળેટીનો પર્વ એટ્લે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે મહત્ત્વનો ગણાતો 'પર્વ', આ પર્વ આદિવાસી સમાજ અલગ અલગ રીત રિવાજ અને પરંપરાઓ સાથે ઉજવે છે. તેવી જ એક પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી ભીલ સમાજના લોકો વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના અસ્થિ સાચવી રાખે છે અને હોળી પહેલા આવતી અગિયારસના દિવસે ગરબાડા તાલુકાના રામડૂંગરા ખાતે આવેલા ભીમકુંડમાં મોક્ષપ્રાપ્તિના આશય સાથે અસ્થિ વિસર્જન કરે છે.
દાહોદ જિલ્લાના કેટલાક ગામ તેમજ મધ્યપ્રદેશના આદિવાસી ભીલ સમાજના લોકો વર્ષ દરમિયાન કોઈનું મરણ થાય છે. ત્યારે સ્ત્રીના અસ્થિને લાલ કલરના કપડામાં અને પુરુષના અસ્થિ સફેદ કલરના કપડામાં બાંધી ઘરઆંગણે ખાડો ખોદીને દાટી દેવામાં આવે છે અને હોળી પહેલા આવતી અગિયારસને 'આમળી અગિયારસ' તરીકે ઓળખવામાં આવે છે, તેની પૂર્વ રાત્રિએ સગા સબંધીઓ એકત્ર થાય છે.
અસ્થિને બહાર કાઢી દૂધ, પાણી તથા હળદરથી તેનો અભિષેક કરી ધોવામાં આવે છે અને પુજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ તેને માટીની કુંડીમાં રાખી કપડાથી બાંધી ઘર આંગણે લટકાવી દેવામાં આવે છે. અગિયારસની વહેલી સવારથી સગા-સંબંધીઓ સાથે મળી ઢોલ અને તાંસા વગાડતા-વગાડતા ભીમકુંડ ખાતે પહોંચે છે અને અસ્થિ વિસર્જન કરી સ્નાન કરે છે, સાથે જ મુંડન પણ કરે છે.


સામાન્ય રીતે મૃત્યુ થયા પછી અસ્થિ વિસર્જન માટે લોકો હરિદ્વાર જતાં હોય છે. પરંતુ, અહીનાં આદિવાસી ભીલ સમાજના લોકો વર્ષમાં એક જ દિવસ આમળી અગિયારસના દિવસે ભીમકુંડમાં અસ્થિ વિસર્જન માટે જતાં હોય છે, એક એ માન્યતા પણ રહેલી છે કે અહી અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષપ્રાપ્તિ મળે છે, પ્રાચીન કાળથી ચાલી આવેલી પરંપરા આજે પણ જીવંત છે.
આ પણ વાંચો...

