દાહોદમાં કસ્બા નજીક ગૌ રક્ષકની ટીમ ઉપર હુમલો, પોલીસે શરુ કરી તપાસ
ગૌરક્ષકની ટીમ ઉપર હુમલો કરતા 2 લોકો ઘાયલ થયા હતા. પોલીસે 12 લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Published : March 1, 2026 at 6:58 PM IST
દાહોદ : જિલ્લામાં ગૌરક્ષકની ટીમે ભેંસો ભરેલી પીકઅપનો પીછો કરી કસ્બા પટડી ચોક આગળ પિકઅપને રોકતા બોલાચાલી બાદ 50થી વધુ લોકોના ટોળાએ ગૌરક્ષકની ટીમ ઉપર હુમલો કરતા 2 લોકો ઘાયલ થયા હતા. પોલીસે 12 લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ ગૌરક્ષક સેવા સમિતિની ટીમને ગતરોજ બાતમી મળી હતી કે લીમખેડા તરફથી એક પીકઅપ ટેમ્પોમાં પશુઓ ભરીને લઈ જવાઈ રહ્યા છે. જે આધારે ગૌરક્ષકની ટીમે પોલીસને જાણ કરી હાઈવે ઉપર વોચમાં હતા, તે દરમિયાન પિકઅપ ટેમ્પો પસાર થતા તેનો પીછો કર્યો હતો. જેથી પીકઅપના ચાલકે પૂરપાટ ટેમ્પો ભગાવી કસ્બામાં પહોંચી ગયો હતા.
જ્યાં પટડી ચોક આગળ ટેમ્પોને અટકાવી ઝડપી લીધો હતો. જે ટેમ્પોમાં 7 જેટલી ભેંસો ભરેલી હતી, તે દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને અચાનક 50થી વધુના ટોળાએ પથ્થરમારો કરી સ્કોર્પિયોના કાચ તોડી નાખી ગૌરક્ષકની ટીમ ઉપર હુમલો કરતા 2 લોકો ઘાયલ થયા હતા.

આ બનાવને પગલે મોડી રાત્રે પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર અર્થે ખસેડી ભેંસ ભરેલ ટેમ્પો અને ગૌરક્ષકની ટીમના વાહનો પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસે 12 લોકોના નામજોગ પ્રાણીક્રૂરતા અધિનિયમ હેઠળ તેમજ રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો...

