દાહોદમાં બુટલગરે કુહાડીથી પોલીસ પર કર્યો હુમલો, પોલીસની તપાસ કરી તેજ
કુહાડીથી હેડકોન્સ્ટેબલના માથાના ભાગે ફટકો મારતા હેડ કોન્સ્ટેબલ લોહી લુહાણ થઈ ગયા હતા.

Published : January 8, 2026 at 8:04 PM IST
દાહોદ : જિલ્લાના રૂરલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ સાથી કર્મચારી સાથે ગત મોડી સાંજે રૂરલ પોલીસ મથક વિસ્તારના રળિયાતીના હોળી ફળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન 2 ઈસમો દારૂ પીતા હોય તેવું તેમણે જોતા નજીક જઈ પૂછપરછ શરૂ કરી હતી, તે દરમિયાન ત્યાં હાજર મોતી ગણાવા અને તેમનો પુત્ર તુષાર ગણાવા ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી શરૂ કરી હતી, ત્યારબાદ નજીકમાં પડેલી કુહાડીથી હેડકોન્સ્ટેબલના માથાના ભાગે ફટકો મારતા હેડ કોન્સ્ટેબલ લોહી લુહાણ થઈ ગયા હતા.
કુહાડીના ઘા મારી બન્ને પિતા અને પુત્ર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે તાત્કાલિક અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત સંતોષભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ ઉપર હુમલો થતા સ્થાનિક પોલીસ અને એલસીબી સહિતની પોલીસ ટીમો દોડતી થઈ ગઈ હતી.
દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ વેચવા માટે બૂટલેગરો બેફામ બન્યા છે, ત્યારે દારૂની બદીને અટકાવવા માટે પોલીસ સક્રિય બને છે, તો બેફામ બનેલા બૂટલેગરો પોલીસ ઉપર હુમલો કરતા હોવાના અનેક કિસ્સા બન્યા છે. ઘણીવખત પોલીસ ઉપર બૂટલેગરો ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કરતા જોવા મળે છે, ત્યારે આ મામલે પોલીસે નક્કર યોજના બનાવી દારૂ અને બૂટલેગરો ઉપર અંકુશ લાવવાની જરૂર છે.

દાહોદ જિલ્લામાં પોલીસ ઉપર હુમલાની આ અઠવાડીયામાં ત્રીજી ઘટના સામે આવી છે. ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક ટેમ્પો ચાલકે પોલીસ ઉપર પથ્થરમારો કરતા PI ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, તો SMCની ટીમ ઉપર આરોપીએ હુમલાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, તે વાતને ગણતરીના દિવસોમાં ફરી એક વખત પોલીસ ઉપર કુહાડીથી હુમલો કરવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે.


દાહોદ પોલીસે મોતી ગણાવા અને પુત્ર તુષાર ગણાવા વિરુદ્ધ હત્યાની કોશીશ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બંને ફરાર પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો...

