ETV Bharat / state

પથ્થરોમાં કંડારાયેલો 'પાણીદાર' ઈતિહાસ, 500 વર્ષ જૂની દાદા હરિની વાવની અદભૂત કહાની

અમદાવાદમાં આવેલી લગભગ પાંચસો વર્ષ જૂની દાદા હરિની વાવ આજે પણ પોતાની ભવ્ય સંરચના, રહસ્યમય સ્થાપત્ય અને અદભૂત કલા-કારીગરી માટે જાણીતી છે.

500 વર્ષ જૂની દાદા હરિની વાવની અદભૂત કહાની
500 વર્ષ જૂની દાદા હરિની વાવની અદભૂત કહાની (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 1:02 PM IST

|

Updated : July 3, 2026 at 5:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિનીની વાવ માત્ર એક ઐતિહાસિક વાવ નથી, પરંતુ ગુજરાતના સુલતાનકાળની કલા, સ્થાપત્ય અને જળ સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. લગભગ પાંચસો વર્ષ જૂની આ વાવ આજે પણ પોતાની ભવ્ય કલાકૃતિ, રહસ્યમય સંરચના અને અદભૂત શિલ્પ કારીગરી માટે જાણીતી છે.

ઐતિહાસિક દાદા હરિની વાવ

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહ માટે વાવો જીવનરેખા સમાન માનવામાં આવતી હતી. વરસાદ આધારિત જીવનમાં લોકો માટે વર્ષભર પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી અનેક ભવ્ય વાવો બનાવવામાં આવી હતી. તે જ સમયમાં અમદાવાદમાં બનેલી દાદા હરિની વાવ આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

500 વર્ષ જૂની દાદા હરિની વાવની અદભૂત કહાની (Etv Bharat Gujarat)

ઈ.સ. 1485માં નિર્માણ

દાદા હરિની વાવનું નિર્માણ ઈ.સ. 1485માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન કરાવવામાં આવ્યું હતું. ઐતિહાસિક નોંધો અનુસાર આ વાવનું નિર્માણ બાઈ હરિર સુલતાની દ્વારા કરાવવામાં આવ્યું હતું. લોકોમાં તેઓ “દાદા હરિર” તરીકે ઓળખાતા હોવાથી આ વાવનું નામ દાદા હરિની વાવ પડ્યું. વાવ પાસે અરબી અને સંસ્કૃત ભાષામાં શિલાલેખો પણ જોવા મળે છે, જેમાં તેના નિર્માણ અને તે સમયની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દાદા હરિની વાવની ખાસીયત

દાદા હરિની વાવની વિશેષતા
દાદા હરિની વાવની વિશેષતા (Etv Bharat Gujarat)

દાદા હરિની વાવનો સમૃદ્ધ ઈતિહાસ

આ વાવ વિશે માહિતી આપતા નિવૃત શિક્ષક સંજય પટેલ જણાવે છે કે, 'દાદા હરિની વાવ' લગભગ પાંચ માળ ઊંડી છે. જમીનના સ્તરથી નીચે ઉતરતાં દરેક માળે અલગ પ્રકારની રચના જોવા મળે છે. વાવમાં નીચે જવા માટે લાંબા સીડીઓવાળા માર્ગ બનાવવામાં આવ્યા છે. જેમ જેમ અંદર ઉતરવામાં આવે તેમ બહારની ગરમી ઓછી અનુભવાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વાવની અંદર કુદરતી ઠંડક અનુભવાય છે. તે સમયના શિલ્પકારોએ એવી રીતે બાંધકામ કર્યું હતું કે સૂર્યપ્રકાશ અને હવાનો પ્રવાહ અંદર સુધી પહોંચી શકે. દરેક માળે ખુલ્લી ગેલેરી અને જાળીદાર બારીઓ બનાવવામાં આવી હતી, જેના કારણે અંદર કુદરતી પ્રકાશ અને ઠંડક જળવાઈ રહેતી હતી.

દાદા હરિની વાવ, અમદાવાદ
દાદા હરિની વાવ, અમદાવાદ (Etv Bharat Gujarat)

કલા સ્થાપત્યનો બેજોડ નમૂનો

દાદા હરિની વાવનું સૌથી મોટું આકર્ષણ તેનું અનોખું સ્થાપત્ય છે. અહીં હિન્દુ અને ઇસ્લામિક કલા શૈલીનો સુંદર સમન્વય જોવા મળે છે. વાવના થાંભલાઓ પર ફૂલ-પાંદડાની નકશીકામ, જ્યોમેટ્રિક ડિઝાઇન, જાળીદાર કોતરણી અને સુંદર શિલ્પકામ કરવામાં આવ્યું છે. પથ્થરમાં કરવામાં આવેલી બારીક કારીગરી આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

લોકોની જીવનશૈલી સાથે જોડાયેલી ધરોહર

જૂના સમયમાં વાવો માત્ર પાણી મેળવવાનું સ્થળ નહોતા, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ કામ કરતા હતા. મુસાફરો અહીં આરામ કરતા, વેપારીઓ ચર્ચાઓ કરતા અને સ્થાનિક લોકો અહીં ભેગા થઈ સામાજિક મિલન કરતા હતા. દાદા હરિની વાવ પણ એક સમય દરમિયાન લોકોની જીવનશૈલી સાથે ગાઢ રીતે જોડાયેલી હતી.

ઈ.સ. 1485માં દાદા હરિની વાવનું નિર્માણ
ઈ.સ. 1485માં દાદા હરિની વાવનું નિર્માણ (Etv Bharat Gujarat)

સુવિધા અને જાળવણીનો અભાવ

સ્થાનિક લોકોમાં એવી માન્યતાઓ પણ છે કે, દાદા હરિની વાવમાં ક્યારેક ગુપ્ત માર્ગો હતા, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુરાવા નથી. તેમ છતાં આવી લોકકથાઓ વાવને વધુ રહસ્યમય બનાવે છે.આજે દાદા હરિની વાવ અમદાવાદના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોમાં સ્થાન ધરાવે છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ફોટોગ્રાફર્સ અને ઇતિહાસપ્રેમીઓ અહીં મુલાકાતે આવે છે. પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ સ્થળે હજુ પણ અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે દાદા હરિની વાવ
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે દાદા હરિની વાવ (Etv Bharat Gujarat)

ઐતિહાસિક વાવમાં આજે પીવાના પાણીનો અભાવ

અહીં વાવના ઈતિહાસ અને સ્થાપત્ય વિશે યોગ્ય માહિતી મળે તે માટે કોઈ વિગતવાર માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે અહીં આવતા ઘણા પ્રવાસીઓને સંપૂર્ણ માહિતી મળી શકતી નથી. ઉપરાંત પ્રવાસીઓ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. ખાસ કરીને ગરમીના સમયમાં બહારથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક દાદા હરિની વાવ
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક દાદા હરિની વાવ (Etv Bharat Gujarat)

નથી મૂળભૂત સુવિધા

આ ઉપરાંત શૌચાલય જેવી જરૂરી સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. પરિવાર સાથે અથવા દૂરથી આવતા પ્રવાસીઓને આ કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ અમદાવાદ વિશ્વ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, તો બીજી તરફ આવા ઐતિહાસિક સ્થળોએ મૂળભૂત સુવિધાઓનો અભાવ અનેક સવાલો ઉભા કરે છે.

કેરળથી ફરવા આવેલા સહેલાણી
કેરળથી ફરવા આવેલા સહેલાણી (Etv Bharat Gujarat)

સુવિધા પુરી પાડવા લોકોનું સુચન

નિવૃત શિક્ષક સંજય પટેલે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દાદા હરિની વાવ અમદાવાદની ઐતિહાસિક ઓળખ છે, પરંતુ અહીં હજુ પણ પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓનો અભાવ છે. વાવના ઈતિહાસ વિશે માહિતી મળે તે માટે યોગ્ય બોર્ડ લગાવવામાં આવવા જોઈએ અને સાથે જ પીવાના પાણી તથા ટોયલેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો બહારથી આવતા પ્રવાસીઓને ઘણી સરળતા રહે.

પથ્થરોમાં કંડારાયેલો દાદા હરિનો વાવનો સમૃદ્ધ ઈતિહાસ
પથ્થરોમાં કંડારાયેલો દાદા હરિનો વાવનો સમૃદ્ધ ઈતિહાસ (Etv Bharat Gujarat)

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષણ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં હજુ પણ વધારો કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. દાદા હરિની વાવ આજે પણ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને અદભૂત સ્થાપત્ય કૌશલ્યનું જીવંત પ્રતિક બની ઉભી છે.

  1. 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર મહિલાઓ! વલસાડમાં ભરઉનાળે તરસ છિપાવવા જીવ સટોસટનો ખેલ
  2. કાલુપુરમાં 'કૂવામાંથી પ્રગટ' થયેલા દુર્ગા માતાજી; 150 વર્ષ જૂની સોના-ચાંદી જડિત ચૂંદડીથી શણગાર
Last Updated : July 3, 2026 at 5:52 PM IST