કોડીનારમાં ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો: વૃદ્ધ મહિલાને છરીની અણીએ લૂંટનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેના હાથમાં છરી મારીને ઇજા પહોંચાડી અને તેને રસ્તા પર ઉતારીને ઇકો કાર લઈને ફરાર થઈ ગયો હતો.

Published : July 7, 2026 at 8:50 AM IST
ગીર સોમનાથ: આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, તેમ છતાં કોડીનાર પોલીસની તપાસનો પ્રવાહ અટક્યો નહોતો. પ્રતિકૂળ વાતાવરણ અને કાદવભર્યા રસ્તાઓ વચ્ચે પણ ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર પોલીસે સતર્કતા, સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીથી માત્ર ગણતરીના કલાકોમાં એક ગંભીર લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને રાજ્યભરમાં પ્રશંસા મેળવી છે.
તા. 4 જુલાઈ, 2026ના રોજ સાંજે વિઠલપુર બસ સ્ટેશન પરથી આલીદર જવા માટે ઊભેલી એક વૃદ્ધ મહિલાને આરોપીએ ઇકો કારમાં લિફ્ટ આપવાના બહાને બેસાડી હતી. મોરવડ ગામ નજીક પહોંચતા જ આરોપીએ મહિલાના ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે મહિલાના કાનમાં પહેરેલી અંદાજે એક લાખ રૂપિયાની કિંમતની સોનાની બે બુટ્ટી લૂંટી લીધી હતી.
મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેના હાથમાં છરી મારીને ઇજા પહોંચાડી અને તેને રસ્તા પર ઉતારીને ઇકો કાર લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતા સમજીને કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. વી. હરિયાણીના નેતૃત્વમાં તાત્કાલિક સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવવામાં આવી. સતત વરસતા વરસાદે તપાસને વધુ કઠિન બનાવી દીધી હતી, તેમ છતાં પોલીસે હાર ન માની. ગામડાંના રસ્તાઓ, પેટ્રોલ પંપ, હોટલો અને દુકાનોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. ટેક્નિકલ સર્વેલન્સ, વાહનની ટાઇમલાઇન અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ ઇકો કાર સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો.
હ્યુમન સોર્સમાંથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ઘાટવડ-કંટાળા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ઇકો કારને રોકીને પુરાવા આધારે પૂછપરછ કરતાં સમગ્ર ગુનો ઉકેલાઈ ગયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
આરોપીની ઓળખ: હાર્દિકભાઈ નાનજીભાઈ શિયાળ (ઉં. 23), રહે. થોરડી, તા. ગીર ગઢડા. તપાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી કે આરોપી અગાઉ પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરી ચૂક્યો હતો. બાદમાં મોબાઇલ એપ્લિકેશન પરથી લીધેલી લોનના હપ્તા બાકી રહેતાં તે આર્થિક તંગીમાં સપડાયો હતો. હાલ ઇકો કાર ચલાવતો આરોપી મુસાફરી દરમિયાન મહિલાના દાગીના જોઈ તેની એકલતાનો લાભ લઈને આ લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
કબ્જે કરેલો મુદ્દામાલ:
પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 1 લાખની કિંમતની સોનાની બે બુટ્ટી, લૂંટમાં વપરાયેલી ઇકો કાર (GJ-24-AQ-0883), છરી અને મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 1.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ધોધમાર વરસાદ વચ્ચે પણ કોડીનાર પોલીસે સાબિત કરી દીધું કે વરસાદ ગુનેગારોને બચાવી શકતો નથી. કાયદાની નજર અને પોલીસની પકડ હંમેશા વધુ મજબૂત હોય છે.

