ETV Bharat / state

બાયડ-દહેગામ રોડ પર ડાભા બ્રિજ 60 દિવસ માટે બંધ, કલેક્ટરના જાહેરનામા બાદ વાહનવ્યવહારને અસર

અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ માર્ગ પર ડાભા ગામ નજીક વાત્રક નદી ઉપર આવેલો મહત્વનો બ્રિજ આગામી 60 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

બાયડ-દહેગામ રોડ પર ડાભા બ્રિજ 60 દિવસ માટે બંધ
બાયડ-દહેગામ રોડ પર ડાભા બ્રિજ 60 દિવસ માટે બંધ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 4, 2026 at 9:46 PM IST

2 Min Read
Choose ETV Bharat

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ મુખ્ય માર્ગ પર આવેલા ડાભા ગામ નજીક વાત્રક નદી પરના બ્રિજને આગામી 60 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું ઇન્સ્પેકશનમાં સામે આવતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વાહનવ્યવહાર પર પ્રતિબંધનો આદેશ કર્યો છે. જેના કારણે દરરોજ પસાર થતા હજારો નાના-મોટા અને ભારે વાહનોને અસર થવાની શક્યતા છે.

અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ માર્ગ પર ડાભા ગામ નજીક વાત્રક નદી ઉપર આવેલો મહત્વનો બ્રિજ આગામી 60 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ ઇન્સ્પેકશન દરમિયાન બ્રિજની ગુણવત્તા અને માળખાકીય સ્થિતિ નબળી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે જાહેર સલામતીને પ્રાથમિકતા આપતાં અરવલ્લી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરવાનો આદેશ કર્યો છે.

ડાભા બ્રિજ બાયડ અને દહેગામને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનો ઉપરાંત ભારે માલવાહક ટ્રકો અને અન્ય વાહનો અહીંથી પસાર થાય છે. બ્રિજ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે મુસાફરીનું અંતર અને સમય બંનેમાં વધારો થવાની શક્યતા છે.

  • વૈકલ્પિક માર્ગ તરીકે અમદાવાદ તથા ગાંધીનગરથી બાયડ તરફ જતા વાહનો તેનપુર ચોકડીથી વાયા લિંબ-રોઝડ-વડાગામ-ધનસુરા થઈને બાયડ રોડે બાયડ જઈ શકશે.
  • બાયડ રોડથી અમદાવાદ તથા ગાંધીનગર તરફ જવા ભારે વાહનો બાયડ ચોકડીથી વાયા ધનસુરા-વડાગામ-રોઝડ-ચોકડી થઈને તેનપુર-દહેગામ રોડે જઈ શકશે.

જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ આ પ્રતિબંધ આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન બ્રિજના જરૂરી સમારકામ, મજબૂતીકરણ અથવા અન્ય તકનીકી કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્રે વાહનચાલકોને જાહેરનામાનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને સહકાર આપવા અપીલ કરી છે.

બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય કોઈ અનિચ્છનીય અકસ્માત ટાળવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. હાલમાં સંબંધિત વિભાગો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. નવસારી જિલ્લા સહિત શહેરમાંથી પૂરનું સંકટ ટળ્યું, લોકોએ લીધો હાલ પુરતો રાહતનો શ્વાસ
  2. રજા પર હતા, છતાં ફરજ માટે દોડી આવ્યા; ST ડ્રાઈવર બહાદુરી દેખાડી ધસમસતા પાણીમાં ફસાયેલી બસને સલામત બહાર કાઢી