ETV Bharat / state

અમદાવાદમાં સાયબર ઠગોનો આતંક, અજાણી લિંક કે APK ફાઇલ પર ક્લિક કરતાં જ લોકોના બેન્ક ખાતા થયા ખાલી

અમદાવાદમાં ટ્રાફિક ચલણ, પેન્શન, ATMની સમસ્યા, ઓનલાઇન રિફંડ કે આવાસ યોજનાના નામે લોકોને વિશ્વાસમાં લઇને ઠગોએ લાખો રૂપિયા ખંખેરી લીધા હતા.

અમદાવાદમાં સાયબર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી છે
અમદાવાદમાં સાયબર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી છે (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 2:55 PM IST

4 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદમાં સાયબર ઠગાઇની વિવિધ ઘટનાઓ સામે આવી છે. ટ્રાફિક ચલણ, પેન્શન, ATMની સમસ્યા, ઓનલાઇન રિફંડ કે આવાસ યોજનાના નામે લોકોને વિશ્વાસમાં લઇને ઠગોએ લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. અજાણી લિંક કે APK ફાઇલ પર ક્લિક કરતાં જ લોકોના બેન્ક ખાતા ખાલી થઇ રહ્યા છે.

હાંસોલમાં ટ્રાફિક ચલણની લિંક પર ક્લિક કરતા જ 44 હજાર ઉપડી ગયા

અમદાવાદના હાંસોલમાં રહેતા અવિનાશ ડોસેજાને ટ્રાફિક ચલણ અંગેની એક લિંકનો મેસેજ આવ્યો હતો. મેસેજ સાચો હોવાનું માની તેમણે લિંક ઓપન કરી હતી અને ત્યારબાદ તેમના મોબાઇલમાં પરિવહન સંબંધિત એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. થોડા સમય બાદ તેમના બેન્ક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા અને કુલ ₹44,200 ઉપડી ગયા હતા.

ETV ભારત સાથેની વાતચીતમાં AD ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક ચલણના નામે આવેલી લિંકના કારણે આ છેતરપિંડી થઈ હતી. સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરવામાં આવી છે અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ખોખરામાં પેન્શનના નામે ₹98 હજારની છેતરપિંડી

ખોખરામાં રહેતા હસમુખભાઈ પટેલે ફેસબુક પર એક્સિસ બેન્કની પેન્શન સંબંધિત જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં માહિતી ભર્યા બાદ તેમના મોબાઇલ પર APK લિંક આવી હતી. બાદમાં એક વ્યક્તિએ પોતે બેન્કમાંથી બોલતો હોવાનું કહી સિટિઝન પેન્શન કાર્ડ બનાવવાના બહાને વાત કરી હતી. આ દરમિયાન ગૂગલ પેનો PIN સહિતની માહિતી મેળવ્યા બાદ તેમના ખાતામાંથી ₹98 હજાર ઉપડી ગયા હતા.

ખોખરા પોલીસ સ્ટેશનના PI BP સાવલિયાએ ETV ભારતને જણાવ્યું હતું કે, પેન્શનના નામે મોકલાયેલી APK લિંક અને ત્યારબાદ મેળવવામાં આવેલી માહિતીના આધારે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હતી.

ગોમતીપુરમાં ATMની સમસ્યાનો ફાયદો ઉઠાવ્યો

ગોમતીપુરમાં રહેતા કબીર અન્સારી ઉત્તર પ્રદેશમાં ગયા હતા ત્યારે ATMમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી હતી. તેમણે બેન્કનો સંપર્ક કરી જરૂરી પ્રક્રિયા કરી હતી અને ત્યારબાદ તેમના મોબાઇલ પર એક વ્યક્તિએ પોતે બેન્ક ઓફ ઇન્ડિયાનો કર્મચારી હોવાનું કહી ફોન કર્યો હતો.

પૈસા પરત મેળવવાના બહાને એક લિંક મોકલવામાં આવી હતી. લિંક ઓપન કર્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ થઇ અને તેમાં માહિતી ભરવામાં આવી હતી. થોડા સમય બાદ તેમના ખાતામાંથી ₹53 હજાર ઉપડી ગયા હતા.

વસ્ત્રાપુરમાં રિફંડના નામે મોબાઇલ હેક થતા જ 75 હજાર ઉપડી ગયા

વસ્ત્રાપુરમાં રહેતી દર્શિકા મકવાણાએ ઓનલાઈન એપ્લિકેશન મારફતે વસ્તુ મંગાવી હતી. રિફંડ મેળવવા માટે તેમણે ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. મળેલા નંબર પર વાત કરતાં સામેથી વ્યક્તિએ પોતે કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી વોટ્સએપ પર APK ફાઇલ મોકલી હતી. ફાઇલ ઓપન કરતાં જ મોબાઇલ હેક થયો હોવાનું સામે આવ્યું અને તેમના બેન્ક ખાતામાંથી ₹75 હજાર ઉપડી ગયા હતા.

જશોદાનગરમાં આવાસ યોજનામાં મકાનની લાલચ આપી ₹50 હજાર પડાવ્યા

જશોદાનગરમાં રહેતા રાજકુમાર કુશવાહ ફેબ્રિકેશનનું કામ કરે છે. ગત 11 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન કરનારે આવાસ યોજના હેઠળ મકાન મળ્યું હોવાનું કહી તે લેવા માગો છો કે નહીં તે પૂછ્યું હતું. રાજકુમારે હા પાડતાં ફોર્મ ભરવા માટે ₹50 હજાર ભરવાનું કહેવામાં આવ્યું હતું. ગઠિયાએ પૈસા લીધા બાદ રસીદ આપવા માટે આવીને મળવાનું પણ કહ્યું હતું. વિશ્વાસમાં આવી રાજકુમારે ₹50 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ETV ભારત સાથેની વાતચીતમાં RM પરમારે આ અંગે માહિતી આપી હતી. રાજકુમારે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોબાઇલમાં અપડેટના નામે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવ્યું અને ₹40 હજાર ગુમાવ્યા

સરસપુરમાં રહેતા ચિરાગભાઈ પરમારની પત્ની મોબાઇલમાં ગીતો સાંભળી રહ્યા હતા ત્યારે મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ થવા લાગ્યું હતું. ત્યારબાદ જરૂરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. બીજા દિવસે ચિરાગભાઈને રૂપિયા ટ્રાન્સફર કરવાની જરૂર પડતાં પત્નીના ખાતામાંથી ₹40 હજાર ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાન્સફર ન થતાં બેલેન્સ ચેક કરતાં ખાતામાંથી ₹40 હજાર ઓછા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં રકમ લવપ્રીતસિંહના ખાતામાં જમા થઈ હોવાનું સામે આવ્યું હતું.

ETV ભારત સાથેની વાતચીતમાં PI VN ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપી હતી. આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સેટેલાઇટના 71 વર્ષીય વૃદ્ધના ખાતામાંથી ₹4.71 લાખ ઉપડી ગયા

સેટેલાઇટમાં રહેતા 71 વર્ષીય સુરેશ ખટવાણી નિવૃત્ત જીવન જીવે છે. તેઓ રાણીપ ખાતે સત્સંગમાં ગયા બાદ ઘરે પરત આવ્યા હતા. ફોનમાં બેન્ક ખાતામાંથી રૂપિયા કપાયાના મેસેજ જોયા બાદ ખાતું ચેક કરતાં કુલ ₹4.71 લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ETV ભારત સાથેની વાતચીતમાં PI RS પરમારે આ મામલે માહિતી આપી હતી. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાઈ છે.

થલતેજમાં ક્રિકેટ ગ્રાઉન્ડના ભાડાના બહાને ₹55 હજારની ઠગાઈ

થલતેજમાં રહેતી 36 વર્ષીય ચાંદનીબેન પટેલના પિતા હેબતપુર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે આપે છે. ગત 11 જુલાઈએ અજાણ્યા વ્યક્તિએ ચાંદનીબેનને ફોન કરી પોતાનું નામ રાજેશ શર્મા હોવાનું જણાવ્યું હતું. તેણે ક્રિકેટ ગ્રાઉન્ડનું ₹10 હજાર ભાડું આપવાનું હોવાનું કહી વાત શરૂ કરી હતી.

બાદમાં હોસ્પિટલમાં પેમેન્ટ કરવાનું હોવાનું કહી ચાંદનીબેનના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો ખોટો મેસેજ મોકલ્યો હતો અને તેમને અન્ય એક નંબર પર રૂપિયા મોકલવા કહ્યું હતું. વિશ્વાસમાં આવી ચાંદનીબેને કુલ ₹55 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં તેમના ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. ETV ભારત સાથેની વાતચીતમાં SG ખંભાળાએ આ બનાવ અંગે માહિતી આપી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદમાં બનેલી વિવિધ સાયબર ક્રાઇમની ઘટનાઓને પગલે પોલીસે અજાણ્યા ફોન, લિંક કે APK પર વિશ્વાસ કરતા પહેલાં સાવચેત રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: