પશ્ચિમ કચ્છ ભુજમાં સાયબર ફ્રોડનું મ્યુલ એકાઉન્ટ નેટવર્ક ઝડપાયું, બે આરોપીઓની ધરપકડ
પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પરથી મળેલી બેંક એકાઉન્ટ માહિતીનું તાત્કાલિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

Published : January 1, 2026 at 4:23 PM IST
કચ્છ: પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના રૂપિયા મેળવી ચેક તથા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કમિશન કમાવતા બે આરોપીઓને સાયબર સેલે ઝડપી લીધા છે.
પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજમાં સાયબર ક્રાઇમ સામે પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેક મારફતે વિડ્રો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કમિશન મેળવતા બે આરોપીઓ સામે સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પરથી મળેલી બેંક એકાઉન્ટ માહિતીનું તાત્કાલિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ભુજ શહેરના જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા પ્રકાશ ખીમજીભાઇ બારોટ તેમજ મીરઝાપર વિસ્તારમાં રહેતા ભાવેશ હિરજીભાઇ ગરવા દ્વારા તેમના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા મેળવી તેને ચેક તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અન્યત્ર મોકલી ગેરકાયદેસર લાભ મેળવતા હોવાનું બહાર આવ્યું હતું.
પુરાવાના આધારે સરકાર તરફથી ફરીયાદી બની માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગુનો નંબર 001/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2) અને 318(4) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બન્ને આરોપીઓને હસ્તગત કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલુ છે.
આ સાથે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાનું બેંક ખાતું ઉપયોગ માટે ન આપે અને શંકાસ્પદ ઓનલાઈન વ્યવહારો અંગે તરત જ સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
આ પણ વાંચો:

