અમદાવાદમાં રૂ. 2.19 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બે આરોપીઓને સાયબર સેલે પકડી પાડ્યા
આ આરોપીઓએ વ્હોટ્સએપ અને બનાવટી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને લોકોને છેતરીને મોટી રકમ વસૂલી હતી અને તેને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ્સને પહોંચાડી હતી.

Published : December 15, 2025 at 6:24 PM IST
|Updated : December 15, 2025 at 7:03 PM IST
અમદાવાદ: ગુજરાતના સાયબર ક્રાઇમ વિભાગે મોટી સફળતા મેળવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગરની ટીમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ. 2.19 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ વ્હોટ્સએપ અને બનાવટી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને લોકોને છેતરીને મોટી રકમ વસૂલી હતી અને તેને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ્સને પહોંચાડી હતી.
મોડસ ઓપરેન્ડી: પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીને વ્હોટ્સએપ મારફતે સંપર્ક કરીને પોતાને કસ્ટમર સર્વિસ અને રજિસ્ટર્ડ કંપનીના બ્રોકર તરીકે ઓળખાવ્યા હતા. તેઓએ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને SEBIના લેટર મોકલીને વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફરિયાદીને વ્હોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને ટીપ્સ આપી અને ગ્રુપમાં નકલી નફાના મેસેજ અને સ્ક્રીનશોટ્સ મૂકીને તેમને આકર્ષ્યા હતા. આરોપીઓએ બનાવટી ICICI સિક્યુરિટીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું અને અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ફંડ ટ્રાન્સફર કરાવ્યું હતું. ટ્રેડિંગ અને IPOમાં રોકાણ કરાવીને એપમાં જંગી નફો બતાવ્યો હતો, પરંતુ વિડ્રોલની વખતે 20 ટકા બ્રોકરેજ કમિશનની માંગ કરીને વધુ છેતરપિંડી કરી હતી. શરૂઆતમાં રૂ. 57,886 વિડ્રોલ કરાવીને વિશ્વાસ જીત્યા બાદ, કુલ રૂ. 2,19,07,114ના રોકાણ અને નફાને પરત આપ્યા વિના ગુમરાહ કર્યા હતા.
પોલીસ ઇન્વેસ્ટિગેશન: પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને તેમાં ફ્રોડના પૈસા જમા કરાવ્યા હતા. આ પૈસાને ચેક વિડ્રો, ATM વિડ્રો, આંગડીયા, હવાલા અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન્સ મારફતે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મુખ્ય ગુનેગારોને પહોંચાડ્યા હતા. આરોપીઓએ HDFC બેંકના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ગુજરાત અને પોન્ડીચેરીમાં ગુના આચર્યા હતા. તેમની સામે ગુજરાતમાં એક અને પોન્ડીચેરીમાં એક એમ કુલ બે ફરિયાદો નોંધાઈ છે, જેમાં કુલ રૂ. 2,29,65,000ના ફ્રોડનો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓમાં (1) નિતીન બચુભાઈ જાદવ (ઉંમર 30 વર્ષ, રહે. બી-3/008 આવાસ સોસાયટી, મોરૈયા ગામ, તા. સાણંદ, જિ. અમદાવાદ) જે એકાઉન્ટ હોલ્ડર છે, અને (2) બકુલભાઈ નટુભાઈ મકવાણા (રહે. વણકર વાસ, ગામ. આકરુ, તા. ધંધુકા, જિ. અમદાવાદ) જે એકાઉન્ટને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે આગળ મોકલનાર છે. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આ કેસની મોડસ ઓપરેન્ડી અનુસાર, આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે બેંક એકાઉન્ટ્સ ખોલાવી અથવા મેળવીને તેમને સાયબર ક્રાઇમમાં વાપરશે તે જાણ્યા પછી પણ તેની વિગતો પુરી પાડતા હતા. તેઓ સાયબર ફ્રોડના પૈસાને રોકડમાં રૂપાંતરિત કરીને આંગડીયા, હવાલા અથવા ક્રિપ્ટો મારફતે મુખ્ય ગુનેગારોને મોકલીને કમિશન મેળવતા હતા. આમ, તેઓ એકબીજાની મદદગારી કરીને સંગઠિત રીતે ગુના આચરતા હતા.
સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું કે, "આ તપાસમાં વધુ આરોપીઓ અને તેમના આંતરરાજ્ય કનેક્શન્સનો પર્દાફાશ થઈ શકે છે. નાગરિકોને અજાણ્યા વ્હોટ્સએપ ગ્રુપ્સ અને બનાવટી ઇન્વેસ્ટમેન્ટ એપ્સથી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે."
આ પણ વાંચો:

