મહેસાણા મહાનગરપાલિકાની પોલ ખૂલી, પરા તળાવમાં ગટરના પાણી; વિપક્ષે કર્યા ગંભીર આક્ષેપ
તંત્રએ પણ સ્વીકાર્યું છે કે કોઈએ ગેરકાયદેસર રીતે સ્ટ્રોમ વોટર લાઈનમાં ગટરના કનેક્શન જોડી દીધા છે.

Published : December 31, 2025 at 6:50 PM IST
મહેસાણા: મહેસાણાના હાર્દસમા પરા તળાવ, જેને સ્વામી વિવેકાનંદ લેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હાલ ગંદકી અને દુર્ગંધના કારણે ચર્ચામાં છે. તળાવમાંથી જળકુંભી અને વેલ દૂર કરવામાં આવતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. તળાવમાં વરસાદી પાણીની લાઈન મારફતે ગટરનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે. આ મામલે વિપક્ષે પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ તંત્રએ પણ સ્વીકાર્યું છે કે કોઈએ ગેરકાયદેસર રીતે સ્ટ્રોમ વોટર લાઈનમાં ગટરના કનેક્શન જોડી દીધા છે.
મહેસાણાના પરા તળાવમાં ચોમાસા બાદ જામી ગયેલી જંગલી વેલને કામદારો દ્વારા દૂર કરવામાં આવતા તંત્રની પોલ ખૂલી પડી છે. વેલ હટતાની સાથે જ હૈદરીચોક તરફથી આવતી વરસાદી લાઈનની પાઈપ દેખાઈ હતી, જેમાંથી સતત ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. આ પાણીના કારણે તળાવમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ મામલે મહેસાણા પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરીયાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે, કમિશનર અને અધિકારીઓ 'સ્વચ્છ મહેસાણા'ની મોટી જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા પરા તળાવમાં જોવા મળે છે જ્યાં ભૂગર્ભનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. વિપક્ષે માંગ કરી છે કે આ ગેરકાયદેસર કૃત્ય માટે જે પણ એજન્સી કે સત્તાધીશો જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
બીજી તરફ, આ ગંભીર બેદરકારી મામલે મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહે સ્વીકાર્યું છે કે તેમના ધ્યાનમાં આ બાબત આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સ્ટ્રોમ વોટર લાઈન (વરસાદી લાઈન) માં કોઈએ ગટરના કનેક્શન જોડી દીધા છે. તેમણે જણાવ્યું કે હાલ પાલિકા દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે અને આગામી ૨ થી ૩ દિવસમાં તમામ ગેરકાયદે કનેક્શન કાપી નાખવામાં આવશે. જે દુકાનદારો કે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવા જોડાણો કરવામાં આવ્યા હશે, તેમને નોટિસ ફટકારી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2015માં 8 કરોડના ખર્ચે બનેલા આ તળાવનો હવે મનપા બન્યા બાદ અંદાજિત 7 કરોડથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવાનું પણ આયોજન છે.
મહત્વનું છે કે, શહેરના ફુવારા સર્કલથી હૈદરીચોક તરફના રસ્તા પર કોંગ્રેસ ભવન, મામલતદાર કચેરી અને સ્કૂલો આવેલી છે, જ્યાં વરસાદી અને ગટર લાઈન બંને અંડરગ્રાઉન્ડ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં ગટર લાઈન ચોકઅપ થતાં કેટલાક જોડાણો વરસાદી લાઈનમાં ડાયવર્ટ કરી દેવાયા હોવાની શક્યતા છે. હવે આ ગેરકાયદે જોડાણો શોધવા માટે તંત્રએ રોડ પરની ચેમ્બરો ખોલવી પડશે અને જરૂર પડ્યે રસ્તાઓ પણ ખોદવા પડશે. હાલ તો શહેરીજનો એક જ આશા રાખી રહ્યા છે કે જલ્દીથી આ દૂષિત પાણી બંધ થાય અને શહેરનું આ પિકનિક પોઈન્ટ ફરીથી સ્વચ્છ બને.
આ પણ વાંચો:
- અમરેલી: બગસરાના જૂના ઝાંઝરીયા ગામે કૂવામાં ખાબકતા બે યુવકોના કરુણ મોત, ખેતમજૂર ભાઈઓને કાળ ભરખી ગયો
- ભાવનગર: રીઢા ગુનેગારો સામે મોટી કાર્યવાહી, મકાન ધરાશાયી કરી લાખો રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ
- પૈસાદાર, જમીનદાર, GST-ઇન્કમટેક્સ ભરતા રેશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન; વેરિફિકેશનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા

