ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં કથાને લઈને સમર્થકો અને વિરોધીઓ આવ્યા મેદાને, જાણો શું છે કથિત વિવાદ ?
રાજકોટમાં આગામી 5,6,7 જૂનના રોજ યોજાનારી ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથાને કથિત વિવાદ ઉભો થયો છે. વિજ્ઞાન જાથાએ પણ પોતાના વિરોધનું કારણ સ્પષ્ટ કર્યુ છે.

Published : June 1, 2026 at 1:10 PM IST
જુનાગઢ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીની હનુમાન કથા આગામી 5, 6 અને 7 જૂનના દિવસે રાજકોટ ખાતે યોજાનાર છે. ધિરેન્દ્ર શાસ્ત્રીની આ કથાને લઈને હવે તેમના સમર્થકો અને સનાતન ધર્મ તેમજ વિજ્ઞાન જાથાના કેટલાક પ્રતિનિધિઓ વચ્ચે વાદવિવાદ થઈ રહ્યો છે.
ધિરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો હનુમંત કથાને લોકોને સત્કર્મ અને સત માર્ગે વાળવાનું એક માધ્યમ બતાવે છે, તો બીજી તરફ તેમના વિરોધીઓ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા સાધુ સંતો અને વિજ્ઞાન-જાથા રાજકોટમાં આયોજિત કથાને લઈને કોઈ વિરોધ નથી કરતા, પરંતુ તેમના દ્વારા યોજવામાં આવતો દિવ્ય દરબાર અને તેમાં જે કામ થાય છે, તેને લઈને તેના પર શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને વિવાદ
આગામી આગામી 5.6 અને 7 જૂનના દિવસે રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી દ્વારા હનુમંત કથાનું આયોજન થયું છે કથાના આયોજન પૂર્વે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો અને તેનો વિરોધ કરતા બે પક્ષો વચ્ચે કથા તેમજ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી દ્વારા યોજવામાં આવતાં દિવ્ય દરબારને લઈને સવાલો ઊભા કર્યા છે તેમના સમર્થક અને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી જેમને વ્યક્તિગત મળે છે તેવા ચિત્રકાર રજનીકાંત અગ્રાવત ધીરેન્દ્ર શાસ્ત્રીના થઈ રહેલા વિરોધને સમજ્યા વગરના વિરોધ સાથે સરખાવે છે, તેઓ કહે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ચમત્કાર કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે કામ કરતા નથી તેમના દિવ્ય દરબારમાં લોકો સામેથી આવે છે તેમની સમસ્યાઓ રજૂ કરે છે અને તેનું સમાધાન થાય છે. માટે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ જ માન અને સન્માન આપી રહ્યા છે, આ પ્રકારના દિવ્ય દરબારથી આજે લોકો અંધશ્રદ્ધામાં ભુવા ભરાડી પાસે જાય છે અને શારીરિક માનસિક અને આર્થિક નુકસાની ભોગવી રહ્યા છે, તેમાંથી લોકોને છૂટકારો મેળવવા અને સનાતન ધર્મની પરંપરા અનુસાર મુશ્કેલીઓનું નિવારણ અને સમાધાન થઈ શકે છે, તે પ્રકારના વિચારોનું આદાન પ્રદાન દિવ્ય દરબાર દ્વારા કરવામાં આવતું હોય છે.
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની સ્પષ્ટતા
વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યાએ ઈટીવી ભારત સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, રાજકોટમાં 5,6 અને 7 જૂને આયોજિત થનાર હનુમંત કથાનો તેઓ ક્યારે વિરોધ કરતા નથી. સનાતન ધર્મના લોકો અને અન્ય વ્યક્તિઓ પણ હનુમંત કથાને લઈને તેમનો કોઈ વિરોધ કરતા નથી, પરંતુ દિવ્ય દરબારમાં તેમના દ્વારા જે ચિઠ્ઠી કાઢવામાં આવે છે, તેમજ કેટલાક લોકોને ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા બીમારીઓ માંથી મુક્તિ અપાવવાની જે વાત કરે છે, તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ તબીબી અભ્યાસક્રમની ડિગ્રી કે અનુભવ નથી તેમ છતાં તેઓ લોકોને રોગમુક્ત કરવાની વાત દિવ્ય દરબારમાં કરી રહ્યા છે, જેને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. હનુમંત કથાનું આયોજન છે તેમાં કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ વિરોધ કરતી નથી, પરંતુ દિવ્ય દરબારમાં જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ચમત્કારો અને જાદુગીરી કરવામાં આવે છે તેની સામે વિજ્ઞાન જથ્થાને આજે પણ વિરોધ છે.

