ETV Bharat / state

મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ, અધિકારીએ શું કહ્યું?

મોરબીના વીરપરથી લીલાપર જતા રોડ એટલે કે ઓ.આર. પટેલ માર્ગ પર હાલ બાંધકામ શરૂ થતા અનેક સવાલો ઉભા થયા છે.

મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ
મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2026 at 11:20 AM IST

2 Min Read
Choose ETV Bharat

મોરબી: મોરબીના વીરપરથી લીલાપર ને જોડતા રોડ પર અચાનક એક સાથે અનેક કોલમ ઊભા કરી દેવામાં આવ્યા છે. જેને લઇ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. તાજેતરમાં બનાવેલા રોડ પર અચાનક જ કોલમ ઊભા થઈ જતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે.

મોરબીના વીરપરથી લીલાપર જતા રોડ એટલે કે ઓ.આર. પટેલ માર્ગ પર હાલ બાંધકામ શરૂ થતા અનેક સવાલો ઉભા થયા છે. આશ્ચર્યની બાબત એ છે કે થોડા સમય પહેલાં જ તૈયાર થયેલા મુખ્ય માર્ગ પર જ આ પ્રકારનું બાંધકામ શરૂ થતા સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આખરે આ મામલે ભૂલ કોની છે? જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની માપણી અથવા આયોજનમાં કોઈ ખામી રહી ગઈ હતી કે પછી હાલ થઈ રહેલું બાંધકામ જ ગેરરીતિપૂર્વક થઈ રહ્યું છે?

મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ (ETV Bharat Gujarat)

લોકોનું કહેવું છે કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જરૂરી છે. કેટલાક લોકોનો આક્ષેપ છે કે કોઈ ખાનગી માલિકીની જમીન પર રોડ બનાવી દેવાયો હતો કે પછી હવે રોડની હદમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તે સ્પષ્ટ થવું જોઈએ.

આ અંગે સ્થાનિક કાનાભાઇ રબારીએ કહ્યું કે, કામ ચાલુ છે આ રોડ પર. રોડની સાઈડમાં પાંચ ફૂટ અંદર કોલમ બનાવવા મંડ્યા છે. આ રોડ વીરપરથી લીલાપરને જોડતો નેશનલ હાઇવે છે. આ રોડનું કામ પૂરું થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે અને આ રોડ પર કામ પૂરું થયું એની સાથે રોડની પાંચ ફૂટ અંદર કોલમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કોલમ બનાવે છે તો શું R&Bના ધ્યાનમાં આવ્યું નથી? આ એક તપાસનો વિષય છે જેની તપાસ થવી જોઈએ. R&Bની ભૂલ છે કે જે તે માલિક છે તેની ભૂલ છે? R&B એ જ્યારે આ રોડ બનાવ્યો ત્યારે તેને ખરાઈ નહીં કરી હોય કે આ રોડ કોઈના ખરાબામાં બનાવવામાં આવે છે કે કોઈની માલિકીની જગ્યામાં બનાવવામાં આવે છે? આ એક મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો છે.

મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ
મોરબીમાં વીરપર-લીલાપરને જોડતા રોડની 5 ફૂટ અંદર કૉલમના બાંધકામથી વિવાદ (ETV Bharat Gujarat)

આ સમગ્ર વિવાદ અંગે R&B પંચાયતના SO રવિ સરડવા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, આ રોડ એક 'નોન-પ્લાન રોડ' તરીકે મંજૂર થયેલો છે. નોન-પ્લાન રોડમાં કોઈ ચોક્કસ માલિકીની જગ્યા ફાળવાયેલી હોતી નથી, પરંતુ સામાન્ય રીતે ખેડૂતો અને જમીન માલિકોની સહમતિથી રોડ કાઢવામાં આવતો હોય છે. જ્યારે કોઈ જમીન માલિક વાંધો ઉઠાવે ત્યારે રોડની એલાઈનમેન્ટ સાઈડમાં લઈ લેવાની જોગવાઈ હોય છે. હાલના તબક્કે આ વિવાદિત જગ્યા અંગે સરકારી માપણી કરાવવાનો નિર્ણય લેવાયો છે. ઉપરી અધિકારી હાલ રજા પર છે, તેઓ પરત ફર્યા બાદ સત્તાવાર રીતે સરકારી માપણી કરવામાં આવશે અને ત્યારબાદ જ હકીકત સ્પષ્ટ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: નેહરુનગરમાં જમીન વિવાદે લીધો હિંસક વળાંક, નિવૃત DYSP દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગથી ચકચાર
  2. '...તો ઈમર્જન્સી માટે સ્ટોક રાખવો કે નહીં' ? ભાવનગરમાં તંત્રની નોટિસ બાદ પંપ માલિકોનો જવાબ