ETV Bharat / state

જગદીશ વિશ્વકર્માના ‘પલ્લુ’ નિવેદન બાદ બનાસકાંઠામાં કોંગ્રેસનો ભારે આક્રોશ, પાલનપુરમાં રેલી કાઢી માફીની કરી માંગ

‘પલ્લુમાંથી સીટ લીધી’ નિવેદન બદલ પ્રદેશ પ્રમુખે માફી માંગે, નહીં તો વિરોધ ચાલુ રાખીશુંની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચીમકી ઉચ્ચારી.

જગદીશ વિશ્વકર્માના ‘પલ્લુ’ નિવેદન બાદ બનાસકાંઠામાં કોંગ્રેસનો ભારે આક્રોશ
જગદીશ વિશ્વકર્માના ‘પલ્લુ’ નિવેદન બાદ બનાસકાંઠામાં કોંગ્રેસનો ભારે આક્રોશ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2026 at 8:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

પાલનપુર (બનાસકાંઠા): ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના એક નિવેદન બાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. વિશ્વકર્માએ કહ્યું હતું કે, "તમારા પલ્લુમાંથી અમે સીટો લીધી છે." આ નિવેદનને કોંગ્રેસે મહિલાઓના અપમાન તરીકે ગણાવ્યું છે. આજે બુધવારે પાલનપુરમાં કોંગ્રેસે રેલી કાઢીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને જગદીશ વિશ્વકર્મા તાત્કાલિક માફી માંગે તેવી માંગ કરી છે.

પહેલા વાવ-થરાદમાં રેલી, આજે પાલનપુરમાં વિરોધ

મંગળવારે વાવ અને થરાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી જગદીશ વિશ્વકર્માના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે પાલનપુરમાં કોંગ્રેસ કાર્યકરોએ ન્યૂ બસપોર્ટથી રેલી નીકાળી. આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા અને નારેબાજી કરી. તેઓએ "માફી માગો માફી" અને "જગદીશ વિશ્વકર્મા રાજીનામું આપો" જેવા સૂત્રોચ્ચાર કર્યા. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી.

પાલનપુરમાં રેલી કાઢી માફીની કરી માંગ (Etv Bharat Gujarat)

‘નારી વંદના’ કરનારા નેતા જ આવું બોલ્યા : કોંગ્રેસ

કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના નેતાઓ હંમેશા ‘નારી વંદના’ અને ‘નારી સંરક્ષણ’ની વાતો કરે છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતે જ મહિલાઓ વિરુદ્ધ નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું છે. આ નિવેદન ગુજરાતભરના દરેક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

‘પલ્લુમાંથી સીટ લીધી’ નિવેદન બદલ પ્રદેશ પ્રમુખે માફી માંગે (Etv Bharat Gujarat)

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતએ કહ્યું, "પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર સામે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. તેમણે માફી માંગવી જ જોઈએ. જ્યાં સુધી માફી ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ વિરોધ ચાલુ રાખશે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જ આવો વાણીવિલાસ કરે, તો નીચેના કાર્યકર્તાઓથી શું આશા રાખી શકાય?"

કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો તીવ્ર પ્રહાર

પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જગદીશ વિશ્વકર્મા પર પ્રહાર કરતા કહ્યું, "દારૂના થેલા અને કન્ટેનરની ધાકધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરીને સત્તા હાંસલ કરી છે. મતદારોનું દિલ જીતવાના બદલે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી સત્તા પ્રાપ્ત કરી છે. સત્તાના અભિમાનમાં પ્રદેશ પ્રમુખનું પાગલ જેવું મગજ થઈ ગયું છે. નારી વંદના, નારી સંરક્ષણની વાતો કરનારા પ્રદેશ પ્રમુખે આવો વાણીવિલાસ કરીને નિમ્ન કક્ષાનું નિવેદન કર્યું છે. તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ."

ધારાસભ્ય અમૃતજી ઠાકોરના જગદીશ વિશ્વકર્મા પર આકરા પ્રહાર (Etv Bharat Gujarat)

શું છે મામલો?

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં એક સભામાં કહ્યું હતું કે, "તમારા પલ્લુમાંથી અમે સીટો લીધી છે." આ નિવેદન કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને નિશાન બનાવીને આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસે આને મહિલા સન્માન સામે અપમાનજનક અને અભદ્ર લેખે ઠેરવી આંદોલન શરૂ કર્યું છે.

આ પણ વાંચો...

  1. ગેનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માને ફેંક્યો પડકાર, કહ્યું હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવો
  2. 'ઠાકોર સમાજ દેવામુક્ત થાય અને શિક્ષણ માર્ગે વળે તે માટે પ્રયાસ', પાલનપુરમાં સમાજ સુધારણા બેઠક મળી