ETV Bharat / state

ગીરસોમનાથઃ ઊંચા વ્યાજની લાલચમાં આવ્યો રોવાનો વારો; દેલવાડામાં બંટી-બબલીએ ફેરવ્યું દોઢ કરોડથી વધુનું ફૂલેકું

ઉના તાલુકાના દેલવાડા ગામે માસિક 2 ટકા વ્યાજની લાલચ આપીને બંટી-બબલીએ દોઢ કરોડથી વધુની છેતરપિંડી આચરી છે.

ભોગ બનનારા લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
ભોગ બનનારા લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : November 4, 2026 at 7:43 PM IST

4 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામે ઊંચા વ્યાજની લાલચ આપી સામાન્ય લોકોની મહેનતની કમાણી એકત્ર કરી રૂપિયા 1.50 કરોડથી વધુની નાણાકીય છેતરપિંડી થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દેલવાડા નિધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી શરાફી સહકારી મંડળીના નામે માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી રોકડ તેમજ ચેક મારફતે લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. રોકાણકારો જ્યારે પોતાની મૂડી પરત માંગવા પહોંચ્યા, ત્યારે સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.

સમગ્ર પ્રકરણમાં મંડળીનાં સંચાલક મનીષા પંડ્યા અને મેનેજર તરીકે કામગીરી સંભાળતા દિનેશ ઉર્ફે પુંજા રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પંથકમાં ભારે ચકચાર મચી છે. સ્થાનિક સ્તરે આ જોડીને 'બંટી-બબલી' તરીકે ઓળખાવીને ચર્ચા થઈ રહી છે.

રોકાણકારોએ ઊના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (Etv Bharat Gujarat)

વધુ વ્યાજની લાલચમાં ફસાયા લોકો

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે ચારથી પાંચ વર્ષ પહેલાં ફરિયાદી વૈશાલીબેનનો દેલવાડા ગામે મનીષાબેન પંડ્યા સાથે પરિચય થયો હતો. તે સમયે મનીષાબેને પોતે દેલવાડા ખાતે શરાફી સહકારી મંડળી ચલાવતાં હોવાનું અને મંડળીમાં રોકાણ કરનારને સરકારી બેન્કો કરતાં વધુ વ્યાજ આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જો કોઈ વ્યક્તિ પોતાની બચતનું રોકાણ કરવા ઇચ્છતી હોય તો સંપર્ક કરવા પણ કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદી અને તેમના પરિવારજનો મનીષાબેન પાસે રોકાણ અંગે વાત કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને જમા કરાવેલી રકમ પર માસિક 2 ટકા લેખે અને વાર્ષિક 24 ટકા લેખે નાણાકીય વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી. એટલું જ નહીં, જરૂરિયાતના સમયે મૂળ રકમ પણ પરત મળી જશે તેવી ખાતરી અપાતાં લોકો વિશ્વાસમાં આવી રોકાણ કરવા લાગ્યા હતા.

નિધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી શરાફી સહકારી મંડળીના ચેરમેન મનિષા પંડ્યા
નિધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી શરાફી સહકારી મંડળીના ચેરમેન મનિષા પંડ્યા (Etv Bharat Gujarat)

વિશ્વાસ કેળવવા માટે આપ્યો કોરો ચેક

ફરિયાદી વૈશાલીબેનના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં તેમના પતિએ સૌપ્રથમ 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ થોડા મહિનામાં વધુ 9 લાખ રૂપિયા રોકાણ માટે આપવામાં આવ્યા હતા. મનીષાબેન દ્વારા જરૂરિયાતના સમયે નાણાં ઉપાડી શકાશે તેવી ખાતરી સાથે કોરો ચેક સહી કરીને આપવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ વર્ષ 2020માં અલગ-અલગ ત્રણ ચેક મારફતે 12 લાખ અને વર્ષ 2021માં વધુ ત્રણ ચેક મારફતે 7 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023માં દેલવાડા ખાતે આવેલી મંડળીની ઓફિસે જઈ 3 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, જે મનીષાબેને મંડળીના મેનેજર દિનેશભાઈ રાઠોડને આપ્યો હતો. વર્ષ 2024માં વધુ 3 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ રીતે અલગ-અલગ તબક્કે રોકાણ વધતું ગયું અને ફરિયાદી પરિવાર દ્વારા કુલ રૂ.45 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે.

રોકાણના નામે દોઢ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી
રોકાણના નામે દોઢ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી (Etv Bharat Gujarat)

એક જ પરિવારના 70 લાખ ફસાયા

ફરિયાદ મુજબ, ફરિયાદી વૈશાલીબેનના સસરા રતિલાલ બાબુભાઈએ પણ મનીષાબેન અને દિનેશભાઈ પાસે રૂ.10.50 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમના નણંદના પતિ વિનોદકુમાર હરજીવનભાઈએ પોતાના પુત્ર આકાશભાઈના નામે રૂ.15 લાખનું રોકાણ કર્યું હતું. આમ ફરિયાદી વૈશાલીબેનના રૂ.45 લાખ, તેમના સસરાના રૂ.10.50 લાખ અને સંબંધીઓના રૂ.15 લાખ મળી એક જ પરિવારની કુલ રૂ.70.50 લાખની રકમ મંડળીમાં રોકાણ કરવામાં આવી હતી.

નાણાં પરત માંગતાં સ્ટેમ્પ પેપર પર કરી આપ્યું લખાણ

જ્યારે રોકાણકારોએ પોતાની જમા કરાવેલી રકમ પરત મેળવવા માટે મનીષાબેન અને મેનેજર દિનેશભાઈનો સંપર્ક કર્યો, ત્યારે એક વર્ષની અંદર નાણાં પરત આપી દેવાની ખાતરી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વર્ષ 2025માં મનીષાબેન દ્વારા અલગ-અલગ છ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપવામાં આવ્યું હતું. તેમ છતાં નાણાં પરત મળ્યાં નહોતાં. ત્યારબાદ 22 ઓક્ટોબર 2026ના રોજ વધુ ત્રણ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી, ડિસેમ્બર 2026માં નાણાં પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ નાણાં પરત ન મળતાં અને મનીષાબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં મોબાઇલ ફોન બંધ આવતાં રોકાણકારોની ચિંતા વધી હતી.

અન્ય રોકાણકારોના રૂપિયા 80 લાખથી વધુ ફસાયા

આ ફરિયાદમાં માત્ર એક પરિવાર જ નહીં, પરંતુ દેલવાડા, દાંડી, ઉના, રામપરા, ચાંચકવડ અને દુધાળા સહિતના વિસ્તારોના અન્ય રોકાણકારોનાં નામ અને રોકાણની રકમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં દર્શાવેલી યાદી મુજબ, અન્ય રોકાણકારોમાં મહેશભાઈ શિયાળના રૂ.18.50 લાખ, રાહુલગીરી ગૌસ્વામીના રૂ.10.50 લાખ, દાનજીભાઈ ઝાલાના રૂ.10 લાખ, ગીતાબેન ગૌસ્વામીના રૂ.6.37 લાખ, ડાયબેન સોલંકીના રૂ.5.11 લાખ સહિત અનેક લોકોની રકમ રોકાણમાં ફસાઈ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત સચિનભાઈ શિયાળ, જયાબેન શિયાળ, ભરતભાઈ રાઠોડ, જસીબેન બાંભણીયા, ભાયાભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, પુનમચંદભાઈ ઝાલા, કોમલબેન વાજા, ભાવનાબેન બાંભણીયા, જાગૃતિબેન ઝાલા, ગંગાબેન શિયાળ અને તેજલબેન શિયાળ સહિતના રોકાણકારોનાં નામ પણ ફરિયાદમાં સામેલ છે.

1.50 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ

ફરિયાદી પરિવારના રૂ.70,50,000 અને અન્ય રોકાણકારોના રૂ.80,13,404 મળી કુલ રૂ.1,50,63,404ની રકમ પરત નહીં આપી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ મંડળીના સંચાલકો દ્વારા રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી આપી વર્ષ 2020થી તા.22 ઓક્ટોબર 2026 સુધી અલગ-અલગ સમયે નાણાં એકત્ર કરવામાં આવ્યાં હતાં. રોકાણકારો દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં તેમને વાયદાઓ આપવામાં આવતા હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું પણ ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

આ સમગ્ર મામલે ફરિયાદી વૈશાલીબેન વિજયભાઈ ફુલબારૈયા દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મનીષાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યા અને દિનેશભાઈ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ સહિત સંડોવાયેલા અન્ય લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 316(5), 318(4), 61(1), 54 તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આઈ. જાડેજા ચલાવી રહ્યા છે. તપાસ દરમિયાન મંડળીમાં કેટલા લોકો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યાં હતાં, રોકાણકારોની કુલ સંખ્યા કેટલી છે, નાણાં ક્યાં વપરાયાં અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

ઊંચા વ્યાજની લાલચમાં સામાન્ય પરિવારોની મહેનતની કમાણી ફસાઈ જતાં દેલવાડા સહિત સમગ્ર ઉના પંથકમાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે. હવે પોલીસ તપાસમાં આ કથિત નાણાકીય કૌભાંડનાં કેટલાં નવાં પાસાં સામે આવે છે અને રોકાણકારોને તેમની રકમ પરત અપાવવા માટે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચોઃ