ભુજમાં ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તનનો પ્રયાસ, પાલારા જેલની દિવાલો પર રંગબેરંગી ચિત્રોએ નવી ઊર્જા ભરી
ભુજની પાલારા વિશેષ જેલમાં રાજકોટના 70 ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તન આવે તે માટે દિવાલ પર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા

Published : January 11, 2026 at 4:49 PM IST
ભુજ: ભુજની પાલારા વિશેષ જેલમાં રાજકોટના 70 ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તન આવે તે માટે દિવાલ પર વિવિધ ચિત્ર દોરવામાં આવ્યા હતા. અત્યાર સુધી જ્યાં ઊંચી દિવાલો અને નિરસ વાતાવરણ કેદીઓમાં નિરાશા પેદા કરતું હતું ત્યાં હવે રંગબેરંગી ચિત્રો,પ્રેરણાદાયક સૂત્રો અને જીવનલક્ષી દ્રશ્યો નવી ઊર્જા ભરી રહ્યા છે.
ભુજની જેલમાં ચિત્રકારો દ્વારા કેદીઓના મનમાં પરિવર્તનનો પ્રયાસ
ભુજમાં પાલારા જેલ પ્રશાસન દ્વારા લાંબા સમયથી કેદીઓના માનસિક અને સામાજિક પુનર્વસન માટે વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. તહેવારોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને માનસિક માર્ગદર્શન જેવી પહેલોથી કેદીઓમાં પરિવારથી દૂર હોવાથી પીડા ઓછી થાય અને તેઓ પોતાની ભૂલો સુધારવા પ્રેરિત થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ જ દિશામાં એક અનોખી પહેલ તરીકે “મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ” અને રાજકોટની પ્રસિદ્ધ “ચિત્ર નગરી” સંસ્થા સાથે સહયોગમાં એક વિશેષ કલા પ્રોજેક્ટ શરૂ થયો છે. આ અભિયાન હેઠળ જેલની અંદરની અને બહારની દિવાલો પર જીવનમૂલ્ય, શાંતિ, સંઘર્ષ, પરિવાર અને આત્મવિશ્વાસ જેવા વિષયો પર આધારિત ભવ્ય ચિત્રો બનાવાઈ રહ્યા છે.
રાજકોટથી આવેલા આશરે 70 કુશળ ચિત્રકારો, જેમાંથી લગભગ 40 યુવતીઓ સામેલ છે. આ પ્રોજેક્ટમાં પોતાની કળા નિઃસ્વાર્થ અર્પી રહ્યા છે. લગભગ 25 વર્ષની આસપાસના આ યુવા કલાકારો કોઈપણ પ્રકારનું માનધન લીધા વિના જેલની દિવાલોને કેનવાસ બનાવી રહ્યા છે, તેમના માટે રહેવા, ભોજન અને જરૂરી સુવિધાઓ પાલારા જેલ પ્રશાસન દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે.
આ ચિત્રો માત્ર સજાવટ માટે નથી, પરંતુ દરેક કેદીના મનમાં “હું બદલાઈ શકું છું” એવી ભાવના જગાવવાનું કામ કરે છે. નિરાશા અને ગુનાની છાયામાં જીવતા કેદીઓ માટે આ રંગીન દિવાલો આશાની બારીઓ બની રહી છે. ઘણા કેદીઓ આ ચિત્રો જોઈને પોતાના ભૂતકાળ પર વિચાર કરી ભવિષ્યમાં એક સારું જીવન જીવવાની પ્રેરણા મેળવી રહ્યા છે.
જેલ અધિકારીઓનું માનવું છે કે, સજા સાથે સુધારણા પણ જરૂરી છે. જો કેદીઓની માનસિકતા બદલાશે તો જ તેઓ સમાજમાં પાછા ફર્યા પછી ફરી ગુનાહિત માર્ગે નહીં જાય. આ કલાત્મક પહેલ એ દિશામાં એક મજબૂત પગલું સાબિત થઈ રહી છે. પાલારા જેલમાં ચાલી રહેલો આ રંગીન પરિવર્તન કાર્યક્રમ માત્ર ભુજ માટે નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે, જ્યાં કલા દ્વારા કેદીઓના જીવનમાં નવી શરૂઆતની રોશની પ્રગટાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:

