કચ્છના કલેક્ટરનો રૂડો આવકાર, બીમાર વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર અને વધારાની 30 મિનિટની જોગવાઇ કરાઇ
અંજાર કેન્દ્ર ખાતે આવેલી હાઇસ્કૂલમાં અચાનક એક વિદ્યાર્થિની પરીક્ષા દરમિયાન બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Published : February 27, 2026 at 10:42 AM IST
કચ્છ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષા યોજાઇ હતી. પ્રથમ દિવસે ધોરણ 10માં ભાષા વિષય તરીકે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સિંધી અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. અંજાર કેન્દ્ર ખાતે આવેલી હાઇસ્કૂલમાં અચાનક એક વિદ્યાર્થિની પરીક્ષા દરમિયાન બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થિનીનું પરીક્ષાનું વર્ષ ના બગડે તે માટે તેને ફરી 30 મિનિટ વધારાની પરીક્ષા માટે ફાળવવામાં આવી હતી.
બીમાર વિદ્યાર્થિનીને તાત્કાલિક મળી મદદ
અંજાર કેન્દ્ર ખાતે નવાગામ હાઈસ્કૂલની વિદ્યાર્થિની પ્રિયંકા અરવિંદભાઈ સથવારા પરીક્ષા દરમિયાન અચાનક અસ્વસ્થ બનતા જિલ્લા શિક્ષણ અધિકારીએ માનવતાભર્યો અભિગમ દાખવી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને સરકારી વાહન દ્વારા રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી. સારવાર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીને પુનઃ પરીક્ષા આપવા તક આપવામાં આવી અને સહાનુભૂતિપૂર્વક વધારાની 30 મિનિટનો સમય પણ ફાળવવામાં આવ્યો. આ પગલાંથી વિદ્યાર્થી અને વાલીઓમાં પ્રશંસાની લાગણી જોવા મળી હતી.

"ધોરણ 10 અને 12ની પરીક્ષાને ધ્યાનમાં રાખતા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટીતંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને અપીલ કરૂં છુ કે કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર અને સ્ટ્રેસ લીધા વગર તેમના તરફથી વર્ષ દરમિયાન જે મહેનત કરવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખી પરીક્ષામાં જાય અને સારૂ પરિણામ મળે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું.", આનંદ પટેલ, કલેક્ટર, કચ્છ
ભૂજ શહેરમાં આવેલી માતૃછાયા કન્યા વિદ્યાલય અને આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી પણ વિવિધ કેન્દ્રોની મુલાકાતે રહ્યા હતા. તેમણે માતૃછાયા, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તથા આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય સહિત અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ, ભુજ; મોડેલ સ્કૂલ માધાપર અને સરકારી હાઈસ્કૂલ રતનાલ ખાતે જઈ પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સમગ્ર જિલ્લામાં કડક દેખરેખ હેઠળ પરીક્ષા પ્રક્રિયા પારદર્શક રીતે સંપન્ન થઈ હતી
પૂર્વ કચ્છ વિસ્તારમાં પણ અધિકારીઓ સક્રિય રહ્યા હતા. સરકારી હાઈસ્કૂલ ગણેશનગર અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આદિપુર અને ડી.વી. હાઈસ્કૂલ અંજારની મુલાકાત લેવામાં આવી હતી.
ધોરણ 10 (SSC) પ્રથમ ભાષા વિષય મુજબ હાજરી
ગુજરાતી (FL 01): કુલ 19,644માંથી 19,161 હાજર, 483 ગેરહાજર
હિન્દી (FL 02): કુલ 504માંથી 481 હાજર, 23 ગેરહાજર
અંગ્રેજી (FL 04): કુલ 3,680માંથી 3,662 હાજર, 18 ગેરહાજર
ઉર્દૂ (05): 1 વિદ્યાર્થી હાજર
સંસ્કૃત પ્રથમા સાહિત્યમ્ (502): કુલ 42 – તમામ હાજર
HSC પરીક્ષાની હાજરી વિગતો
ધોરણ 12 (HSC) પરીક્ષામાં પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો:
ભૌતિક વિજ્ઞાન (054): કુલ 1,553માંથી 1,532 હાજર, 21 ગેરહાજર
અર્થશાસ્ત્ર (022): કુલ 13,221માંથી 13,021 હાજર, 200 ગેરહાજર
ઉદ્યોગ સાહસિકતા (156): કુલ 7 – તમામ હાજર
સંસ્કૃત મધ્યમા અનિવાર્ય વ્યાકરણમ્ (701): કુલ 45 – તમામ હાજર
શાંતિપૂર્ણ અને ગેરરીતિમુક્ત પરીક્ષા
જિલ્લાભરમાં કડક સુરક્ષા અને દેખરેખ વચ્ચે કોઈપણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી. પ્રથમ દિવસની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા શિક્ષણતંત્રે સંતોષ વ્યક્ત કર્યો છે. અધિકારીઓએ વિદ્યાર્થીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે આગામી પેપરો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:

